કોરોના બાદ વિશ્વમાં એક નવી બિમારીએ માથુ ઉંચક્યું છે. જેનું નામ છે, ‘મંકીપૉક્સ’. એક રિપોર્ટ મુજબ, અત્યારસુધી વિશ્વભરમાં ‘મંકીપૉક્સ’ના 92 કેસ નોંધાયા છે. આ તમામ કેસ યુકે, યુરોપિયન દેશો, ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સહિત 12 દેશોમાં નોંધાયા છે. જો કે, ભારતમાં હજુ સુધી ‘મંકીપૉક્સ’નો એક પણ કેસ નોંધાયો નથી. પરંતુ, કેન્દ્ર સરકારે તેને લઈ ‘નેશનલ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ’ અને ‘ઈંડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ’ને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે.
WHOના અધિકારીનું કહેવા મુજબ, ‘મંકીપૉક્સ’ લોકોમાં સેક્સ મારફતે વધુ જલ્દીથી ફેલાઈ રહ્યો છે અને તેના જ કારણે વિશ્વભરમાં આ બિમારીના કેસ વધી રહ્યા છે. સમલૈગિંક લોકોના કારણે ‘મંકીપૉક્સ’નો ખતરો વધુ ફેલાતો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. WHO મુજબ, સાઉથ આફ્રિકાના દેશોમાં હજારો લોકો ‘મંકીપૉક્સ’ની ઝપેટમાં આવી ચૂક્યા છે. વિશ્વના 12 દેશોમાં ‘મંકીપૉક્સ’ ફેલાયા બાદ હવે ભારતમાં ફેલાવવાની કેટલી આશંકા છે?
‘મંકીપૉક્સ’ શું છે ?
મંકીપોક્સ સૌપ્રથમ 1958માં પ્રયોગ માટે રાખવામાં આવેલા વાંદરાઓમાં જોવા મળ્યો હતો. ‘મંકીપૉક્સ’ના ચેપનો પ્રથમ કેસ 1970 માં નોંધાયો હતો. આ રોગ મુખ્યત્વે મધ્ય અને પશ્ચિમ આફ્રિકાના ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલોમાં જોવા મળે છે અને ક્યારેક ક્યારેક અન્ય પ્રદેશોમાં પણ ફેલાય છે.
શું છે ‘મંકીપૉક્સ’ના લક્ષણો?
WHO મુજબ, મંકીપોક્સમાં સામાન્ય રીતે તાવ, ફોલ્લીઓ અને ગાંઠ સાથે ઉભરાય છે અને તેનાથી અનેક પ્રકારની ચિકિત્સા જટિલતાઓ ઉભી થઈ શકે છે. રોગના લક્ષણો સામાન્ય રીતે બેથી ચાર અઠવાડિયા સુધી દેખાય છે, જે આપમેળે જ દૂર થઈ જાય છે. કેસ ગંભીર પણ હોઈ શકે છે.
કેવી રીતે ફેલાય છે ‘મંકીપૉક્સ’નું સંક્રમણ ?
મંકીપોક્સ સંક્રમિત વ્યક્તિ અથવા પ્રાણી સાથેના નિકટના સંપર્ક દ્વારા અથવા વાયરસથી દૂષિત સામગ્રી દ્વારા મનુષ્યોમાં ફેલાય છે. એવું માનવામાં આવે છે કે તે ઉંદરો, ઉંદરી અને ખિસકોલી જેવા પ્રાણીઓ દ્વારા ફેલાય છે. આ રોગ ઘા, શરીરના પ્રવાહી પદાર્થ, શ્વસનના ટીપાં અને દૂષિત સામગ્રી જેવી કે પથારીના માધ્યમથી ફેલાય છે. આ વાયરસ શીતળા કરતાં ઓછો ચેપી છે અને ઓછી ગંભીર બીમારીનું કારણ બને છે. સ્વાસ્થ્ય અધિકારીઓનુ કહેવું છે કે તેમાથી કેટલાક સંક્રમણ યૌન સંપર્કના માધ્યમથી સંચરિત થઈ શકે છે.