શું આ વખતે T20 World Cupમાં આ 4 રેકોર્ડ્સ તૂટશે?
29 મે, અમદાવાદ: કહેવાય છે કે રેકોર્ડ્સ બને છે જ તૂટવા માટે. એમાં પણ સ્પોર્ટ્સ એક એવી એક્ટિવિટી છે જે સતત ચાલતી રહે છે અને તેમાં સતત વિકાસ થતો રહે છે. આથી દરેક રમત અને દરેક ખેલાડીનું સ્તર સમય જતાં વિકસિત થતું રહેતું હોય છે અને આથી જૂના રેકોર્ડ્સ તૂટતા જતા હોય છે. આ જ તર્જ પણ આ વખતે વેસ્ટ ઇન્ડિઝ અને અમેરિકામાં રમાનાર T20 World Cupમાં આ 4 રેકોર્ડ્સ તૂટશે કે કેમ તેવો સવાલ ક્રિકેટ ચાહકોના મનમાં રમી રહ્યો છે.
T20 World Cupનું પ્રથમ સંસ્કરણ 2008માં થયું હતું ત્યારથી આજ સુધી એટલેકે લગભગ 16 વર્ષ દરમ્યાન આ ટુર્નામેન્ટમાં ઘણા રેકોર્ડ્સ બન્યા પણ છે અને તૂટ્યા પણ છે. પરંતુ તેમાંથી આ 4 રેકોર્ડ્સ તૂટશે કે કેમ તેની ઇન્તેજારી વધુ છે કારણકે આ રેકોર્ડ્સ ખાસ છે.
તો ચાલો જાણીએ એ ચાર ખાસ રેકોર્ડ્સ વિશે.
સહુથી વધુ ફોર મારવાનો રેકોર્ડ
T20 એવી રમત છે જેમાં ફોર અને સિક્સનું મહત્વ વધુ હોય છે અને તેની સંખ્યા પણ ખૂબ હોય છે. આ ટુર્નામેન્ટમાં સહુથી વધુ ફોર મારવાનો રેકોર્ડ હાલમાં શ્રીલંકાના મહાન બેટ્સમેન માહેલા જયવર્દને પાસે છે જેણે 111 ફોર મારી છે. પરંતુ હવે આ રેકોર્ડ આ T20 World Cupમાં જ તૂટી જાય તેવી સંભાવના છે કારણકે ભારતના વિરાટ કોહલીએ અત્યારસુધી રમેલા T20 વર્લ્ડ કપમાં 103 ફોર મારી છે. વિરાટ બાદ રોહિત શર્મા 91 અને ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર 86 ફોર સાથે અનુક્રમે ત્રીજા અને ચોથા સ્થાને છે.
એક જ ટુર્નામેન્ટમાં સહુથી વધુ વ્યક્તિગત રન્સ
આ વખતે વર્લ્ડ કપમાં 16ને બદલે 20 ટીમો રમી રહી છે આથી દરેક બેટ્સમેનને વધુ મેચો રમવાની તક મળશે. આવામાં એક જ ટુર્નામેન્ટમાં સહુથી વધુ વ્યક્તિગત રન્સ બનાવવાનો રેકોર્ડ તૂટી શકે છે. અત્યારે આ રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે જેણે એક જ ટુર્નામેન્ટમાં 319 રન્સ બનાવ્યા હતા. વિરાટે આ સિદ્ધિ 2014ના T20 World Cupમાં મેળવી હતી.
સહુથી વધુ કેચ પકડવાની સિદ્ધિ
હાલમાં આ રેકોર્ડ સાઉથ આફ્રિકાના પૂર્વ બેટ્સમેન એબી ડી’ વિલીયર્સના નામે છે. તેણે કુલ 26 કેચ કર્યા છે અને તેના પછી ન્યૂઝીલેન્ડના માર્ટીન ગપ્તિલે 19 કેચ કર્યા છે. પરંતુ આ બંને તો રીટાયર થઇ ગયા છે અને તેમની પાછળ ડેવિડ વોર્નર 21 કેચો સાથે ત્રીજા અને 16-16 કેચો સાથે રોહિત શર્મા અને ગ્લેન મેક્સવેલ ચોથા સ્થાને ચાલી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયાની નજર ત્રણેય ફોર્મેટની બાદશાહી પર
ઓસ્ટ્રેલિયા ગત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ચેમ્પિયન બન્યું હતું અને ત્યારબાદ ગયા વર્ષે ભારતમાં રમાયેલા 50 ઓવર્સના વર્લ્ડ કપમાં પણ ચેમ્પિયન બન્યું છે. હવે જો તે આ વર્ષનો ICC T20 World Cup પણ જીતી લેશે તો તે પહેલી અને એકમાત્ર એવી ટીમ બનશે જે એક જ સમયે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ચેમ્પિયન બની હોય.