એજ્યુકેશનગુજરાત

આમ રૂપિયા આપી ને જ સરકારી નોકરી થોડી મળતી હશે ?

Text To Speech
રાજકોટમાં સરકારી નોકરી અપાવી દેવાના બહાને પૈસા પડાવવાનું કૌભાંડ બહાર આવ્યું છે. બે શિક્ષિત યુવતીને સરકારી નોકરી અપાવી દેવાનું કહી સરપદડના શખસે અલગ અલગ ખાતામાં રૂ.1.59 લાખ પડાવ્યા હોવાનું બહાર આવતા એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
બે યુવતીએ નર્સિંગમાં સરકારી નોકરી કરાવી આપવા આરોપીનો સંપર્ક કર્યો હતો
મળતી માહિતી મુજબ, જસદણના સાણથલી ગામના વતની અને હાલ રાજકોટમાં કાશી વિશ્વનાથ પ્લોટમાં રહેતા દીવ્યાબેન પટેલે ફરિયાદમાં સરપદડના પ્રહલાદભાઈ હીરાલાલ ઝાલાનું નામ આપતા તેની સામે પોલીસે IPC કલમ 406, 420 હેઠળ કાર્યવાહી કરી હતી. દિવ્યાબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મારા પરિવાર સાથે રહું છું અને પ્રાઇવેટ લેબોરેટરીમા રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરું છું. મારી સહેલી લક્ષ્મીબેન મકવાણા મારફતે મારે પ્રહલાદભાઈ હીરાલાલ ઝાલાનો સંપર્ક થયો હતો. તેણે વાત કરી હતી કે, હું એક ભાઇને ઓળખું છું તે ગાંધીનગરમા મોટી લાગવગ ધરાવે છે અને ગોલ્ડ મેડાલિસ્ટ છે. જે તમારી નર્સિંગમાં સરકારી નોકરી કરાવી આપે તેમ છે. તેમ વાત કરતા અમારે તેના ઉપર વિશ્વાસ આવ્યો હતો અને કહ્યું કે, મેં ઘણા લોકોને નોકરી કરાવી આપી છે. પરંતુ આ વાત ખાનગી હોઇ હું કોઇના નામ આપીશ નહીં. તેમ વાત કરતા અમારે આ પ્રહલાદ ઝાલા સાથે 10 જાન્યુઆરીના રોજ વાત શરૂ થઈ હતી.
છેલ્લી બે જગ્યા ખાલી છે, તમારે ગોઠવવું હોય તો બોલો નહીંતર બીજાને આપી દઉં
છેલ્લે આ પ્રહલાદ ઝાલાએ મને કહ્યું કે, છેલ્લી બે જગ્યા ખાલી છે, તમારે ગોઠવવું હોય તો બોલો નહીંતર બીજાને આપવાની થાય છે. ઘણા લોકો મારી પાસે આવે છે. પરંતુ તમે પહેલા વાત કરી છે, જેથી પહેલો ચાન્સ તમારો છે. પ્રથમ મારા તથા મારી સહેલી નીધીબેન એમ બન્નેના રૂ.11,000 લેખે રૂ.22,000 17 જાન્યુઆરીએ મારા ગુગલ પે દ્વારા અજય બોખાણી નામના એકાઉન્ટમાં પ્રહલાદભાઇના કહેવા મુજબ ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં અલગ અલગ બહાના હેઠળ કુલ રૂ.1,59,020 ટ્રાન્સફર કરાવી લીધા હતા. જે તમામ ટ્રાન્જેક્શન 1 જાન્યુઆરીથી 8 માર્ચ સુધીમાં કરાવ્યા હતા.
રાહ જોવડાવ્યા બાદ કહ્યું, તમારૂં થયું નથી તમને રૂપિયા આપી દઈશ
ત્યારબાદ અમોને નોકરી નહીં મળતા આ પ્રહલાદભાઇનો કોન્ટેક્ટ કરતા તેઓએ કહ્યું કે, તમારું થયું નથી, 36 દિવસમાં પૈસા પરત આવશે. આમ બહાના ઉપર બહાના કરતા હોય અને હવે જણાવતા હોય કે મારી પાસે રહેલા તમારા પૈસા વપરાય ગયા છે. પૈસાનું સેટિંગ થશે ત્યારે આપીશ તેમ જણાવી અમોને ખોટું વચન અને વિશ્વાસ આપી અમારી પાસેથી રૂ.1,59,020 લઇ લેતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પ્રહલાદે અનેક લોકોને છેતર્યા હોવાની પોલીસને શંકા
પોલીસે હાલ ફરિયાદના આધારે આરોપી પ્રહલાદની ધરપકડ કરી કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરવા તજવીજ હાથ ધરી છે. પોલીસને શંકા છે કે, અત્યારસુધી આરોપીએ અનેક લોકો સાથે છેતરપિંડી કરી હશે. માટે તે દિશામાં વધુ તપાસ અને પૂછપરછ રિમાન્ડ દરમિયાન હાથ ધરવામાં આવશે. સાથે જ જે લોકો સાથે છેતરપિંડી થઈ હોય તેમને પોલીસનો સંપર્ક કરવા પણ અપીલ કરવામાં આવી છે.
Back to top button