ગુજરાત

રાજ્ય સરકારની મદદથી અનુસૂચિત જાતિના યુવાનોના વિદેશ અભ્યાસના સપના સાકાર થયા, આ રીતે મળી મદદ

જીવનમાં દરેક માણસનું કંઇ ને કંઇ ધ્‍યેય હોય છે, નાનપણથી જ દિલ અને દિમાગમાં કોઇ સપનું સજાવેલુ હોય છે. આ સપના ત્‍યારે જ સાકાર થાય છે જ્યારે બાળપણથી જ બાળકનું સારા સંસ્‍કારો અને શિક્ષણ સાથે ઘડતર થયું હોય, પુરતી મહેનત કરવામાં આવી હોય તે સાથે કોઇની હૂંફ, માર્ગદર્શન અને યોગ્ય સમયે મદદ મળે. આપણે વાત કરવી છે અનુસૂચિત જાતિના એવા તેજસ્વી તારલાઓની કે જેમણે રાજ્ય સરકારની આર્થિક મદદથી વિદેશમાં ભણવાના અરમાનો પુરા કર્યા છે.

અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે સહાય

બનાસકાંઠા જિલ્‍લા ધાનેરા તાલુકાના શિયા ગામના ખેડુત રમેશભાઇ જોધાભાઇ સોલંકીના પુત્ર ઉત્તમ સોલંકીને વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરી માતા-પિતાનું સપનું પુરૂ કરવું હતું. ધ્‍યેયને સિધ્‍ધ કરવા સાહસની પણ જરૂર પડતી હોય છે. રમેશભાઇ સોલંકી ગામડામાં રહેતા ખેડુત હોવા છતાં તેમણે તેમના બધા જ બાળકોને સારુ શિક્ષણ અપાવ્યું છે. તેમણે તેમના સૌથી મોટા પુત્ર ઉત્તમને ખેરવા ગણપત યુનિવર્સિટીમાંથી ઇન્ફોર્મેશન ટેકનોલોજી (આઇ.ટી.) એન્જીનિંયરીંગમાં ગ્રેજયુએશન કરાવ્યું છે. ગ્રેજ્યુએશન બાદ માસ્ટર ડીગ્રી કરવા માટે તેને વિદેશમાં ભણવાની અદમ્ય ઇચ્છા હતી. ઉત્તમના પિતા રમેશભાઇ સોલંકીને પણ દિકરાને વિદેશ ભણાવવાની ખુબ ઇચ્છા હતી. એટલે ઉત્તમે કેનેડાની વિન્ડસર યુનિવર્સિટીમાં પ્રવેશ માટે અરજી કરી અને તેમાં એડમિશન પણ મળી ગયું. સાથે જ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગમાં તપાસ કરી. ત્યાંથી તેમને જાણકારી મળી કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે રાજય સરકાર દ્વારા સાવ નજીવા વ્‍યાજના દરે રૂ.15 લાખ સુધીની લોન આપવામાં આવે છે. ઉત્તમે પણ આ લોન માટે અરજી કરતાં તેઓને માત્ર 4 ટકાના વ્‍યાજદરની રૂ. 15લાખની લોન મળતાં હાલ તેઓ કેનેડાની વિન્ડસર યુનિવર્સિટીમાં આઇ.ટી. એન્જીનિયરીંગમાં માસ્ટર ડીગ્રીનો અભ્‍યાસ પૂર્ણ કરી ત્યાં નોકરી કરી સારું કમાઇ રહ્યો છે.

બનાસકાંઠા લોન સહાય-humdekhengenews

ઉત્તમના પિતા વ્યક્ત કરી ખુશી

ઉત્તમના પિતા રમેશભાઈ જોધાભાઈ સોલંકીએ ખુશી સાથે જણાવ્યું કે, મારો દીકરો કેનેડા વિદેશ અભ્યાસ માટે ગયો છે. ડો.બાબા સાહેબ આંબેડકર લોન સહાય યોજના હેઠળ સમાજ કલ્યાણ કચેરીમાંથી અમને 15 લાખની લોન મળી છે. જેથી મારો દીકરો વિદેશમાં અભ્યાસ કરવા જઈ શક્યો. સરકારે અમારા સપના પૂર્ણ કર્યા એટલે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. ઉત્તમ આજે કેનેડામાં અભ્યાસ સાથે નોકરી કરી સારું કમાય છે.

