સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ, કેન્દ્ર સરકાર 16 બિલ લાવવાની તૈયારીમાં
- આ સત્ર 20મી ડિસેમ્બર સુધી ચાલશે, આ સમયગાળા દરમિયાન પાંચ નવા બિલ રજૂ કરવામાં આવશે
નવી દિલ્હી, 25 નવેમ્બર: સંસદનું શિયાળુ સત્ર આજથી એટલે કે 25 નવેમ્બરથી શરૂ થઈ રહ્યું છે. આ સત્ર 20મી ડિસેમ્બર સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન પાંચ નવા બિલ રજૂ કરવામાં આવશે. જ્યારે વકફ (સુધારા) સહિત અન્ય 11 બિલો ચર્ચા માટે સૂચિબદ્ધ છે. એટલે કે કુલ 16 બિલ હશે, જેને સરકાર આ સત્રમાં પસાર કરવાની તૈયારી કરી રહી છે. વિપક્ષી પાર્ટીઓના વલણથી સ્પષ્ટ છે કે, શિયાળુ સત્ર તો હંગામેદાર બની શકે છે.
આ પહેલા રવિવારે શિયાળુ સત્રને લઈને સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી હતી. આ દરમિયાન કોંગ્રેસે અદાણી ગ્રુપના લાંચ કેસ પર બંને ગૃહમાં ચર્ચાની માંગ કરી હતી. વિપક્ષ પણ મણિપુર હિંસા કેસમાં સરકાર પાસેથી જવાબ માંગે છે. જો કે, સંસદીય બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ સ્પષ્ટ કર્યું કે, સરકાર તમામ મુદ્દાઓ પર નિયમો પર ચર્ચા કરવા તૈયાર છે. સંસદની બિઝનેસ એડવાઇઝરી કમિટી દ્વારા ચર્ચા કરવાના મુદ્દાઓ નક્કી કરવામાં આવશે.
વિપક્ષ કયા મુદ્દાઓ પર ચર્ચા કરવા માંગે છે?
બેઠક બાદ કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે, વિપક્ષ અદાણી સહિત મણિપુર, ઉત્તર ભારતમાં પ્રદૂષણ અને ટ્રેન અકસ્માતો પર ચર્ચા કરવા માંગે છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ રંજીત રંજને વાયુ પ્રદૂષણ પર ચર્ચા કરવા માટે શૂન્યકાળ માટે નોટિસ આપી છે. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈએ અદાણી ગ્રુપ સામે લાંચના આરોપો પર મુખ્ય ચર્ચાની માંગ કરી છે. સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ સહિત 30 પક્ષોના 42 નેતાઓએ ભાગ લીધો હતો.
ખડગેની ઓફિસમાં આજે બેઠક
આજે સોમવારે શિયાળુ સત્રની શરૂઆત પહેલા INDIA બ્લોકના નેતાઓએ વિરોધ પક્ષોના નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠક સંસદ ભવન સ્થિત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના કાર્યાલયમાં યોજાશે. આ બેઠકમાં વિપક્ષ સત્ર માટે રણનીતિ તૈયાર કરશે.
વકફ બિલને લઈને થઈ શકે છે વિવાદ
મહત્ત્વપૂર્ણ છે કે, વન નેશન-વન ઈલેક્શન અને વકફ એમેન્ડમેન્ટ બિલને લઈને સરકાર અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે પહેલેથી જ સંઘર્ષ ચાલી રહ્યો છે. વકફ બિલને લઈને રચાયેલી JPCની બેઠકમાં પહેલાથી જ ઘણો હોબાળો થઈ ચૂક્યો છે. જગદંબિકા પાલની આગેવાની હેઠળની જેપીસી કમિટી સત્રના પ્રથમ સપ્તાહના છેલ્લા દિવસે તેનો અહેવાલ સુપરત કરશે. જો કે વિપક્ષે જેપીસીને આપવામાં આવેલ સમયને વધુ લંબાવવાની માંગ કરી છે. તે જ સમયે, વન નેશન, વન ઇલેક્શન પરની રામનાથ કોવિંદ સમિતિએ પણ પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો છે અને તે અહેવાલને કેબિનેટની મંજૂરી પણ મળી ગઈ છે, પરંતુ 16 બીલની સૂચિમાં તેનાથી સંબંધિત બિલનો કોઈ ઉલ્લેખ નથી.
જીતથી NDAને મળ્યું બુસ્ટર
હાલ દેશના રાજકીય વાતાવરણનો પડછાયો સત્રમાં પણ જોવા મળશે. હરિયાણા-મહારાષ્ટ્ર અને ઘણા રાજ્યોની પેટાચૂંટણીમાં મળેલી બમ્પર જીતે NDA કેમ્પને બૂસ્ટરઆપ્યું છે. તેની ઝલક સત્રમાં પણ જોવા મળશે. સરકાર વિરોધનો સામનો કરવામાં કોઈ કસર છોડશે નહીં.
કયા બિલો એજન્ડામાં છે?
સંસદના કાર્યસૂચિમાં સામેલ 16 બિલોમાં પાંચ નવા બિલ છે. બાકીના 11 બિલ પહેલેથી જ લોકસભા અથવા રાજ્યસભામાં પેન્ડિંગ છે. આ પેન્ડિંગ બિલોની સાથે નવા બિલોની યાદીમાં સહકારી યુનિવર્સિટીને લગતું બિલ પણ છે. રાષ્ટ્રીય સહકારી વિશ્વવિદ્યાલયની સ્થાપના સંબંધિત બિલ, વક્ફ બિલ અને મુસ્લિમ વક્ફ (રદ) બિલ સહિત કુલ પાંચ નવા બિલ ચર્ચા અને પસાર કરવા માટે રજૂ કરવાના છે.
સત્ર દરમિયાન અનુદાન માટેની પૂરક માગણીઓની પ્રથમ બેચ પર પણ ચર્ચા કરવામાં આવશે. પંજાબ ન્યાયાલય (સુધારા) બિલ, મર્ચન્ટ શિપિંગ બિલ, કોસ્ટલ શિપિંગ બિલ પણ સંસદના આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે. આ બિલો ઉપરાંત, ડિઝાસ્ટર મેનેજમેન્ટ (સુધારા) બિલ, ગોવા વિધાનસભામાં અનુસૂચિત જનજાતિના પ્રતિનિધિત્વને સમાયોજિત કરવા સંબંધિત બિલ, રેલવે (સુધારા) બિલ અને બેંકિંગ કાયદા (સુધારા) બિલ પહેલેથી પેન્ડિંગ છે.