પાલનપુર : ડીસામાં પ્રથમવાર ગૌતમ બુદ્ધના જન્મ દિવસ નિમિત્તે પદયાત્રા યોજાઈ


- લોકોને કરૂણા, બંધુતા અને સમાનતાનો સંદેશ આપ્યો
પાલનપુર : કરુણા, બંધુતા અને સમાનતાનો સંદેશ આપનાર ભગવાન બુદ્ધના જન્મ દિવસ નિમિત્તે આજે ડીસામાં પણ પ્રથમવાર ભવ્ય પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય માર્ગો પર ફરી, આ યાત્રાના સંચાલકોએ ભગવાન બુદ્ધના પંથે ચાલવા આહવાન કર્યું હતું.
ક્ષત્રિય પરિવારમાં જન્મેલા અને સિદ્ધાર્થમાંથી ભગવાન ગૌતમ બુદ્ધ બની ભારત દેશ સહિત સમગ્ર વિશ્વમાં માનવતાનો સંદેશો આપ્યો છે. માનવ માનવ એક સમાન તેમજ કરુણા, બંધુતા અને સમાનતાના સિદ્ધાંત પર ચાલવા માટે લોકોને હંમેશા માર્ગદર્શન આપ્યું છે. ત્યારે ભગવાન બુદ્ધની જન્મ જયંતિની ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પણ ભવ્ય ઉજવણી કરાઈ હતી.
ભગવાન બુદ્ધના જન્મ જયંતી નિમિત્તે આજે ડીસામાં પણ પ્રથમવાર પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ મંદિર પાસેથી નીકળેલી આ પદયાત્રા ડીસા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને ભગવાન બુદ્ધના જીવન ચરિત્રને લોકો સમજે, જાણે અને તેમના પથ પર ચાલવા માટે લોકોને આહવાન કર્યું હતું.
આ અંગે પ્રવીણભાઈએ જણાવ્યું હતું કે, ડીસામાં પ્રથમવાર ભગવાન ગૌતમ બુદ્ધના જન્મદિવસ નિમિત્તે પદયાત્રા યોજાઇ છે. જેનો હેતુ ભગવાન બુદ્ધે આપેલા સંદેશને ઘર-ઘર અને દરેક લોકો સુધી પહોંચાડવાનો છે.
આ પણ વાંચો : Gujarat : હાઈકોર્ટે એરફોર્સના ત્રણ જવાનોની આજીવન કેદને સ્થગિત કરી જામીન મંજૂર કર્યા