ટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024સ્પોર્ટસ

શું વિનેશ ફોગાટ ઓલિમ્પિક 2028 રમશે, મહાવીર ફોગાટે એવું તે શું કહ્યું કે આશા જાગી?

  • ચાહકો એ વાતથી નિરાશ થઈ ગયા કે, તેઓ હવે વિનેશ ફોગાટને આ કુસ્તીની સ્પર્ધામાં ફરી ક્યારેય જોઈ શકશે નહીં

નવી દિલ્હી, 8 ઑગસ્ટ: પેરિસ ઓલિમ્પિક્સમાં કુસ્તીની કેટેગરીમાં 50 કિલો કરતાં 100 ગ્રામ વધુ વજન હોવાને કારણે અયોગ્ય જાહેર થયેલી વિનેશ ફોગાટે આજે વહેલી સવારે એટલે કે 8 ઓગસ્ટને ગુરુવારે નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. જો કે, હવે તેમના કાકા મહાવીર ફોગાટે વિનેશ ફોગાટને તેની નિવૃત્તિ પાછી લેવાની થોડી આશા જગાડી છે. તેમણે કહ્યું છે કે, “વિનેશ ફોગાટ ભારત આવશે પછી તે તેમની સાથે વાત કરશે અને તેમને 2028 ઓલિમ્પિકમાં રમવા માટે મનાવી લેશે.” વિનેશ ફોગાટની જાહેરાત બાદ આખો દેશ આશ્ચર્યચક્તિ થઈ ગયો હતો. ચાહકો એ વાતથી નિરાશ થઈ ગયા હતા કે, તેઓ હવે વિનેશ ફોગાટને આ કુસ્તીની સ્પર્ધા ફરી ક્યારેય જોઈ શકશે નહીં.

વિનેશ ફોગાટે સોશિયલ મીડિયા પર નિવૃતિ જાહેર કરતાં લખ્યું કે, “માઁ કુસ્તી મારાથી જીતી ગઈ અને હું હારી ગઈ… માફ કરજો, તારું સપનું અને મારી હિંમત બધુ તૂટી ગયું, મારી પાસે આનાથી વધુ તાકાત નથી. ગુડબાય રેસલિંગ 2001-2024. હું હંમેશા આપ સૌની ઋણી રહીશ, માફી.”

 

મહાવીર ફોગાટે શું કહ્યું?

ભારતીય કુસ્તીનો મહત્ત્વપૂર્ણ હિસ્સો રહી ચૂકેલા મહાવીર ફોગાટે વિનેશની પરિસ્થિતિ પર ટિપ્પણી કરતા કહ્યું કે, “તેણી આ વખતે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ લાવવાની હતી, પરંતુ તેણીને ગેરલાયક ઠેરવવામાં આવી. આટલા મોટા આઘાત બાદ દુઃખી થવું સ્વાભાવિક છે અને તેથી તેણીએ આ નિર્ણય લીધો. એકવાર તે ઘરે પરત ફરશે, ત્યારે અમે તેની સાથે 2028 ઓલિમ્પિકમાં ભાગ લેવા વિશે વાત કરવાનો પ્રયાસ કરીશું.”

હરિયાણાના CM નાયબ સિંહ સૈનીએ જાહેરાત કરી કે, “હરિયાણા સરકાર દ્વારા વિનેશ ફોગાટને ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતાની જેમ ઈનામ, સન્માન અને સુવિધાઓ આપવામાં આવશે.” જેના પર મહાવીર ફોગાટે કહ્યું કે, “મુખ્યમંત્રીની આ સારી પહેલ છે. તેમણે સિલ્વર મેડલ મળ્યો હોવાની હકીકત સ્વીકારી છે. આ એક સારું પગલું છે અને હું તેમનું સમર્થન કરું છું. હું હરિયાણા સરકારનો આભાર માનું છું, જો અન્ય એથ્લિટ્સ સાથે આવું થશે તો આનાથી તેમને પ્રોત્સાહન મળશે.”

હરિયાણાના CMએ કરી આ જાહેરાત

CM સૈનીએ આજે ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં વિનેશ પ્રત્યેના તેમના સમર્થન પર ભાર મૂક્યો હતો. સૈનીએ લખ્યું હતું કે, “રાજ્ય સરકાર ઓલિમ્પિક સિલ્વર મેડલ વિજેતા જેમ જ સન્માન, પુરસ્કારો અને સુવિધાઓ વિનેશ ફોગાટને આપશે.” વિનેશના પ્રયાસોની પ્રશંસા કરતા તેમણે આગળ કહ્યું કે, “હરિયાણાની અમારી બહાદુર પુત્રી વિનેશ ફોગાટે શાનદાર પ્રદર્શન કર્યું અને ઓલિમ્પિકની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. કેટલાક કારણોસર, તે ઓલિમ્પિકની ફાઇનલ રમી શકી નહીં, પરંતુ તે એક ઉત્તમ ઉદાહરણ છે. આપણા બધા માટે ચેમ્પિયન છે.”

આ પણ જૂઓ: જન્મદિવસે જ મીરાબાઈ ચાનુને મળી નિરાશા, માત્ર એક કિલો વજન ઓછું ઉંચકાયું અને…

Back to top button