અમદાવાદ, 28 મે 2024, ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતાં. હવે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો થશે તેવી આગાહી કરવામાં આવી છે. આગામી બે દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ભેજયુક્ત પવન ફૂંકાશે. ત્યાર બાદ દરિયાકાંઠાના વિસ્તારોનું વાતાવરણ પણ સાફ થશે. જેથી ગરમ ભેજયુક્ત હવાને કારણે ડિસ્કમ્ફર્ટનો અનુભવ પણ નહીં રહે. અરબ સાગરમાં ડિસ્ટર્બન્સ સર્જાવાને કારણે 45 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓને કારણે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો થશે
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં ખાસ કરીને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. તેને કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો થશે. આ ઉપરાંત આગામી પાંચ દિવસ માટે અરબ સાગરમાં ડિસ્ટર્બન્સને કારણે દરિયામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આથી માછીમારોને પણ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અરબ સાગરમાં સર્જાયેલા ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટને કારણે 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાશે.
ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન ઘટશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાનું મહત્તમ તાપમાન ઘટશે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસા વિશે જણાવતા તેમણે કહ્યું કે, સમગ્ર દેશમાં આ વર્ષે ચોમાસુ સારું છે અને ગુજરાતમાં પણ તેની અસર રહેશે. આ વખતે ગુજરાતમાં સારો વરસાદ થશે અને સામાન્ય કરતાં વધુ રહેશે. હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ભારતમાં 106% વરસાદ વરસી શકે છે તેવી આગાહી કરી છે. જેની અસરને લીધે ગુજરાતમાં પણ ખેતીવાડી માટે આ વર્ષ સારું રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં મહત્તમ તાપમાન બે ડિગ્રી સુધી ઘટી શકે છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગે જણાવ્યુ છે કે, રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે 4 જુન સુધીમાં આંધી વંટોળ સાથે પ્રી- મોનસુન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે. 8 જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડીપ્રેશન બનવાની શક્તા રહેશે. 8 થી 14 જુન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડુ બનવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં 7 થી 14 જુનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહશે. ચાલુ વર્ષે ચોમાસુ સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે. ગુજરાતમાં પણ ચોમાસુ સમય કરતા વહેલું બેસી જવાનું અનુમાન છે.
આ પણ વાંચોઃગુજરાત રાજ્યના આ 10 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી ઉપર નોંધાયો