ઉનાળું વેકેશન પૂર્ણ થતા આજથી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે. આજથી રાજ્યમાં આવેલી સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ પ્રાથમિક તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મળી અંદાજે 54,000થી શાળાઓમાં નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. મહત્વનું છે કે ગત વર્ષ કરતા આ વર્ષે 8 દિવસ વહેલા સત્ર શરૂ થયું છે. આજથી રાજ્યના તમામ શાળાઓના કેમ્પસ ફરી ભૂલકાઓના અવાજથી ગુંજી ઉઠ્યા છે.
પ્રથમ સત્રમાં 125 દિવસ શૈક્ષણિક કાર્ય માટે ફાળવાયા
રાજ્યમાં નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ થયો છે ત્યારે આજથી 8 નવેમ્બર સુધી પ્રથમ સત્રમાં શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવશે. ત્યારબાદ 9 નવેમ્બરથી દિવાળી વેકેશન આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, પ્રથમ સત્રમાં 125 દિવસ શૈક્ષણિક કાર્ય માટે ફાળવવામાં આવ્યા છે. ત્યારબાદ 9 નવેમ્બરથી 29 નવેમ્બર સુધી 21 દિવસનો દિવાળી વેકેશન રહેશે. અને દિવાળી વેકેશન પૂર્ણ થયા બાદ 30 નવેમ્બરથી બીજા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. ત્યાર બાદ બીજું શૈક્ષણિક ક્ષેત્ર 30 નવેમ્બરથી 5 મે સુધી કુલ 125દિવસનું રાખવામાં આવ્યું છે.
સ્ટેશનરી સહિતની સામગ્રીના ભાવોમાં વધારો
આજથી શાળાઓ શરૂ થઈ રહી છે. ત્યારે બજારોમાં પુસ્તકો, નોટબુક, સ્કૂલ ડ્રેસ, સ્કૂલ બેગ સહિતની વસ્તુઓ ખરીદવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓની ભારે ભીડ ઉમટી પડી છે. ત્યારે બીજી તરફ બજારોમાં પુસ્તકો, નોટબુક, સ્કૂલ ડ્રેસ, સ્કૂલ બેગ સ્ટેશનરી સહિતની સામગ્રીના ભાવોમાં વધારો થયો છે.
આજથી બાલવાટિકાનો પણ સત્તાવાર પ્રારંભ
નવી શિક્ષણનીતિના ભાગરૂપે આ વખતે ગુજરાતમાં પ્રાથમિક શાળમાં પ્રથમવાર સત્તાવાર રીતે બાલવાટિકાનો પણ પ્રારંભ થવા જઇ રહ્યો છે.આ વખતે રાજ્યની સ્કૂલોમાં ધોરણ.1થી 5ની સાથે બાલવાટિકાનો પણ સત્તાવાર પ્રારંભ થયો છે. પ્રથમવાર રાજ્યની શાળાઓમાં ધો.1માં 6 વર્ષની વય ધરાવતા બાળકોનો પ્રવેશ થશે. 5થી 6 વર્ષ સુધીના બાળકોને બાલવાટિકામાં પ્રવેશ અપાશે.
આ પણ વાંચો : ગુજરાતમાં આ તારીખે પડશે વરસાદ, જાણો ક્યાં નોંધાશે વરસાદ?