ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મારી રસોઈ મોદીજી જમશે? મમતા બેનરજીએ કરી વિચિત્ર ઑફર, જાણો

  • મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માછલી ખવડાવવાની ઓફર કરી
  • મને ઢોકળા જેવી શાકાહારી વાનગીઓ અને ફિશ-કરી જેવી માંસાહારી વાનગીઓ બંને ગમે છેઃ મમતા
  • મમતા સનાતની હિંદુઓનું અપમાન કરી રહ્યા  છેઃ ભાજપ

નવી દિલ્હી,15 મે: બિહારના રાજકારણમાં માછલીનો વિવાદ હવે બંગાળમાં પ્રવેશ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને માછલી ખવડાવવાની ઓફર કરી છે. મમતાએ પીએમ મોદી પર કટાક્ષ કરીને અને તેજસ્વી-મુકેશ સાહનીના ફિશ એપિસોડને આગળ વધારીને બંગાળનું ચૂંટણી મેનૂ સેટ કર્યું છે. મમતા બેનર્જીએ સોમવારે માછલીના વિવાદને પુનર્જીવિત કર્યો જ્યારે તેમણે કહ્યું, ‘જો તે (મોદી) ઇચ્છે તો હું તેમના માટે ભોજન બનાવવા તૈયાર છું પરંતુ મને ખાતરી નથી કે મોદી તેમના દ્વારા રાંધવામાં આવેલું ભોજન પસંદ કરશે કે નહીં? મમતાની આ ઑફર પીએમ મોદીના તે નિવેદન બાદ આવી છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માછલી ખાવા માટે તેજસ્વી યાદવને આડે હાથ લીધા હતા.

‘મને ફિશ-કરી જેવી વાનગીઓ ગમે છે’
TMC સુપ્રીમો મમતાએ આગળ કહ્યું, ‘મને ઢોકળા જેવી શાકાહારી વાનગીઓ અને ફિશ-કરી જેવી માંસાહારી વાનગીઓ બંને ગમે છે. હિંદુઓના વિવિધ સમુદાયો અને વિવિધ સંપ્રદાયોની પોતાની આગવી રીત-રિવાજો અને ખાનપાનની આદતો છે. વ્યક્તિની ખાવાની આદતો પર નિયંત્રણો લાદનાર ભાજપ કોણ છે? આ દર્શાવે છે કે ભાજપ નેતૃત્વને ભારત અને તેના લોકોની વિવિધતા વિશે બહુ ઓછી જાણકારી અને સમજ છે.

શું કહ્યું પીએમ મોદીએ?
વાસ્તવમાં, ગયા મહિને વડાપ્રધાન મોદીએ આરજેડી નેતા તેજસ્વી યાદવ પર એવા સમયે માછલી ખાવા માટે ઝાટકણી કાઢી હતી જ્યારે હિન્દુઓ માંસાહારી ખોરાક લેવાનું ટાળે છે. એપ્રિલ મહિનામાં પીએમ નરેન્દ્ર મોદીએ તેજસ્વી યાદવ પર માછલી ખાતા વીડિયોને લઈને પ્રહારો કર્યા હતા. જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં એક જનસભાને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે નવરાત્રિના દિવસે કેટલાક લોકો નોન વેજ ખાય છે અને લાગણી ભડકાવવા માટે વીડિયો બનાવે છે. કેટલાક લોકોએ દેશની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે. તેમની વિચારસરણી મુગલો જેવી છે. તેઓ જાણી જોઈને આવું કરે છે. જેનાથી દેશના લોકોની લાગણી દુભાય છે.

