કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટમાં મહિલા ASI લાંચ લેતા ઝડપાયા, ACBએ પોલીસ સ્ટેશનમાં જ છટકું ગોઠવ્યું હતું

Text To Speech

રાજકોટમાં આજે એસીબીની ટીમે મહિલા એએસઆઈને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. મહિલા પોલીસકર્મીએ ફરિયાદી પાસેથી મારામારીના ગુનામાં હાજર થયે આરોપીને લોકઅપમાં નહીં રાખવા તેમજ તેને માર નહીં મારવા અને તુરંત જ જામીન આપી દેવા માટે લાંચ માંગી હતી. જે અંગે એસીબીને જાણ કરાઈ હતી ત્યારબાદ છટકું ગોઠવતા પોલીસકર્મી આબાદ ઝડપાઈ ગયા હતા.

રૂ.20 હજાર માંગ્યા હતા, આ બીજો હપ્તો હતો

આ અંગે મળતી માહિતી મુજબ, આ કામના ફરીયાદિ મહિલા તથા તેમના પતિ તથા અન્ય વિરૂધ્ધમાં માલવિયાનગર પો.સ્ટે.માં મારામારી અંગેનો ગુન્હો દાખલ થયેલો તે ગુન્હાના કામે ફરીયાદિના પતિને અટક કરવાના બાકી હોય ફરીયાદી આ ગુન્હાની તપાસ કરનાર મહિલા એ.એસ.આઇ. ગીતાબેનને મળતા તેઓએ ફરીયાદીને તેઓના પતિ હાજર થયેથી લોક-અપમાં નહીં રાખવા તથા માર નહીં મારવાના તથા તુર્તજ જામીન પર મુક્ત કરી દેવાના અવેજ પેટે રૂ.20000/- ની લાંચની માંગણી કરી અગાઉ ફરીયાદિ પાસેથી રૂ.10000/- લઇ લીધેલ અને બાકી રહેલ રૂ.10000/- ની રકમ આજરોજ તેને ફોન કરી આપવા જવા અંગેનો વાયદો થયેલ હોય જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય, એ.સી.બી. પો.સ્ટે. રાજકોટ શહેર ખાતે આવી ફરીયાદીએ પોતાની ફરીયાદ જાહેર કરતા ફરીયાદીની ફરીયાદ આધારે માલવીયાનગર પો.સ્ટે. રાજકોટ શહેર ખાતે ગોઠવેલ લાંચના છટકા દરમ્યાન આ કામના આક્ષેપિત પંચ-1ની હાજરીમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી, લાંચની રકમ માંગી, સ્વીકારી ઝડપાઇ ગયા હતા.

મહિલા પોલીસકર્મીની મિલકત ઝડતી લેવા તજવીજ

આ કાર્યવાહી ટ્રેપીંગ અધિકારી એચ.એમ.રાણા ઇ.ચા પોલીસ ઇન્સ્પેકટર,એ.સી.બી. પો.સ્ટે.રાજકોટ શહેર તથા સ્ટાફ દ્વારા વિઝન અધિકારી વી.કે.પંડયા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ, રાજકોટના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. હવે મહિલા પોલીસકર્મી સામે ગુનો દાખલ કરી તેમની મિલકત ઝડતી લેવા તજવીજ હાથ ધરવામાં આવી છે.

Back to top button