રાજકોટથી અમદાવાદ બે કલાકમાં પહોંચાશે, ફેન્સિગનું કામ પૂર્ણ થતા ટ્રેન 130 કિ.મીની ઝડપે દોડશે
રાજકોટ, 26 એપ્રિલ 2024, કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિનિ વૈષ્ણવ આજે રાજકોટ આવી પહોંચ્યા હતા. પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી વિકસિત ભારત 2047 સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ કાર્યક્રમમાં અશ્વિનિ વૈષ્ણવે કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. અને મોદી સરકારની કામગીરી તેમજ આગામી સમયની ગેરેન્ટી અંગે વાત લોકો સમક્ષ રજૂ કરી હતી. કેન્દ્રીય મંત્રી અશ્વિનિ વૈષ્ણવે રાજકોટના વેપારીઓના પ્રશ્નો હલ કરવાની તેમજ રાજકોટને રેલ વ્યવહાર સાથે કેટલીક સુવિધા વધારવા અંગે ખાતરી આપી હતી. આગામી સમયમાં રાજકોટથી અમદાવાદ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડશે અને બે કલાકમાં અમદાવાદ પહોંચી શકાશે તેવી ખાતરી આપી હતી.
મોદી સરકાર આવતા ભારતે વિકાસ કર્યો અને જરૂરી બદલાવો કર્યા
રાજકોટમાં કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિનિ વૈષ્ણવે જણાવ્યું હતું કે, 2004માં બાજપાઈ સરકારના સમયમાં ભારત વિશ્વના અર્થતંત્રમાં 11માં સ્થાન પર હતું. 2004થી 2014 સુધીમાં ભારત 11માં સ્થાન પર જ રહ્યું હતું. વર્ષ 2014માં મોદી સરકાર આવતા ભારતે વિકાસ કર્યો અને જરૂરી બદલાવો કર્યા હતા. આજે 10 વર્ષમાં ભારત 11માં સ્થાન પરથી 5માં સ્થાન પર પહોંચી ગયું છે.વંદેભારત ટ્રેન અંગે નિવેદન કરતા જણાવ્યું હતું કે, 2017માં વંદે ભારત ટ્રેન બનાવવા ચર્ચા શરૂ થઈ હતી. શરૂઆતના સમયગાળામાં વિદેશમાં જઈ ટેકનોલોજી આયાત કરવાની વાત હતી. કેટલાક લોકોએ ટિકિટ કરાવી વિદેશમાં જવાનું પણ નક્કી કરી દીધું હતું. પરંતુ નરેન્દ્ર મોદીની સૂચના હતી કે, ભારતમાં ક્ષમતા છે. જે અંતર્ગત ડિઝાઇનથી માંડી મેન્યુફેક્ચરિંગ સહિતની કામગીરી ભારતમાં કરવામાં આવી.
રાજકોટથી અમદાવાદ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડશે
તેમણે જણાવ્યું હતું કે, 2004થી 2014 સુધીના સમયમાં 5 કિમી પ્રતિ દિવસ રેલવે ટ્રેકનું નિર્માણ થતું હતું. આજની તારીખે 14.5 કિમી પ્રતિ દિવસ રેલવે ટ્રેકનું કામ કાજ થઈ રહ્યું છે. રાજકોટ લોકસભા અંતર્ગત આવતા વાંકાનેર, પડધરી, ભક્તિનગર સ્ટેશનના નવીનીકરણ કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટનું રેલવે સ્ટેશન વર્લ્ડ ક્લાસ બનાવવામાં આવશે.રાજકોટ ચેમ્બર સુધી તમારા સૂચનો પહોંચાડો. ડિઝાઇન આપો, જરૂરિયાત જણાવો અને ચેમ્બરના લોકો આગામી દોઢ માસમાં બધું ભેગું કરી મારી પાસ રૂબરૂ આવશે એટલે પ્રેઝન્ટેશન સાથે ચર્ચા કરી રાજકોટની ડિઝાઇન તૈયાર કરીશું.રેલવે ટ્રેકમાં બદલવા અને સુધારા વધારા કામગીરી ચાલુ છે. રેલવે લાઈન ફરતે ફેન્સિંગ કામગીરી પણ ચાલુ છે. આ કામગીરી ખુબ જ નજીકના દિવસોમાં પૂર્ણ થશે, પછી રાજકોટમાં નવી ટ્રેનો દોડશે ઝડપથી દોડશે અને વધુ માત્રામાં દોડશે. ત્યાં સુધી કહી શકું કે, રાજકોટથી અમદાવાદ 130 કિમી પ્રતિ કલાકની ઝડપે ટ્રેન દોડશે એટલે બેથી સવા બે કલાકમાં અમદાવાદ પહોંચી શકાશે.
આ પણ વાંચોઃવર્લ્ડ એનર્જી કોંગ્રેસ: IREDA રિન્યુએબલ એનર્જી ટેક્નોલોજી પર ભાર મૂકશે