ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું નીતિશ કુમારની આ માગણીથી NDA સરકારમાં “ખેલા” થવાની શરૂઆત થશે?

  • જેડીયુની કાર્યકારિણીની બેઠકમાં નીતિશ કુમારે બિહાર માટે વિશેષ રાજ્યની માંગણી કરી છે. તેમણે કહ્યું કે રાજ્યના આર્થિક વિકાસ માટે આ જરૂરી છે
  • સંજય ઝાને બનાવ્યા JDUના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ

દિલ્હી, 29 જૂન: જનતા દળ યુનાઈટેડ (JDU)ની કાર્યકારિણીની બેઠકમાં કેન્દ્ર સમક્ષ મોટી માંગ કરવામાં આવી છે. નીતિશ કુમારની આગેવાનીમાં મળેલી બેઠકમાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે. નીતિશ કુમારની આ માગણીને પગલે કેન્દ્રની એનડીએ સરકારમાં ખેલા થવાની શરૂઆત થઈ શકે છે કેમ કે બિહાર બાદ આંધ્રપ્રદેશ પણ આ માગણી ઉઠાવી શકે છે. જેડીયુની આજની આ બેઠક નવી દિલ્હીના કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાઈ હતી જેમાં સંજય ઝાને JDUના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

જેડીયુની બેઠકમાં બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો મળે એ વાત પર મુકવામાં આવ્યો ભાર: JDU નેતા

જેડીયુની આ બેઠકમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો હતો કે બિહાર લાંબા સમયથી વિશેષ રાજ્યના દરજ્જાની રાહ જોઈ રહ્યું છે. રાજ્યના આર્થિક વિકાસ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે. બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા JDUના એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે, બિહાર માટે વિશેષ શ્રેણીના દરજ્જાની માંગ નવી વાત નથી. બિહારના પડકારોનો સામનો કરવા અને વિકાસના માર્ગ પર આગળ વધવા માટે આ માંગ ઘણા સમયથી કરવામાં આવી રહી છે.

અનામતને લઈને માંગી ખાતરી

કારોબારી બેઠકમાં પસાર કરાયેલા ઠરાવમાં બિહાર રાજ્યની અનામત બચાવવાની પણ વાત કરવામાં આવી છે. તાજેતરમાં રાજ્યમાં અનામત મર્યાદા વધારીને 65 ટકા કરવામાં આવી હતી. જેડીયુના પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે આ ક્વોટાને બંધારણની નવમી અનુસૂચિમાં સામેલ કરવામાં આવે જેથી તેને ન્યાયિક તપાસથી સુરક્ષિત કરી શકાય અને તેને લાગુ કરવામાં કોઈ મુશ્કેલી ન આવે.

બેઠકમાં NEET પેપર લીક વિશે પણ થઈ ચર્ચા

તાજેતરમાં લીક થયેલા NEET પેપર અંગે પાર્ટીએ કહ્યું છે કે તેની યોગ્ય તપાસ થવી જોઈએ. પરીક્ષામાં આવી ગેરરીતિઓને કારણે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે, તેથી પરીક્ષા નિષ્પક્ષતાથી યોજવી જોઈએ. JDU કાર્યકારિણીની આ બેઠકમાં નીતિશ કુમાર ઉપરાંત કેન્દ્રીય મંત્રી લલન સિંહ, કેસી ત્યાગી, વિજય કુમાર ચૌધરી, દેવેશ ચંદ્ર ઠાકુર સહિત પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.

વિશેષ રાજ્ય બનવાથી શું થશે ફાયદો?

બંધારણમાં કોઈ પણ રાજ્યને વિશેષ રાજ્ય બનાવવાની જોગવાઈ નથી. જો કે, 1969 માં ગાડગીલ સમિતિની ભલામણો હેઠળ વિશેષ રાજ્યનો વિચાર અસ્તિત્વમાં આવ્યો. જમ્મુ અને કાશ્મીર, નાગાલેન્ડ અને આસામને 1969માં વિશેષ રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો હતો. આ શ્રેણીમાં આવતા રાજ્યોને કેન્દ્ર સરકાર તરફથી સહાય અને કર મુક્તિમાં પ્રાથમિકતા આપવામાં આવે છે. એક્સાઈઝ ડ્યુટીમાં વિશેષ મુક્તિની જોગવાઈ પણ કરવામાં આવી છે. આ દરજ્જો એવા રાજ્યોને આપવામાં આવે છે જેમની ભૌગોલિક પરિસ્થિતિ મુશ્કેલ હોય, વસ્તીની ગીચતા ઓછી હોય, આંતરરાષ્ટ્રીય સરહદની નજીક હોય, પછાત હોય અથવા ગરીબ હોય. હાલમાં ભારતમાં 11 રાજ્યોને આ દરજ્જો મળ્યો છે. જેમાં આસામ, નાગાલેન્ડ, મણિપુર, તેલંગાણા, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, મિઝોરમ, અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, સિક્કિમ અને મેઘાલયનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: આતંકવાદ સામેના યુદ્ધમાં ભારતનું કદ વધ્યું, FATFએ રેગ્યુલર ફોલો-અપવાળા ટોચના 5 દેશોમાં કર્યું સામેલ

Back to top button