ડહાપણ દાઢ એટલે ? રસોડામાં રહેલી આ વસ્તુ ડહાપણ દાઢના દુખાવા માટે અકસીર….
અચાનક કોઈ એક બાજુનો ગાલ દુખવા લાગે, અસહ્ય દુખાવો જડબાંથી લઈને માથા સુધી પહોંચે અને જ્યારે તમે ડોક્ટર પાસે જાઓ તો કહેવામાં આવે કે તમને ડહાપણ દાઢ આવી છે. ત્યારે ઘણા લોકોને પ્રશ્ન રહેતો હોય છે કે ડહાપણ દાઢ એ છે શું, ક્યારે આવે છે અને તેનો ઉપચાર શું છે. ડહાપણ દાઢ વિશે સમગ્ર જાણકારી મેળવવા માટે આ લખાણ સંપૂર્ણ વાંચો.
ડહાપણ દાઢ એટલે..
ગુજરાતીમાં જેને ડહાપણની દાઢ કહે છે, હિન્દીમાં અક્લ દાઢ અને અંગ્રેજીમાં વિઝડમ ટૂથ કહે છે તે ૧૭થી ૨૫ વર્ષની વચ્ચે આવે છે. પરંતુ કેટલાક લોકોને તે ૨૫ વર્ષ પછી પણ આવે છે. તે આપણા મોઢામાં સૌથી છેવાડાના અને મજબૂત દાંત હોય છે અને તે સૌથી છેલ્લે આવે છે.
ડહાપણ દાઢ આવે ત્યારે કેમ થાય છે દુખાવો ?
સૌથી પહેલા તો એ જાણો કે ડહાપણની દાઢ આવે ત્યારે દુઃખાવો કેમ થાય છે. હવે, આનું સીધું સાદું કારણ છે ડહાપણની દાઢ સૌથી છેલ્લે આવે છે. હવે કુદરતમાં પણ વહેલા તે પહેલાનો નિયમ લાગુ પડે છે. આથી જે છેલ્લે આવે તેને મોઢામાં પૂરતી જગ્યા નથી મળી શકતી. એટલે એ દાઢ બાકીના દાંતોને ધક્કો મારે છે. તેના કારણે પેઢાં પર દબાણ આવે છે. તેથી દાંતમાં દુઃખાવો, પેઢાંમાં સોજો થાય છે. ક્યારેક માથું પણ દુઃખે છે.
રસોડામાં રહેતી આ વસ્તુ છે ડહાપણ દાઢના દુખાવાનો અકસીર ઈલાજ
કોઈપણ સમયે ડહાપણ દાઢનો દુખાવો થાય તો સૌના ઘરમાં રહેતી એક વસ્તુના ઉપયોગથી દુખાવામાંથી રાહત મેળવી શકાય છે. લગભગ તમામના ઘરના રસોડામાં લવિંગનો ઉપયોગ કરવામાં આવે છે. અને આ જ લવિંગનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. લવિંગ તેના એનેસ્થેટિક અને એનેલજેસિક ગુણને કારણે દુઃખાવાને મટાડવામાં મદદગાર સાબિત થાય છે. આ ઉપરાંત તેના ઍન્ટીસૅપ્ટિક અને ઍન્ટીબૅક્ટેરિયલ ગુણ પણ ચેપ લાગવા દેતા નથી. તમે ઈચ્છો તો તેને મોઢામાં રાખી શકો છો અથવા તેના તેલનો પ્રયોગ પણ કરી શકો છો.
ડહાપણ દાઢના એક્સ-રે નું મહત્વ
ડહાપણ દાઢના મૂળિયાની સ્થિતિ જોવા, તેમજ જડબામાં ડહાપણ દાઢ માટે પુરતી જગ્યા છે કે નહિ તે જોવા ડહાપણ દાઢનો એક્સ-રે હોવો જરૂરી છે. જયારે એક્સ-રે જોતા નિશ્ચિત થઇ જાય કે ડહાપણ દાઢ માટે જડબામાં જગ્યા નથી અને તે ઉપયોગી સ્થિતિમાં ઉગી શકે તેમ નથી અને તેનાથી દુખાવો કે અન્ય તકલીફ થતી હોય તો તે કઢાવી નાખવી હિતાવહ છે. જો ડહાપણ દાઢ થોડીક જ પેઢામાંથી બહાર આવી હોય તો આવી દાઢમાં સડો થવાની શક્યતા વધારે હોય છે, કારણ કે તે વ્યવસ્થિત સાફ થઇ શકે તેમ હોતી નથી.
ડહાપણ દાઢ ક્યારે કઢાવી હિતાવહ
જો ડહાપણ દાઢની સફાઈ કરવામાં તકલીફ થતી હોય અને તેનો કોઈ ઉપયોગ ન હોય તો ડહાપણ દાઢ કઢાવી નાખવી હિતાવહ છે. જો ડહાપણ દાઢ વધારે પડતી ઉગી નીકળી હોય ત્યારે, સામેની દાઢ કઢાવી નાખેલ હોય અથવા ઉગી જ ન હોય, તો ડહાપણ દાઢ કઢાવી નાખવી જોઈએ.