ટ્રેન્ડિંગનેશનલસ્પોર્ટસ

ગૌતમ ગંભીર ભારતીય ટીમના કોચ બનવા તૈયાર, KKRની આ ઈવેન્ટથી પત્તાં ખૂલી ગયાં

  • ગૌતમ ગંભીરની સ્પર્ધા ભારતીય મહિલા ટીમના ભૂતપૂર્વ કોચ ડબલ્યુવી રમન સાથે છે, જેમણે BCCIની ક્રિકેટ સલાહકાર સમિતિને પ્રભાવિત કરી છે

HD ન્યૂઝ ડેસ્ક, 7 જુલાઇ: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર ભારતના મુખ્ય કોચનું પદ સંભાળવાની તૈયારીમાં હોવાની અટકળો વહેતી થઈ છે. રાહુલ દ્રવિડ દ્વારા ટીમ સાથે પોતાનો કાર્યકાળ આગળ ન વધારવાના નિર્ણય બાદ ગંભીરનું નામ ટોચના પદની રેસમાં સૌથી આગળ છે. ગૌતમ ગંભીરની સ્પર્ધા ભારતીય મહિલા ટીમના ભૂતપૂર્વ કોચ ડબલ્યુવી રમન સાથે છે, જેમણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ની ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)ને પણ પોતાના પ્રેઝન્ટેશનથી પ્રભાવિત કરી છે, તેમ છતાં ગંભીરને આ પદની ભૂમિકા માટે સૌથી મનપસંદ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હકીકતમાં, ઈડન ગાર્ડન્સ ખાતે ‘ફેરવેલ શૂટ’ આ વાતની પુષ્ટિ કરી છે કે ગંભીર ટીમ ઈન્ડિયાના આગામી મુખ્ય કોચ બનશે.

અહેવાલ મુજબ, ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)ના અધિકારીએ પુષ્ટિ કરી છે કે, ગૌતમ ગંભીર શુક્રવારે ‘ફેરવેલ શૂટ’ માટે સ્ટેડિયમમાં હાજર હતા. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, “તે એક નાનો કાર્યક્રમ હતો, પરંતુ ગંભીર તેના ચાહકોને એક સંદેશ સાથે અલવિદા કરવા માંગતા હતા અને તેથી જ તેમણે ઈડન ગાર્ડન ખાતે એક વીડિયો શૂટ કર્યો હતો.”

ગંભીર ટીમ ઈન્ડિયાના નવા કોચ બન્યા પછી વીડિયો થઈ શકે છે જાહેર 

કથિત રીતે આ વીડિયો ગૌતમ ગંભીરની અંગત ટીમે શૂટ કર્યો હતો, તેની IPL ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સે નહીં. વીડિયોમાં કથિત રીતે KKRમાં ગૌતમ ગંભીરની સફરને દેખાડવામાં આવી છે, જેમાં ટીમના માર્ગદર્શક(Mentor) તરીકે IPL 2024 સીઝનમાં તેના તાજેતરના કાર્યનો સમાવેશ થાય છે. ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચ તરીકે ગંભીરની નિમણૂક થયા બાદ આ વીડિયો જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.

BCCI ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય કોચની જાહેરાત ક્યારે કરશે?

BCCI સચિવ જય શાહે અગાઉ પુષ્ટિ કરી હતી કે, નવા મુખ્ય કોચ ટીમ ઈન્ડિયાના શ્રીલંકા પ્રવાસનો હવાલો સંભાળશે, જેમાં 3 ODI અને 3 T20I રમવામાં આવશે. ભારતીય ટીમ હાલમાં ઝિમ્બાબ્વેના પ્રવાસ પર છે જ્યાં બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમીના વડા વીવીએસ લક્ષ્મણ મુખ્ય કોચ તરીકે તેમની સાથે છે. ભારતીય ટીમના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024ના સમાપન સાથે પૂરો થયો છે.

આ પણ જુઓ: T20 એશિયા કપ માટે ભારતીય મહિલા ટીમ જાહેર, જાણો કોણ બન્યું કેપ્ટન

Back to top button