શું ગઠબંધનની મોદી સરકાર 5 વર્ષ સુધી ચાલશે? જાણો આ પ્રશ્નનો ગડકરીએ શું જવાબ આપ્યો

- કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું ‘વડાપ્રધાન પદ’ અંગેનું નિવેદન ચર્ચામાં
નવી દિલ્હી, 16 સપ્ટેમ્બર: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું ‘વડાપ્રધાન પદ’નું નિવેદન ચર્ચામાં છે. એક કાર્યક્રમ દરમિયાન ગડકરીને પૂછવામાં આવ્યું કે, ‘તમે કહી રહ્યા છો કે મોદી સરકાર સારી રીતે સ્થાપિત થઈ ગઈ છે, પરંતુ એવી ધારણા પણ રચાઈ રહી છે કે સરકાર 5 વર્ષ પૂરા કરી શકશે નહીં. તમે આ ધારણામાંથી પર શું કહેશો? જેના પર કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ‘ભાજપ છબી વિરુદ્ધ વાસ્તવિકતા અને જમીની હકીકત વિરુદ્ધ ધારણાના આ પ્રશ્નોનો લાંબા સમયથી સામનો કરી રહી છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે લોકોને અમારા પર વિશ્વાસ છે, પછી ભલે તે પાર્ટી હોય કે રાજકારણી હોય. દરેક મેચમાં કોઈ સદી ફટકારતું નથી, પરંતુ અમે લોકોનો નિર્ણાયક સમર્થન મેળવીશું અને દેશને આગળ લઈ જઈશું.
આ કાર્યક્રમમાં નીતિન ગડકરીએ NDA એટલે કે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન, ભારતીય જનતા પાર્ટીની ઘટેલી બેઠકો અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સહિત ઘણા મુદ્દાઓ પર ખુલ્લેઆમ ચર્ચા કરી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, લોકો હજુ પણ ‘તેમના પર વિશ્વાસ’ કરે છે.
વડાપ્રધાન પદને લઈને મોટો દાવો
અહેવાલો અનુસાર, નીતિન ગડકરીએ શનિવારે કહ્યું હતું કે, એકવાર એક નેતાએ વડાપ્રધાનપદની રેસમાં સામેલ થવા પર તેમને સમર્થન આપવાની ઓફર કરી હતી, પરંતુ તેમણે આવી કોઈ ઈચ્છા ન હોવાનું કહીને ઓફર ઠુકરાવી દીધી હતી. અહીં પત્રકારત્વ પુરસ્કાર સમારોહમાં બોલતા ગડકરીએ કહ્યું કે, ‘મને એક ઘટના યાદ છે – હું કોઈનું નામ નહીં લઉં… એક વ્યક્તિએ કહ્યું હતું કે જો તમે વડાપ્રધાન બનવા તૈયાર હશો તો અમે તમને સમર્થન આપીશું.’
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રભારી બનાવવા અંગેની અટકળો
નીતિન ગડકરીએ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રભારી બનાવવા અંગેની અટકળો અંગેના પ્રશ્ન પર કહ્યું કે , “એવું કંઈ નથી. પાર્ટી મને જે કહે છે, હું તે કરું છું. લોકસભા ચૂંટણી દરમિયાન, મેં દેશવ્યાપી રેલીઓ રદ્દ કરી અને 55 લોકસભા મતવિસ્તારોની મુલાકાત લીધી.” મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ હાલમાં જ સંકેત આપ્યા છે કે, રાજ્યમાં નવેમ્બરમાં ચૂંટણી થઈ શકે છે. હાલમાં રાજ્યમાં શિવસેના, ભાજપ અને એનસીપી એટલે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી સત્તામાં છે.