ગરમીની શરૂઆત થતાં સિંગતેલ બાદ લીંબુના ભાવ પણ લોકોને રડાવશે
હજી તો ગરમીની શરૂઆત જ થઈ છે ત્યારે બજારમાં શાકભાજીથી લઈ વિવિધ ચીજવસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે મગફળીની અછત જોવા મળી રહી છે, જેના કારણે ઓઈલમિલમાં પિલાણ માટે જથ્થો ઓછો આવે છે પરિણામે સિંગતેલ મોંઘા ભાવનું ખરીદ કરવું પડી રહ્યું છે. ફેબ્રુઆરી 2022માં સિંગતેલના ભાવે રૂ.2300ની સપાટી કૂદાવી હતી. અને આ વર્ષે સિંગતેલનો ભાવ રૂ. 2940 હતો.
આ વચ્ચે ખેડૂતોના માલસમાની દેખરેખ રાખતી સંસ્થા નાફેડ દ્વારા કુત્રિમ અછત ઊભી કર્યો હોવાનો ખેડૂતો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ગોંડલ, જૂનાગઢ, જામનગર, રાજકોટ, અમરેલી સહિત આખા સૌરાષ્ટ્રમાં આવેલી ઓઈલમિલમાં પિલાણ માટે દૈનિક 1.50 લાખ બોરીની જરૂરિયાત છે. જ્યારે સામે આવક માત્ર 30 હજાર બોરીની જ છે. આમ નાફેડની નફાખોરી સામે ઓઈલમિલરો, ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : ગુજરાત: સામાન્ય માણસના ઘરનું બજેટ ખોરવાયું, સિંગતેલના ભાવમાં ભડકો
બીજી બાજુ નાફેડ ખેડૂતોને આ વખતે પુરતા ભાવ આપી ન શક્યું એટલે ખેડૂતોએ ખુલ્લા બજારમાં માલ વેચ્યો અને તેથી સંગ્રહખોરી થતી હોવાની ફરિયાદ ઊઠી છે. આમ, સંગ્રહખોરી અને નફાખોરીને કારણે 12 મહિનામાં સિંગતેલ રૂ.620 મોંઘું થયું છે. નાફેડના જણાવ્યાનુસાર તેને ગત વર્ષે 95 હજાર મેટ્રિક ટન મગફળી ખેડૂતો પાસે ખરીદી કરી હતી અને 35 હજાર મેટ્રિક ટન કેરી ફોરવર્ડ સ્ટોક છે. જરૂરિયાત મુજબ હોય તે પ્રમાણે તે માલ રિલીઝ કરે છે.
ગરમીની શરૂઆત થતાં જ લીંબુની આવક ઘટતા ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. બજારમાં હોલસેલ ભાવ 80થી 95 રૂપિયે હરાજી થઈ છે તો આ સિવાય માર્કેટમાં લીંબુના ભાવ 150 રૂપિયાએ પહોંચ્યા છે. આજે 100-150 રૂપિયાનો ભાવ થયો. છૂટક બજારમાં લીંબુના ભાવ 120થી 150 રૂપિયે કિલો સુધીના જોવા મળી રહ્યા છે. ગરમી શરૂ થતા લીંબુની આવક ઘટતા લીંબુના ભાવમાં વધારો નોંધાયો છે.