કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

શું હવે રાજ્યના અન્ય શહેરોમાં દારૂની છુટ મળશે? કૃષિમંત્રી રાઘવજીએ કહ્યું સરકાર વિચારણા કરશે

Text To Speech

રાજકોટ, 23 ડિસેમ્બર 2023, ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં વાઈન અને ડાઈન સુવિધા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગિફ્ટ સિટીમાં હવે વાઇન એન્ડ ડાઇનની સુવિધા આપનારી હોટલ્સ, રેસ્ટોરાં અને ક્લબમાં દારૂનું સેવન કરી શકાશે. ત્યારે ગુજરાત સરકારના કૃષિમંત્રી રાઘવજી પટેલે આ મુદ્દે મીડિયા સમક્ષ નિવેદન આપતાં જણાવ્યુ છે કે, રાજ્યના અન્ય શહેરોમાં દારૂની છૂટ મુદ્દે વિચાર કરવામાં આવશે.

અન્ય જગ્યાએ ઉઠેલી માગ અંગે સરકાર વિચારશે
તેમણે વધુમાં કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય વેપાર અંગે જે લોકો આવતા હોય છે તેમની જરૂરીયાતો સચવાય તે પણ જરૂરી છે. એટલે બીજા દેશ અને રાજ્યના લોકો અહીં આવે અને તેની સગવડતા સચવાય તેના માટે સરકારનો નિર્ણય મારી દ્રષ્ટીએ યોગ્ય નિર્ણય છે. સુરત, મોરબી અને રાજકોટમાં પણ આવી માંગ ઉઠી છે તે અંગે તેમણે જણાવ્યુ હતુ કે, અન્ય જગ્યાએ ઉઠેલી માગ અંગે સરકાર વિચારશે.

ગિફ્ટ સિટીમાં દારૂનું વેચાણ નહીં કરી શકાય
રાજ્ય સરકારે આપેલી માહિતી પ્રમાણે, ગિફ્ટ સિટી વિસ્તારમાં આવતી હોટલ્સ, રેસ્ટોરાં કે ક્લબે પોતાને ત્યાં વાઇન એન્ડ ડાઇન સુવિધા પૂરી પાડવા માટે એફ.એલ.3 પરવાના મેળવવાના રહેશે. વાઇન એન્ડ ડાઇન સુવિધા પૂરી પાડનાર એકમ દારૂ પીવડાવી શકશે પરંતુ તેનું વેચાણ નહીં કરી શકે એ સ્પષ્ટતા કરવામાં આવી છે.આ સમગ્ર પ્રક્રિયામાં નશાબંધી અને આબકારી વિભાગ ગિફ્ટ સિટી વિસ્તારમાં આવેલા એફ.એલ.3 પરવાના ધરાવતા એકમોનું નિરીક્ષણ કરશે. જેમાં દારૂની આયાત, સંગ્રહ અને કેટલો દારૂ પીરસાયો તેવી તમામ બાબતોની દેખરેખ રાખશે.

આ પણ વાંચોઃ ગુજરાત સરકારની ગિફ્ટ સિટીને મોટી ‘ગિફ્ટ’, હવે દારૂનું સેવન કરી શકાશે

Back to top button