ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોલકાતાની હોસ્પિટલમાં મહિલા ડૉક્ટરની દુષ્કર્મ બાદ હત્યા, મેડિકલ સ્ટાફ રસ્તા પર; 1ની ધરપકડ

  • કોલકાતામાં  RG કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા ડૉક્ટરનો મૃતદેહ અર્ધ-નગ્ન હાલતમાં મળી આવતાં ખળભળાટ

કોલકાતા, 10 ઓગસ્ટ: પશ્ચિમ બંગાળના કોલકાતામાં રાજ્ય સરકાર સંચાલિત RG કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં એક મહિલા ડૉક્ટરનો મૃતદેહ અર્ધ-નગ્ન હાલતમાં મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. ત્યારબાદ રાજ્યમાં રાજકીય તાપમાનનો પારો પણ ચડ્યો છે. પોલીસ દ્વારા આ હત્યામાં સંડોવાયેલા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપી વ્યક્તિ હોસ્પિટલ સાથે સંકળાયેલો ન હતો, પરંતુ તે તબીબી સંસ્થાના વિવિધ વિભાગોમાં અવારનવાર આવતો હતો. પકડાયેલો આરોપી બહારનો છે. તેની શંકાસ્પદ ગતિવિધિઓ દર્શાવે છે કે તે આ ઘટનામાં સામેલ હતો. બીજી તરફ, આરોપીઓની ધરપકડ અને કડક સજાની માંગ સાથે મેડિકલ કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે.

 

ભારતીય જનતા પાર્ટીનું કહેવું છે કે, મહિલા ડૉક્ટર પર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવી હતી. મહત્ત્વપૂર્ણ છે કે, હોસ્પિટલના સેમિનાર હોલમાં મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, મૃતદેહના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી વહી રહ્યું હતું.

મહિલા ડૉકટરના મૃતદેહના પ્રાયવેટ પાર્ટ, આંખ અને મોઢામાંથી વહી રહ્યું હતું લોહી

બીજી તરફ પોલીસે આ કેસમાં આત્મહત્યાની શક્યતાને નકારી કાઢી છે. એક પોલીસ અધિકારીએ કહ્યું છે કે, આ ચોક્કસપણે આત્મહત્યાનો કેસ નથી. મહિલા ડૉક્ટરની યૌન ઉત્પીડન બાદ હત્યા કરવામાં આવી હતી. પોલીસના પ્રાથમિક તપાસ રિપોર્ટ મુજબ, પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાંથી લોહી નીકળતું હતું અને તેના શરીરના અન્ય ભાગો પર પણ ઈજાના નિશાન હતા. પીડિતાની આંખો અને મોં બંનેમાંથી લોહી વહી રહ્યું હતું. ચહેરા અને નખ પર ઈજાના નિશાન હતા. પીડિતાના પ્રાઈવેટ પાર્ટમાંથી પણ લોહી નીકળતું હતું. તેના પેટ, ડાબા પગ, ગરદન, જમણા હાથ, રિંગ ફિંગર અને હોઠ પર ઈજાના નિશાન હતા. કોલકાતા પોલીસના અન્ય એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, આ ગુનો સવારે 3 થી 6 વાગ્યાની વચ્ચે બન્યો હતો.

ગરદનનું હાડકું પણ તૂટી ગયું હતું

પોલીસ અધિકારીએ વધુમાં જણાવ્યું કે, મહિલા ડૉક્ટરની ગરદનનું હાડકું પણ તૂટેલું જોવા મળ્યું હતું. તેમણે કહ્યું કે, ‘એવું લાગે છે કે પહેલા મહિલાનું ગળું દબાવવામાં આવ્યું હતું. અમે સંપૂર્ણ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ, જે અમને ગુનેગારોને ઓળખવામાં મદદ કરશે.’ કોલકાતા પોલીસે આ મામલાની તપાસ માટે વિશેષ તપાસ ટીમ (SIT)ની રચના કરી છે. મહત્ત્વપૂર્ણ છે કે, શુક્રવારે હોસ્પિટલના સેમિનાર હોલમાં એક મહિલા ડોક્ટરનો અર્ધ-નગ્ન મૃતદેહ મળી આવ્યો હતો. ઇન્ટર્ન તબીબ છાતીના રોગોના મેડિસિન વિભાગની બીજા વર્ષની વિદ્યાર્થિની હતી અને ગુરુવારે રાત્રે ફરજ પર હતી. ઇન્ટર્ન તબીબના શરીર પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે શરીર પર તેના ગાલ, નાક, હોઠ, ભ્રમર અને ગરદન વચ્ચે ઇજાના નિશાન હતા. આ નિશાનો દર્શાવે છે કે ત્યાં સંઘર્ષ થયો હતો.

પીડિતાના પિતાએ શું કહ્યું?

બીજી તરફ મહિલા તબીબના પિતાએ પણ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમનું કહેવું છે કે, તેમની પુત્રી પર હોસ્પિટલમાં દુષ્કર્મ કરવામાં આવ્યું અને પછી તેની હત્યા કરવામાં આવી. તેમણે વધુમાં કહ્યું કે, હવે સત્ય છૂપાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. મારી પુત્રીની હત્યા કરતા પહેલા તેની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. તેના શરીર પરના ઈજાના નિશાન આ વાતનો પુરાવો છે. તેણી અર્ધ નગ્ન હાલતમાં મળી આવી હતી. સત્ય છુપાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. હું સમજી શકતો નથી કે, હોસ્પિટલના સત્તાવાળાઓ તપાસમાં કેમ વિલંબ કરી રહ્યા છે.”

આ દરમિયાન, ઇમરજન્સી વોર્ડ સિવાયના તમામ વિભાગોમાં કામ કરતા પીજીટી ડૉકટરોએ ગુનેગારોની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. ઘણા વિદ્યાર્થી સંગઠનોએ મહિલા ડૉક્ટરના મૃત્યુની તાત્કાલિક તપાસની માંગ સાથે રેલી કાઢી હતી.

આ પણ જૂઓ: ચેસની દુનિયાની કલંક સમાન ઘટનાઃ હરીફ ખેલાડીને કર્યો ઝેર આપવાનો પ્રયાસ! જૂઓ વીડિયો

Back to top button