ટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

શું પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટશે? શું કહે છે રિપોર્ટ ?

  • રિપોર્ટ અનુસાર ઓઈલ કંપનીઓના નફા બાદ મોદી સરકાર પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવાનું વિચારી રહી છે

નવી દિલ્હી, 12 ડિસેમ્બર: પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઈને સામાન્ય લોકોને ટૂંક સમયમાં સારા સમાચાર મળી શકે છે. કારણ કે કેન્દ્ર સરકાર આગામી લોકસભા ચૂંટણી 2024 પહેલા સામાન્ય લોકોને સસ્તા ક્રૂડ ઓઈલનો લાભ પહોંચાડવા માટે ચર્ચા કરી રહી છે. આ માહિતી ઇટી નાઉના અહેવાલમાં આપવામાં આવી છે. દેશમાં એક વર્ષથી વધુ સમયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી ત્યારે હવે નવા વર્ષની શરુઆતમાં જ પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે છે.

ઓઈલ કંપનીઓ નફો કરતી થઈ

ક્રૂડ ઓઈલ મોંઘુ થયા બાદ 2022માં ઓઈલ કંપનીઓને પેટ્રોલ પર 17 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પર 35 રૂપિયા સુધીનું નુકસાન થઈ રહ્યું હતું, પરંતુ ક્રૂડ ઓઈલની કિંમતમાં ઘટાડો થયા બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે અને ઓઈલ કંપનીઓ પેટ્રોલ પર પ્રતિ લીટર 8 થી 10 રૂપિયા અને ડીઝલ પર પ્રતિ લીટર 3 થી 4 રૂપિયા પ્રતિ લીટરે નફો થાય છે.

તેલ કંપનીઓએ છેલ્લા 9 મહિનાથી નફો કરી રહી છે

ઓઈલ કંપનીઓ છેલ્લા 9 મહિનાથી બમ્પર નફો કરી રહી છે. તમે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકો છો કે ત્રણ સરકારી કંપનીઓ IOC, HPCL અને BPCLએ મળીને છેલ્લા ત્રણ મહિનામાં રૂ. 28,000 કરોડથી વધુનો નફો નોંધાવ્યો છે. રિપોર્ટમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે સરકારનું માનવું છે કે ક્રૂડ ઓઈલના વધેલા ભાવ દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ થઈ ગઈ છે અને હવે સસ્તા ક્રૂડ ઓઈલનો લાભ સામાન્ય લોકોને મળવો જોઈએ.

કાચા તેલના ભાવમાં ઘટાડો

કાચા તેલની કિંમત તેના 52 સપ્તાહથી નીચલા સ્તરે ચાલી રહ્યા છે. બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 76 ડૉલર આસપાસ છે અને WTI ક્રૂડ પ્રતિ બેરલ 71 ડૉલર આસપાસ છે. આ અઠવાડિયે ક્રૂડ ઓઈલમાં ઘટાડો થવાનું મુખ્ય કારણ વૈશ્વિક સ્તરે ઓછી માંગ છે. તે જ સમયે, તેલ ઉત્પાદક દેશો દ્વારા કિંમતોમાં વધારો કરવા માટે કરવામાં આવી રહેલા સતત કાપની કાચા તેલની કિંમતો પર કોઈ અસર થઈ રહી નથી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે કાચા તેલની કિંમત ભવિષ્યમાં પણ નીચી રહી શકે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તેલ કંપનીઓને જે નુકસાન થયું હતું તેની ભરપાઈ થઈ ગઈ છે, ત્યારે હવે તેલ કંપનીઓ નફો સેવી રહી છે. જેને લઈને મોદી સરકાર દ્વારા વિચારણા ચાલી રહી છે કે આગામી સમયમાં પેટ્રોલ-ડિઝલ પર વધેલા ભાવમાં આમ જનતા પરનું થોડું ભારણ ઓછું કરવામાં આવે.

આ પણ વાંચો: લોન માફી અંગેની જાહેરાતો સામે RBIએ એલર્ટ જાહેર કર્યું!

Back to top button