ટ્રેન્ડિંગનેશનલ

મહિલાએ 10 પુરુષો સાથે લગ્ન કર્યા અને બધા પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો; હાઇકોર્ટ ભડકી

કર્ણાટક, 12 સપ્ટેમ્બર: એક મહિલાએ 10 પુરુષો સાથે લગ્ન કર્યા અને તેમની સાથે સંબંધો બનાવ્યા. હવે તેણીએ આ બધા પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો છે. આ કેસની સુનાવણી કરી રહેલી કર્ણાટક હાઈકોર્ટે તાજેતરમાં જ પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષક (DG-IGP)ને નિર્દેશ આપ્યો કે શંકાસ્પદ દીપિકા નામની મહિલાની માહિતીને રાજ્યભરના પોલીસ સ્ટેશનોમાં ડિજીટલ રીતે પ્રસારિત કરવા અને તેમને તેની ફરિયાદોથી સાવધ રહે.

આ મામલો કર્ણાટક હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટમાં વિવેક અને તેના પરિવારના સભ્યોએ દલીલ કરી હતી કે, વિવેક દીપિકા દ્વારા દાખલ કરવામાં આવેલા 10મા કેસનો પીડિત છે. પોતાની અરજીમાં તેણે કોર્ટને કહ્યું કે, તેના પરિવારના તમામ સભ્યોને બળજબરીથી આમાં ખેંચવામાં આવ્યા છે. જસ્ટિસ એમ નાગપ્રસન્નાએ કર્ણાટકના હાસન જિલ્લાના સકલેશપુરમાં કોફી પ્લાન્ટેશનના માલિક પી.કે.વિવેક અને તેના પરિવારના સભ્યો સામેના કેસને રદ્દ કર્યા પછી આ નિર્દેશ આપ્યો હતો.

સમગ્ર ઘટના શું છે?
કોડાગુ જિલ્લાના કુશલનગરના રહેવાસી વિવેક અને દીપિકા 28 ઓગસ્ટ, 2022ના રોજ મૈસૂરના હોટેલ લલિત મહેલ પેલેસમાં બિઝનેસના કામના સંબંધમાં મળ્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે સંબંધ બંધાયો. થોડા મહિના પછી, 8 સપ્ટેમ્બર, 2022ના રોજ, દીપિકાએ વિવેક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી અને કુશલનગર પોલીસે બંનેને પોતાની વચ્ચે આ મામલો ઉકેલવા કહ્યું. 19 સપ્ટેમ્બર, 2022ના રોજ દાખલ કરાયેલી બીજી ફરિયાદમાં મહિલાએ દાવો કર્યો હતો કે, વિવેકે તેની સાથે લગ્ન કર્યા હતા અને તરત જ તેને છોડી દીધી હતી.
હાઇકોર્ટે આ મામલે શું કહ્યું?

હાઈકોર્ટના જસ્ટિસ નાગપ્રસન્નાએ કહ્યું કે, 2011થી દીપિકાએ અલગ-અલગ પતિ/પાર્ટનર્સ વિરુદ્ધ દુષ્કર્મ, ક્રૂરતા, ધમકીઓ, છેતરપિંડી વગેરેના આરોપમાં 10 ફરિયાદો નોંધાવી છે. તેમણે કહ્યું કે, મોટાભાગની ફરિયાદો બેંગલુરુના વિવિધ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી અને ચિક્કાબલ્લાપુર-મુંબઈમાં એક-એક કેસ નોંધવામાં આવ્યો હતો. ન્યાયાધીશે આગળ કહ્યું કે, ટ્રાયલ કોર્ટે ત્રણ કેસમાં આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા અને પીડિતોએ દીપિકા વિરુદ્ધ ખંડણી અને અન્ય ગુનાઓનો આરોપ લગાવતા પાંચ ફરિયાદો દાખલ કરી હતી.

કોર્ટે કહ્યું કે, “ નિર્દોષ જાહેર કરવાના તમામ હુકમોમાં એકસમાન વલણ છે. વારંવાર નોટિસ આપવા છતાં ફરિયાદી કોર્ટમાં હાજર થતો નથી. ફરિયાદીએ કોઈ કારણ વગર કેટલાય પુરુષો અને તેમના પરિવારના સભ્યો વિરુદ્ધ કેસ દાખલ કર્યા છે. આ બધાને કાર્યવાહીની જાળમાં આરોપી બનાવવામાં આવ્યા. આઈપીસીની કલમ 376 હેઠળ દુષ્કર્મના આરોપમાં આ આરોપીઓની અટકાયત પણ કરવામાં આવી અને લાંબા સમય સુધી કસ્ટડીમાં રહ્યા બાદ તેઓને જામીન મળ્યા.

આ મામલાએ હની ટ્રેપને પણ પાછળ છોડી દીધો છે: હાઇકોર્ટ

સુનાવણી દરમિયાન ન્યાયાધીશે કહ્યું કે, “આ મામલાએ હની ટ્રેપને પણ પાછળ છોડી દીધો છે.” કોર્ટે કહ્યું, “ઈરાદો સ્પષ્ટ છે. આ માત્ર એવા લોકોને હેરાન કરવા માટે છે જેમને ફરિયાદી સાથે કોઈ લેવાદેવા નથી. 10થી વધુ લોકો ફરિયાદીની હરકતો અને યુક્તિઓનો શિકાર બન્યા છે, જે હની-ટ્રેપ પણ છે. હું ફરિયાદીની ક્રિયાઓને દાયકાઓથી ચાલતી છેતરપિંડીની ગાથા માનું છું. આ માત્ર એકની સામે નથી, પરંતુ ઘણા લોકોની સામે છે. ફરિયાદી સતત જૂઠું બોલી રહી છે અને કોઈપણ નક્કર પુરાવા વગર કેસ દાખલ કરી રહી છે. તે દરેક સુનાવણીમાં સતત ગેરહાજર રહી છે.  જજે કહ્યું કે, આ અદાલત સમક્ષ પણ ફરિયાદી એક વખત હાજર થઈ છે અને ઘણી વખત હાજર થઈ નથી. ફરિયાદી જે પોલીસ સ્ટેશન સમક્ષ કેસ નોંધવા માંગે છે તેઓએ યોગ્ય પ્રાથમિક તપાસ કર્યા વિના કેસ નોંધવો જોઈએ નહીં. આ વલણને અટકાવવું જરૂરી છે.”

Back to top button