મમતાની ઓફરથી બંગાળમાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. જ્યારે ભાજપે તેને ‘રાજકીય એજન્ડા’ ગણાવ્યો છે, ત્યારે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા-માર્કસિસ્ટ (સીપીઆઈ-એમ) એ મમતાની ઓફરને ટીએમસી અને ભાજપ વચ્ચેની ‘કરાર’ તરીકે ગણાવી છે. એવું માનવામાં આવે છે કે મમતા બેનર્જીના આ નિવેદનનો પડઘો બંગાળના રાજકારણના આગામી તબક્કામાં સંભળાશે. મમતાએ આ બહાને ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. હાલમાં મમતાનાં નિવેદનનો ભાજપ પ્રદેશ એકમના પૂર્વ અધ્યક્ષ અને ત્રિપુરાના પૂર્વ રાજ્યપાલ તથાગત રોયે વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું, ‘મમતા બેનર્જી મોદીજીને પોતાના હાથે બનાવેલા માછલી અને ચોખા ખવડાવવા માંગે છે. સરસ દરખાસ્ત છે, પરંતુ તે પહેલાં તેણે તેના વિશ્વાસુ ફિરહાદ હકીમને ડુક્કરનું માંસ ખવડાવવું જોઈએ? આનાથી ત્રણ હેતુ પૂરા થશે, પહેલું ધર્મનિરપેક્ષતાનો પ્રચાર થશે, બીજું લોકોને ખબર પડશે કે કોઈ પણ વસ્તુની શરૂઆત ઘરેથી થાય છે અને ત્રીજું પકોડાની પણ પ્રશંસા થશે.

‘મમતા સનાતની હિંદુઓનું અપમાન કરી રહ્યા છે’
ભાજપના નેતા સંકુદેબ પાંડાએ દાવો કર્યો કે મમતાએ જાણી જોઈને પીએમ મોદીને આમંત્રણ આપ્યું કે કારણકે મોદી સંપૂર્ણ શાકાહારી છે. તેમણે કહ્યું, ‘આ બીજું કંઈ નથી પરંતુ વડાપ્રધાનને ઘેરવાનું તેમનું ષડયંત્ર છે. તે જાણે છે કે વડાપ્રધાન ક્યારેય માછલી કે માંસાહારી ભોજન નહીં લે. જો તે (મમતા) માને છે કે દરેક વ્યક્તિને જે ગમે છે તે ખાવાની છૂટ હોવી જોઈએ, તો પછી તે શા માટે કોઈની આહારની આદતો વિશે મોદીજીની ટિપ્પણીઓને વિકૃત કરી રહ્યા છે? તે કટ્ટર સનાતની હિન્દુઓનું અપમાન કરી રહ્યા છે.

CPI(M)એ મમતાની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપતા CPI(M)ના નેતા વિકાસ ભટ્ટાચાર્યએ કહ્યું હતું કે, ‘ભાઈ અને બહેન હોવાના નાતે મમતા દીદી નિશ્ચિતપણે વડાપ્રધાન માટે ભોજન રાંધવાની ઓફર કરી શકે છે. ભટ્ટાચાર્યએ કહ્યું, ‘દેશને આ સ્થિતિમાં લાવવા માટે મમતા બેનર્જી અને નરેન્દ્ર મોદી બંને જવાબદાર છે. બંને રાજકારણને ધર્મ સાથે ભેળવી રહ્યા છે.

શું છે તેજસ્વી-મુકેશ સાહની માછલી કાંડ?
હકીકતમાં, ચૈત્ર નવરાત્રિ દરમિયાન લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તેઓ હેલિકોપ્ટરમાં માછલી સાથે બ્રેડ અને મીઠું અને ડુંગળી ખાતા હતા. આ દરમિયાન VIP ચીફ મુકેશ સાહની પણ તેમની સાથે હતા. આ વીડિયો પર ભાજપે તેજસ્વી યાદવ પર પ્રહારો કર્યા હતા અને સવાલ ઉઠાવ્યો હતો કે તેજસ્વી યાદવે નવરાત્રિ દરમિયાન માછલી ખાધી હતી અને તેને હિન્દુઓની ભાવનાઓ વિરુદ્ધ ગણાવી હતી. જો કે, વીડિયોની પોસ્ટમાં 8મી તારીખ લખવામાં આવી હતી, જેના સંદર્ભમાં તેજસ્વી યાદવે પાછળથી ભાજપ પર વળતો પ્રહાર કર્યો હતો.

આ પણ વાંચોઃ હિમંતા વિશ્વ શર્માએ 400 પારનો પ્લાન જણાવ્યો! મથુરા અને કાશી પર આપ્યું મોટું નિવેદન

Back to top button