રિષભ પંત IPL રમશે કે નહીં ? સૌરવ ગાંગુલીએ કર્યો મોટો ખુલાસો !
કાર અકસ્માતમાં ઘાયલ ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. પંત હવે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2023ની આગામી સિઝનમાં રમી શકશે નહીં. આ વાતનો ખુલાસો BCCIના પૂર્વ અધ્યક્ષ અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કર્યો છે.
આ પણ વાંચો : કોહલીની ‘વિરાટ’ સેન્ચ્યુરી : 73મી સદી સાથે જ સચીનનો રેકોર્ડ તોડ્યો
જણાવી દઈએ કે BCCI અધ્યક્ષ પદ પરથી હટી ગયા બાદ ગાંગુલી હવે IPLમાં નવી જવાબદારી માટે તૈયાર છે. IPL ટીમ દિલ્હી કેપિટલ્સ (DC) એ સૌરવ ગાંગુલીને તેના ક્રિકેટ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. આ પદ સંભાળ્યા બાદ ગાંગુલીએ રિષભ પંતને લઈને એક મોટું અપડેટ આપ્યું છે.
રિષભ પંતની ઈજાથી પ્રભાવિત દિલ્હીની ટીમ : સૌરવ ગાંગુલી
ગાંગુલીએ કોલકાતામાં પત્રકારો સાથે વાત કરતા રિષભ પંત અંગે અપડેટ આપી હતી. રિષભ પંત IPLમાં દિલ્હી કેપિટલ્સ ટીમની કેપ્ટનશિપ પણ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં ગાંગુલીએ પંત વિશે કહ્યું, ‘તેને સાજા થવામાં સમય લાગશે. અમે તેના વિશે કંઈ કરી શકતા નથી. આ એક અકસ્માત છે અને તે માત્ર 23 વર્ષનો છે. તેની પાસે હજુ ઘણો સમય છે.’
બીસીસીઆઈના પૂર્વ પ્રમુખ ગાંગુલીએ કહ્યું, ‘રિષભ પંત IPL માટે ઉપલબ્ધ રહેશે નહીં. હું દિલ્હી કેપિટલ્સ ટીમના સંપર્કમાં છું. તે શાનદાર આઈપીએલ ટીમ બનવા જઈ રહી છે. અમે આમાં સારું પ્રદર્શન કરીશું. રિષભ પંતની ઈજાથી દિલ્હીની ટીમ પ્રભાવિત થઈ છે.’
આ રીતે રિષભ પંતનો અકસ્માત થયો હતો
જણાવી દઈએ કે પોતાની કારમાં દિલ્હીથી પોતાના હોમ ટાઉન જઈ રહ્યો હતો. દરમિયાન, 30 ડિસેમ્બરની વહેલી સવારે રિષભ પંતની કારને અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટના રૂરકી નજીક ગુરુકુલ નરસન વિસ્તારમાં થઈ હતી. રિષભ પંત કારમાં એકલો હતો અને પોતે ડ્રાઇવ કરી રહ્યો હતો. પંતે કહ્યું કે તે વિન્ડ સ્ક્રીન તોડીને બહાર આવ્યો. આ પછી કારમાં ભીષણ આગ લાગી હતી.
મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે
આ અકસ્માત બાદ રિષભ પંતને ઉતાવળે રૂડકીની સક્ષમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ પછી તેને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. અહીં પણ પંતના ચહેરા અને અન્ય કેટલીક જગ્યાએ નાની સર્જરી કરવામાં આવી હતી. પરંતુ આ પછી, બીસીસીઆઈએ એક મોટો નિર્ણય લીધો અને પંતને એરલિફ્ટ કરીને ગ્રીન કોરિડોર દ્વારા મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો અને હાલ તેની આ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.