મુંબઈ, 24 ઓગસ્ટ : આઈપીએલ 2025ની હરાજી પહેલા ટીમો ખેલાડીઓને રિલીઝ કરશે. તેથી, ઘણા ખેલાડીઓની ટીમો બદલાવાની છે. હવે મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર મુંબઈની ટીમ બ્રેક થવાની છે. કેકેઆરએ સૂર્યકુમાર યાદવને કેપ્ટનશિપની બિનસત્તાવાર ઓફર આપી છે. જો સૂર્યા મુંબઈ છોડી દે છે તો તે KKR જઈ શકે છે. જો કે આ અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થઈ નથી.
સૂર્યા 2018થી મુંબઈ ઈન્ડિયન્સ સાથે
સૂર્યા 2018થી મુંબઈ ઈન્ડિયન્સ સાથે છે. સૂર્યાને 2018 થી 2021 સુધીમાં 3.20 કરોડ રૂપિયા પગાર મળતો હતો. આ પછી 2022માં પગાર વધારો કરવામાં આવ્યો હતો. હવે તેને 8 કરોડ રૂપિયા મળે છે. પરંતુ હવે જો મુંબઈ તેમને મેગા ઓક્શન પહેલા રિલીઝ કરે છે તો કોલકાતા તેમને ખરીદી શકે છે. એક સમાચાર અનુસાર, કેકેઆરએ સૂર્યાને કેપ્ટનશિપની ઓફર કરી છે. પરંતુ તેણે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. જો સૂર્યા KKRમાં જાય છે તો તે કેપ્ટન બની શકે છે.
પંડ્યા કેપ્ટન બન્યા બાદ બદલાઈ ગયું મુંબઈ
મુંબઈ ઈન્ડિયન્સે ગત સિઝનમાં રોહિત શર્માને સુકાનીપદેથી હટાવી દીધો હતો. ટીમે પંડ્યાને સુકાનીપદ સોંપ્યું હતું. હાર્દિકના કેપ્ટન બન્યા બાદ ટીમમાં એક ફેરફાર થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સૂર્યા સહિત ઘણા ખેલાડીઓ પંડ્યાની કેપ્ટનશિપથી ખુશ ન હતા. ખેલાડીઓને પંડ્યાની કપ્તાનીની શૈલી પસંદ ન આવી હતી. રોહિત પણ તેનાથી નારાજ હતો. જોકે, મુંબઈ કોને રિલીઝ કરે છે અને કોને નહીં તે હજી કહી શકાય નહીં.
સૂર્યાનું જોરદાર પ્રદર્શન
સૂર્યાનું અત્યાર સુધીનું જોરદાર પ્રદર્શન જોવા મળ્યું છે. તે વિસ્ફોટક બેટ્સમેન છે. સૂર્યાએ 2023માં 16 મેચમાં 605 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 1 સદી અને 3 અડધી સદી ફટકારી હતી. સૂર્યા અત્યાર સુધીમાં IPLની 150 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે 3594 રન બનાવ્યા છે. સૂર્યાએ આ લીગમાં 2 સદી અને 24 અડધી સદી ફટકારી છે. મહત્વની વાત એ છે કે તેને કેપ્ટનશિપનો અનુભવ પણ મળ્યો છે. સૂર્યાએ ટી-20માં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી છે.