શું કે.એલ.રાહુલ એશિયા કપમાં રમી શકશે ? Asia Cup 2022 પહેલા આપવો પડશે ફિટનેસ ટેસ્ટ
ઓપનર કેએલ રાહુલને એશિયા કપ 2022 માટે ભારતીય ટીમના વાઇસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે જંઘામૂળની ઇજાને કારણે આઇપીએલ 2022 પછી દક્ષિણ આફ્રિકા શ્રેણી અને ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી બહાર હતો. આ પછી કોરોનાના કારણે તે વેસ્ટ ઈન્ડિઝ સામેની અગાઉની શ્રેણીમાં ભાગ લઈ શક્યો ન હતો. પરંતુ હવે તે 28 ઓગસ્ટે એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં મેદાન પર દેખાવાના છે. જો કે એશિયા કપ 2022 માટે રવાના થતા પહેલા રાહુલે પોતાની ફિટનેસ સાબિત કરવી પડશે.
InsideSports ના અહેવાલ મુજબ એશિયા કપ માટે UAE જતા પહેલા રાહુલ બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં ફિટનેસ ટેસ્ટમાંથી પસાર થશે. જો તે ફિટનેસ ટેસ્ટમાં ક્લીયર થઈ જશે તો તે આગામી ટુર્નામેન્ટમાં કેપ્ટન રોહિત શર્મા સાથે ઈનિંગ્સની શરૂઆત કરશે.
વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જતા પહેલા રાહુલ એનસીએમાં હતો, પરંતુ શ્રેણીની શરૂઆત પહેલા તેને પડતો મૂકવામાં આવ્યો હતો. ફિટનેસના કારણે રાહુલ ઘણી સિરીઝ ચૂકી ગયો છે. સ્પોર્ટ્સ હર્નિયા સર્જરીમાંથી સાજો થઈને રાહુલ ટીમમાં પાછો ફર્યો છે અને હવે એશિયા કપ 2022થી ભારતીય ટીમમાં પાછો ફરી રહ્યો છે. ફિટનેસને લઈને પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્પિનર દાનિશ કનેરિયાએ પણ કહ્યું છે કે T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને રાહુલને સંપૂર્ણ રીતે સાજા થવા માટે થોડો વધુ સમય આપવો જોઈતો હતો.