પાલનપુરના યુવાનને  મળી સહાય 

પાલનપુર તાલુકાના મડાણાનો યુવક દિપક પરસોત્તમ ભાઈ પરમાર વિદેશમાં અભ્યાસ કરવાનું પોતાનું સપનું પૂર્ણ થાય એ માટે પ્રયત્નશીલ હતો. ધોરણ 12 પછી વિદેશ અભ્યાસ કરવા ઇચ્છતા દીપકે સમાજ કલ્યાણ ખાતામાં જાતે જ તપાસ કરી અને વિદેશમાં અભ્યાસ માટે સરકાર દ્વારા લોન મળતી હોવાની જાણકારી મેળવી. ત્યારબાદ જરૂરી અરજી પ્રક્રિયા અને ડોક્યુમેશન બાદ તેને 15 લાખની લોનની સહાય મળતાં તે આજે કેનેડામાં સોફ્ટવેર કમ્પ્યુટર એન્જીનિયરિંગ નો અભ્યાસ કરી રહ્યો છે. દીપકની માતા વનીતાબેને જણાવ્યું કે, વિદેશમાં અભ્યાસ માટે મારા દીકરા દીપકે જાતે જ બધી તપાસ કરી અને લોન માટેની પ્રક્રિયા પણ તેણે કરી હતી. અમને સમાજ કલ્યાણ ખાતામાંથી 15 લાખની લોનની સહાય મળી હતી. સરકાર તરફથી લોનની સગવડ મળી એ સારુ છે. આ લોનથી મારો દીકરો વિદેશ જઇ શક્યો અને પાંચ વર્ષથી કેનેડામાં ભણવાની સાથે નોકરી કરે છે. આ લોનથી જ દીપકનું વિદેશમાં ભણવાનું સપનું પૂરું થયું છે.

બનાસકાંઠા લોન સહાય-humdekhengenews

પાંચ વર્ષમાં 26 વિદ્યાર્થીઓને રૂ. 3.90 કરોડની લોન અપાઇ

ર્ડા. બાબા સાહેબ આંબેડકર મહારાજા સયાજીરાવ ગાયકવાડ સરકારની શિષ્‍યવૃત્તિ લઇ વિદેશ અભ્યાસ માટે ગયા હતા. ર્ડા.આંબેડકરની જેમ ગુજરાતનો અનુસૂચિત જાતિનો યુવાન પણ વિદેશમાં ભણી-ગણીને પોતાના સપના સાકાર કરે તે માટે ગુજરાત સરકાર દ્વારા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે રૂ. 15 લાખની લોન આપવામાં આવે છે. આપણા લોકપ્રિય મુખ્‍યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્‍વવાળી રાજ્ય સરકાર દ્વારા ગરીબો અને વંચિતોના વિકાસ માટે વિશેષ કાળજી લેવામાં આવે છે. સમાજ કલ્યાણ ખાતાની લોન લઇ વિદેશ અભ્યાસ માટે જવાવાળો ઉત્તમ એકલો નથી. વિદેશ ઉચ્ચ અભ્યાસ માટે ર્ડા. બાબા સાહેબ આંબેડકર લોન સહાય યોજના હેઠળ છેલ્લા પાંચ વર્ષમાં બનાસકાંઠા જિલ્લામાં 26 વિદ્યાર્થીઓને રૂ. 15-15 લાખ લેખે નાયબ નિયામક અનુસૂચિત જાતિની કચેરી દ્વારા રૂ. 3.90 કરોડની લોન આપવામાં આવી છે. રાજ્ય સરકારની આ આર્થિક મદદથી આ વિદ્યાર્થીઓએ વિદેશમાં જઇ ઉચ્ચ અભ્યાસ પુરો કરી સફળતાની કેડી કંડારી છે. રાજયમાં આવા તો સંખ્‍યાબંધ વિદ્યાર્થીઓએ રાજય સરકારની મદદથી ઉજ્જવળ કારકીર્દીનું ઘડતર કર્યું છે.

 આ પણ વાંચો : ખેડૂતો આનંદો ! ખેડૂતો માટે ઈતિહાસના સૌથી મોટા સહાય પેકેજની જાહેરાત

Back to top button