ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવી શકશે? જાણો તિહારના ભૂતપૂર્વ PROએ શું કહ્યું

  • દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલને કોર્ટે 15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે, હવે કેજરીવાલને તિહાર જેલમાં રાખવામાં આવશે, ત્યારે આવી સ્થિતિમાં તિહાર જેલમાંથી સરકાર ચલાવવા અંગે જેલના પૂર્વ PROએ પ્રતિક્રિયા આપી છે

દિલ્હી, 1 એપ્રિલ: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. કેજરીવાલના ED રિમાન્ડ આજે પૂરા થયા છે. તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, ત્યારે હવે તેમને15 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. સીએમ કેજરીવાલને હવે તિહાર જેલ રહેવું પડશે. આવી સ્થિતિમાં સવાલ એ થઈ રહ્યો છે કે શું અરવિંદ કેજરીવાલ તિહાર જેલમાંથી દિલ્હીની સરકાર ચલાવી શકશે? આ સવાલનો જવાબ આપતા તિહાર જેલના પૂર્વ PRO સુનીલકુમાર ગુપ્તાએ કહ્યું કે ‘આ ખૂબ જ પડકારજનક છે.’

સુનિલ ગુપ્તાએ શું કહ્યું?

જેલમાંથી સરકાર ચલાવવા અંગે, તિહાર જેલના પૂર્વ PRO સુનીલ ગુપ્તાએ કહ્યું, “તે ખૂબ જ પડકારજનક હશે.” મુખ્યમંત્રી સાથે અંગત સ્ટાફ હોવો જોઈએ. અત્યાર સુધી 16 જેલો છે, તેમાંથી એક પણ જેલમાં એવી સુવિધા નથી કે જ્યાંથી મુખ્યમંત્રી પદ ચલાવી શકાય. આ માટે તમામ નિયમો તોડવા પડશે, અને આટલા બધા નિયમો કોઈ તોડવા પણ નહીં દે. સરકાર ચલાવવાનો અર્થ માત્ર ફાઈલો પર સહી કરવાનો નથી. સરકાર ચલાવવા માટે કેબિનેટની બેઠક બોલાવવામાં આવે છે, મંત્રીઓની સલાહ લેવામાં આવે છે અને ઘણા કર્મચારીઓ હોય છે. એલજીની સાથે બેઠક અથવા ટેલિફોન વાત પણ થતી રહે છે. ત્યારે જેલમાં ટેલિફોનની સુવિધા નથી. લોકો પોતાની સમસ્યાઓના નિરાકરણ માટે મુખ્યમંત્રીને મળવા આવે છે. જેલમાં સીએમ ઓફિસ બનાવવી શક્ય નથી. જેલમાં કેદીઓ દરરોજ 5 મિનિટ માટે તેમના પરિવાર સાથે વાત કરી શકે છે અને તે 5 મિનિટ પણ રેકોર્ડ કરવામાં આવે છે.

 

જાણો શું છે નિયમો?

તિહાર જેલમાં હાલ એવો કોઈ નિયમ નથી કે જેના કારણે જેલમાંથી સરકાર ચલાવી ન શકાય, પરંતુ જેલમાંથી સરકાર ચલાવવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે જેલમાંથી સરકાર ચલાવી શકાય છે, પરંતુ મુખ્યમંત્રી કોઈ સભા ન કરી શકે. આ સાથે, કોઈપણ આદેશ પસાર કરવા માટે તેઓએ કોર્ટની મંજૂરી લેવી પડશે. જેલમાં કેદીની તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે અને કોઈપણ કામ કોર્ટના આદેશ પર જ થઈ શકે છે. કેદી વકીલની મદદથી કોઈપણ કાયદાકીય દસ્તાવેજ પર સહી કરી શકે છે, પરંતુ કોઈપણ સરકારી દસ્તાવેજ પર સહી કરવા માટે કોર્ટની મંજૂરી લેવી જરૂરી રહેશે. જો કોર્ટની મંજૂરી વગર કોઈ નિર્ણય લેવામાં આવે છે તો તેને પડકારવામાં આવી શકે છે.

શું છે સમગ્ર મામલો

દિલ્હી સીએમ કેજરીવાલને દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં તેમની સામે રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને 15 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. કેજરીવાલ હવે તિહાર જેલમાં રહેશે. જો કે, એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે હવે CBI કોઈપણ સમયે ભ્રષ્ટાચાર નિવારણ એક્સાઈઝ એફઆઈઆર કેસમાં અરવિંદ કેજરીવાલને કસ્ટડીમાં લેવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. આ કેસમાં ગયા વર્ષે એક વખત સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલની પણ પૂછપરછ કરવામાં આવી હતી. પૂછપરછ પછી, EDએ PMLA કેસમાં કાર્યવાહી શરૂ કરી હતી. જો કે સીબીઆઈ કોર્ટમાં ક્યારે જશે તે કંઈ નક્કી નથી.

આ પણ વાંચો: તિહારમાં કેજરીવાલ કઈ જેલમાં રહેશે? સિસોદિયાથી લઈને સંજય સુધીના તમામ નજીકના લોકો અહીં જ છે બંધ

Back to top button