શું કેન્દ્રીય કર્મચારીઓની નિવૃત્તિ વય મર્યાદા બદલશે સરકાર? લોકસભામાં આપ્યો આવો જવાબ


નવી દિલ્હી, તા.4 ડિસેમ્બર, 2024: સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. સરકારે બુધવારે લોકસભામાં જણાવ્યું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓની નિવૃત્તિ વયમાં ફેરફાર કરવાનો કોઈ પ્રસ્તાવ હાલમાં વિચારણા હેઠળ નથી. કેન્દ્ર સરકારના કર્મચારીઓ 60 વર્ષની વય પૂર્ણ કરીને નિવૃત્ત થાય છે.
કર્મચારીઓની નિવૃત્તિ વયમાં સુધારો કરવાની કોઈપણ યોજના અંગેના પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે જણાવ્યું કે, આવો કોઈ પ્રસ્તાવ સરકાર પાસે વિચારણા હેઠળ નથી. સરકાર કામની જરૂરિયાતના આધારે નાગરિક સેવાઓમાં યુવાનોને રોજગાર આપવા માટે નીતિઓ, કાર્યક્રમો અને અન્ય પગલાં ઘડવામાં સતત વ્યસ્ત છે.
સિંહે કહ્યું કે, સમય-સમય પર કેન્દ્ર સરકારના મંત્રાલયો અને વિભાગોને સમયમર્યાદામાં ખાલી જગ્યાઓ ભરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો, વિભાગો, કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમો, સ્વાયત્ત સંસ્થાઓમાં મિશન મોડમાં ખાલી જગ્યાઓ ભરવા માટે રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવે છે. જેનાથી યુવાનોને વહીવટી સેવાઓમાં રોજગારી મળી રહી છે.
#DARPG #LokSabha https://t.co/B98HgigsGc
— Dr Jitendra Singh (@DrJitendraSingh) December 4, 2024
આ પણ વાંચોઃ ખ્યાતિ કાંડના આરોપી ડૉ.સંજય પટોલીયાની ધરપકડ, જાણો કેવી છે કરિયર