અમદાવાદ, 15 માર્ચ 2024, શહેરમાં ફિઝિયોથેરાપિસ્ટનો અભ્યાસ કરતી યુવતી શિવરંજની નજીક એક્ટિવા લઈને પસાર થઈ રહી હતી. ત્યારે કારચાલક મહિલાએ તેને અડફેટે લેતા 50 મીટર સુધી ઢસડાઈ હતી. યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. આ ઘટનાને પગલે લોકો એકત્ર થઈ ગયા હતા. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ઈજાગ્રસ્ત યુવતીને હોસ્પિટલ ખસેડવામાં હતી. જોકે, સારવાર દરમિયાન યુવતીનું મૃત્યુ થતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. યુવતીના પરિવારજનો અકસ્માત કરનાર મહિલાની ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં.
વિશ્વાને પાંસળી અને માથામાં ગંભીર ઈજા થઈ હતી
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નારણપુરા વિસ્તારમાં રહેતી 21 વર્ષીય વિશ્વા શાહ નામની યુવતી એક્ટિવા પર જઈ રહી હતી અને અકસ્માતનો ભોગ બની હતી. વિશ્વાને પાંસળી અને માથામાં ગંભીર ઈજા થઈ હતી. આ સમગ્ર મામલે હાલ ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપી કાર ચાલક મહિલાને પકડવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર સિગ્નલ બંધ થવાની તૈયારી હતી, જેથી કારચાલકે તેની કાર પૂરપાટ દોડાવી હતી અને અકસ્માત સર્જ્યો હતો. ટ્રાફિક પોલીસે યુવતીને તાત્કાલિક અન્ય લોકોની મદદ લઈને સારવાર માટે ખસેડી હતી. કારચાલક મહિલાએ અન્ય બે લોકોને પણ અડફેટે લીધા હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃઅમદાવાદના જુહાપુરામાં ફ્લેટમાં આગ લાગતાં વૃદ્ધાનું મૃત્યુ, 20થી 25 વાહનો ખાખ