ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલની સારવાર થશે? SCએ પંજાબ સરકારને વધુ સમય આપ્યો

  • ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલ 26 નવેમ્બરથી આમરણાંત ઉપવાસ પર છે

નવી દિલ્હી, 31 ડિસેમ્બર: સુપ્રીમ કોર્ટમાં આજે મંગળવારે ભૂખ હડતાળ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલની બગડતી તબિયતને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ સુધાંશુ ધુલિયાની વેકેશન બેન્ચે આ કેસની સુનાવણી કરી હતી. આ દરમિયાન, સુપ્રીમ કોર્ટે પંજાબ સરકારને દલ્લેવાલના સ્વાસ્થ્યને લઈને 20 ડિસેમ્બરના આદેશને લાગુ કરવા માટે વધુ સમય આપ્યો છે. આ કેસની આગામી સુનાવણી 2 જાન્યુઆરીએ થશે.

 

SCમાં સુનાવણી હાથ ધરવામાં આવી

સુનાવણી દરમિયાન પંજાબના મુખ્ય સચિવ અને DGP વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જોડાયા હતા. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે, પંજાબ સરકાર વતી કોણ હાજર થયું હતું અને શું કોઈ પરિણામ આવ્યું? બેન્ચે કહ્યું કે, પંજાબની એક અરજી છે, જે સોમવારે મોકલવામાં આવી છે. તેમાં તમે થોડો વધુ સમય માંગી રહ્યા છો? પંજાબ એજીએ કહ્યું કે, કેટલાક હસ્તક્ષેપકો તેમની સાથે વાત કરવા ગયા હતા. સોમવારે બે વાત થઈ. પહેલા પંજાબ બંધની જાહેરાત કરવામાં આવી હતી, જેના પરિણામે સમગ્ર પંજાબમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. બીજું, કેન્દ્ર સરકારને દરખાસ્ત કરવામાં આવી છે કે જો દલ્લેવાલને વાત કરવાની તક મળે તો તેઓ તબીબી સહાય લેવા તૈયાર છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જો તમામ પક્ષો સહમત થાય તો સમય આપવા તૈયાર છે. આ સંદર્ભમાં પંજાબ એજીએ સુનાવણી માટે 2 જાન્યુઆરીની તારીખ સૂચવી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી. છેલ્લી સુનાવણીમાં, સુપ્રીમ કોર્ટે કેટલાક ખેડૂત નેતાઓ પર નારાજગી વ્યક્ત કરી હતી જેઓ દલ્લેવાલને હોસ્પિટલમાં ખસેડવા દેતા ન હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, બીમાર વ્યક્તિને (જગજીત સિંહ દલ્લેવાલ)ને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાથી અટકાવવો એ ફોજદારી ગુનો છે.

‘કોઈને હોસ્પિટલમાં લઈ જવાથી અટકાવવું એ આત્મહત્યા માટે ઉશ્કેરવા સમાન’

જસ્ટિસ સુધાંશુ ધુલિયાએ કહ્યું કે, કોઈ વ્યક્તિને તબીબી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવતા અટકાવવું એ આત્મહત્યા માટે ઉશ્કેરવા સમાન છે. જસ્ટિસ સૂર્યકાન્તે પંજાબ સરકારને કહ્યું કે, તમે સારી રીતે જાણો છો કે જેઓ દલ્લેવાલને હોસ્પિટલમાં દાખલ થવાથી રોકી રહ્યા છે તેમની સાથે કેવી રીતે વ્યવહાર કરવો, જો પંજાબ સરકારને કેન્દ્ર તરફથી કોઈ મદદની જરૂર હોય તો અમે આદેશ આપવા તૈયાર છીએ. આપણે જાણીએ છીએ કે કોર્ટના આદેશનું કોઈપણ ભોગે પાલન કરવું જોઈએ.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અમને આશ્ચર્ય છે કે કેટલાક ખેડૂત નેતાઓ જગજીત સિંહ દલ્લેવાલને હોસ્પિટલમાં લઈ જવાની મંજૂરી નથી આપી રહ્યા, શું તેઓ ખેડૂત નેતા છે કે બીજું કંઈક? આખરે તેઓ શું ઈચ્છે છે, હકીકતમાં પંજાબ સરકારે કોર્ટને કહ્યું કે, ખેડૂતો દલ્લેવાલને હોસ્પિટલ લઈ જવાથી રોકી રહ્યા છે.

આ પણ જૂઓ: બાબા સિદ્દીકીની હત્યાના આરોપીએ કોર્ટમાં પોતાનું નિવેદન બદલ્યું, કહ્યું: પોલીસે ધમકી આપી

Back to top button