આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

શું શેખ હસીના ભારતમાં રહેશે તો સંબંધો બગડશે? જાણો શું વિચારે છે બાંગ્લાદેશ સરકાર

ઢાકા, 13 ઓગસ્ટ: બાંગ્લાદેશની વચગાળાની સરકારના ટોચના સલાહકારે કહ્યું છે કે વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ શેખ હસીનાના ભારતમાં રહેવાથી દ્વિપક્ષીય સંબંધો પર કોઈ અસર નહીં થાય. ઢાકા હંમેશા નવી દિલ્હી સાથે સારા સંબંધો જાળવવાનો પ્રયાસ કરશે. સમાચાર એજન્સી ‘યુનાઈટેડ ન્યૂઝ ઓફ બાંગ્લાદેશ’ના અનુસાર, વચગાળાની સરકારના વિદેશ મામલાના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને આ ટિપ્પણી ત્યારે કરી જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું હસીનાના ભારતમાં લાંબા સમય સુધી રોકાણથી બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો પર અસર પડશે. હુસૈને કહ્યું, “આ એક કાલ્પનિક પ્રશ્ન છે. જો કોઈ વ્યક્તિ દેશમાં રહે છે તો તે દેશ સાથેના તેના સંબંધોને કેમ અસર થશે? આ માટે કોઈ કારણ નથી.”

ભારત સાથે સારા સંબંધો માટે પ્રયત્ન કરીશું: હુસૈન

76 વર્ષીય હસીનાએ ગયા અઠવાડિયે વડા પ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું અને નોકરીઓમાં વિવાદાસ્પદ અનામત પ્રણાલીને લઈને તેમની સરકાર સામે વ્યાપક વિરોધને પગલે દેશ છોડીને ભારતમાં આવીને આસરો લીધો છે. હુસૈને કહ્યું કે દ્વિપક્ષીય સંબંધો પરસ્પર હિતો પર આધારિત છે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશ અને ભારત બંને પક્ષોના પોતપોતાના હિત છે અને તેઓ તે હિતો પર ધ્યાન કેન્દ્રિત કરશે. હુસૈને કહ્યું કે તેઓ ભારત સાથે “હંમેશા સારા સંબંધો જાળવવાનો પ્રયાસ કરશે”.

ભારતનો માંગ્યો ટેકો

મોહમ્મદ તૌહીદ હુસૈને બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશનર પ્રણય વર્મા સહિત ઢાકામાં તૈનાત રાજદ્વારીઓને બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી અને તેમનો સહયોગ માંગ્યો છે. હોસૈને રાજદ્વારીઓને કહ્યું કે, “અમે માનીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં અમારા તમામ મિત્રો અને ભાગીદારો વચગાળાની સરકાર અને અમારા લોકો સાથે ઉભા રહેશે કારણ કે અમે બાંગ્લાદેશ માટે નવા ભવિષ્યના નિર્માણ માટે આગળ વધીશું.”

પહેલા કહી હતી આ વાત

આ પહેલા વચગાળાની સરકારના વિદેશ મામલાના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસૈને કહ્યું હતું કે આ સમયે કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરવી એ વચગાળાની સરકારની મુખ્ય પ્રાથમિકતા છે, પ્રથમ લક્ષ્ય હાંસલ થયા બાદ અન્ય કાર્યો પણ કરવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે બાંગ્લાદેશએ તમામ દેશો સાથે સારા સંબંધો રાખવાની જરૂર છે. કોઈપણ દેશનું નામ લીધા વિના હુસૈને કહ્યું હતું કે, “અમે દરેક સાથે સારા સંબંધો રાખવા માંગીએ છીએ. આપણે મોટા દેશો સાથેના સંબંધોમાં સંતુલન જાળવવાની જરૂર છે.”

આ પણ વાંચો: બાંગ્લાદેશના તખ્તાપલટમાં અમારી કોઈ સંડોવણી નથી: શેખ હસીનાના આરોપો પર USનું નિવેદન

Back to top button