- અમદાવાદમાં પણ હવાના પ્રદુષણમાં ચિંતાજનક વધારો
- દિલ્હી, કોલકત્તા, મુંબઈ વિશ્વના 10 પ્રદુષિત શહેરોમાં સમાવેશ
- દેશનાં ટોપ -10 શહેરોમાં ગ્રેટર નોઈડા અને ફરીદાબાદ સૌથી આગળ
હવાના પ્રદુષણમાં વિશ્વમાં ભારત 8માં ક્રમે આવ્યું છે. ત્યારે અમદાવાદનો રખિયાલ વિસ્તાર સૌથી વધુ પ્રદુષિત બન્યો છે. તેમજ દિલ્હી, કોલકત્તા, મુંબઈ વિશ્વના 10 પ્રદુષિત શહેરોમાં સમાવેશ થયા છે. તથા અમદાવાદમાં પણ હવાના પ્રદુષણમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.
સરકારી-ખાનગી આફિસોના 50 ટકા સ્ટાફને વર્ક-ફ્રોમ હોમ કરવાના નિર્દેશ
આજે અમદાવાદનો AQI 186એ પહોંચ્યો છે. જેમાં નવરંગપુરાનો AQI 200ને પાર કરી 217એ પહોંચ્યો છે. ત્યારે રખિયાલનો AQI 265 જ્યારે રાયખડનો AQI 188 થયો છે. દિલ્હીમાં હવાનું પ્રદૂષણ વકરવાને કારણે હવે દિલ્હીના તમામ સરકારી અને ખાનગી કાર્યાલયોમાં 50 ટકા સ્ટાફને વર્કફ્રોમ હોમ કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે રવિવારે દિલ્હી-એનસીઆરમાં પબ્લિક પ્રોજેક્ટ્સના બાંધકામ પર પણ પ્રતિબંધ લાદ્યો છે. સાથે ટ્રક્સ અને કોમર્શિયલ ફોર વ્હીલર્સના દિલ્હીમાં પ્રવેશ સામે પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
દેશનાં ટોપ -10 શહેરોમાં ગ્રેટર નોઈડા અને ફરીદાબાદ સૌથી આગળ
દેશનાં ટોપ -10 શહેરોમાં ગ્રેટર નોઈડા અને ફરીદાબાદ સૌથી આગળ છે. જેમાં ગ્રેટર નોઈડાનો AQI 476 છે જ્યારે ફરીદાબાદનો AQI 456 નોંધાયો હતો. નોઈડામાં 433, હરિયાણાનાં ગુરુગ્રામમાં 435, સિરસામાં 432, કેંન્થલમાં 455, ફતેહાબાદમાં 454 અને હિસ્સારમાં AQI 447 નોંધાયો હતો. આરોગ્ય નિષ્ણાતોનાં મતે પ્રદૂષિત અને ઝેરી હવાને કારણે બાળકોનાં માનસિક વિકાસ પર માઠી અસર થાય છે. બાળકો તેમજ પુખ્ત વયનાં લોકોનાં ફેફસાં AQI 60થી હોય ત્યારે જ તંદુરસ્ત રહે છે. કાળા ડિબાંગ ધુમ્મ્સનાં વાદળોને કારણે દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાયું છે.
પ્રાથમિક સ્કૂલો 10 નવેમ્બર સુધી બંધ
રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર થતાં કેન્દ્ર સરકાર દ્વારા ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન (ગ્રેપ)ના ચોથા તબક્કા હેઠળના (ગ્રેપ-4) પ્રતિબંધો લાગુ કરાયા છે. તે અંતર્ગત દિલ્હીમાં આવશ્યક સેવાઓ માટેની ટ્રકો સિવાયની ટ્રકો પર પ્રવેશ પ્રતિબંધિત કરી દેવાયો છે. જોકે સીએનજી અને ઇલેક્ટ્રિક ટ્રકોને પ્રવેશ અપાશે. બાંધકામો પર પણ પ્રતિબંધ લાદી દેવાયો છે. એર ક્વોલિટી મેનેજમેન્ટ કમિશને દિલ્હી-એનસીઆરમાં સરકારી કચેરીઓ અને ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમ કરાવવા સહિતના પગલાં ભરવા સૂચન કર્યું છે. દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર કેટલું ખતરનાક છે તેનો અંદાજ એ બાબત પરથી આવી શકે છે કે દિલ્હીમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ની નિર્ધારિત મર્યાદાથી અંદાજે 100 ગણું વધારે પ્રદૂષણ છે. રવિવારે દિલ્હીના વજીરપુર વિસ્તારમાં AQI 859 હતો.