કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

વળતર યોજના પુરી થતાની સાથે જ શહેરીજનોએ પણ વેરો ભરવામાંથી હાથ કર્યા ઉંચા..!

Text To Speech

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દરવર્ષે નવા નાણાંકિય વર્ષના પ્રારંભ સાથે એડવાન્સ મિલકતવેરો ભરનારા મિલકતધારકોને અર્લી બર્ડ સ્કીમ હેઠળ વળતર આપવામાં આવે છે. 2022-23ના નાણાંકિય વર્ષની શરૂઆત સાથે એપ્રિલ માસના પ્રથમ સપ્તાહથી વળતર યોજનાનો પ્રારંભ થયો હતો. જુન માસના અંત સાથે આ વળતર યોજના પુરી થઇ ત્યારે, મહાનગરપાલિકાને રૂ. 340 કરોડના ટેક્સ ટાર્ગેટ સામે 177 કરોડની આવક સાથે 52 ટકા વેરો મળ્યો છે. મહાનગરપાલિકામાં નોંધાયેલા કુલ 5.10 લાખ મિલકતધારકોમાંથી 2 લાખ 77 હજાર મિલકતધારકોએ વેરો ભરપાઇ કરતાં કુલ લક્ષ્યાંક સામે 52 ટકા વેરો મળી ગયો છે. પણ, વળતર યોજના પુરી થવા સાથે મિલકતધારકો પણ વેરો ભરવા અને મહાનગરપાલિકા વેરો વસુલવા ઉદાસ બની ગઇ છે.

1 મહિનામાં 2.67 લાખ મિલકત ધારકોએ વેરો ભર્યો
એપ્રિલ માસમાં વળતર યોજના શરૂ થઇ ત્યારથી મે માસ સુધીના પ્રથમ તબક્કામાં 2.67 લાખ મિલકત ધારકોએ વેરો ભરપાઇ ર્ક્યો હતોે. આ પછી જૂન માસના અંત સુધીના બીજા તબક્કાની વળતર યોજનામાં એક માસમાં દસ હજાર મિલકતધારકો વધ્યા હતા. અને, આ આંકડો 2.77 લાખ ઉપર પહોંચ્યો હતો. પણ, આ પછી ઉત્તરોત્તર ટેક્સપેયર ઘટતા જાય છે. અને જુલાઇ માસના પ્રથમ પખવાડિયા સુધીમાં 3 લાખ ટેક્સ પેયર પણ થયા નથી. મહાનગરપાલિકાની આર્થિક કરોડરજ્જુ સમાન વેરા વસુલાત શાખાની કામગીરી મજબુત કરવા અને ટેક્સના લક્ષ્યાંક સુધી પહોંચવા માટે બનાવવામાં આવેલા રીકવરી સેલ દ્વારા પણ વળતર યોજના પુરી થયા બાદ કોઇ મહત્વપુર્ણ ફિલ્ડવર્ક કરવાને બદલે માત્ર ટેબલ વર્ક જ કરવામાં આવી રહ્યું છે. આ કારણે પણ ટેક્સ વિભાગની કામગીરી ઉદાસ બની રહી છે.

2022-23માં ત્રણ માસમાં મનપાને વેરા પેટે રૂ.177 કરોડની આવક
મહાનગરપાલિકાની વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલા મહાનગર પાલિકાના ત્રણ માસિક આર્થિક અહેવાલમાં જણાવાયા મુજબ, વર્ષ 2022-23ના નાણાંકિય વર્ષમાં એપ્રિલથી જૂન માસ સુધીમાં સૌથી વધુ આવક ટેક્સ વિભાગની થઇ છે. ત્રણ માસમાં જ રૂ. 340 કરોડના લક્ષ્યાંક સામે રૂ.177 કરોડનો વેરો ભરપાઇ થતાં અન્ય આવકોની સરખામણીમાં ટેક્સ વિભાગની આવક સૌથી વધુ 52 ટકા છે. આ ત્રીમાસિક આર્થિક અહેવાલ મુજબ, ત્રણ માસમાં મહાનગર પાલિકાને રૂ. 292 કરોડના ખર્ચ સામે રૂ. 481 કરોડની આવક થઇ છે. જેમાં 260 કરોડની મહેસુલી આવક સામે 170 કરોડનો મહેસુલી ખર્ચ થયો છે. જ્યારે મુડી આવક 220 કરોડ સામે રૂ. 122 કરોડનો ખર્ચ થયો છે.આમ પહેલા ત્રણ માસમાં મહાનગર પાલિકાની આવકમાં અંદાજે રૂ. 80થી 90 લાખની બચત થઇ છે. જો કે પ્રથમ ત્રણ માસમાં ટેક્સ વિભાગની વળતર યોજનાના કારણે દરવર્ષે મહાનગરપાલિકની બચત રહે જ છે. પણ, ત્યારબાદ વેરાની આવક ધટતાં ખર્ચના ખાડાં શરૂ થઇ જાય છે.

પ્રથમ ત્રણ માસમાં મહાનગરપાલિકા માટે ટેક્સ બ્રાંચ કમાઉ દિકરો સાબિત થઇ

મિલકત વેરો: રૂ. 340 કરોડના લક્ષ્યાંક સામે રૂ. 177 કરોડ
આવાસ યોજના: રૂ. 286 કરોડમાંથી 34 કરોડ
એફએસઆઇ: 131 કરોડમાંથી 20 કરોડ
વ્યવસાય વેરો: 38 કરોડમાંથી 8 કરોડ
હોર્ડિંગ્સ બોર્ડ : 15 કરોડમાંથી 90 લાખ
વાહનવેરો : રૂ. 5 કરોડમાંથી રૂ. 28 લાખ

Back to top button