ઇન્ટરનેશનલ ડેસ્કઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO) મંગળવારે કહ્યું કે, તે વિશ્વમાં ઝડપથી ફેલાતા મંકીપોક્સને ‘સ્વાસ્થ્ય કટોકટી’ તરીકે જાહેર કરવી કે કેમ તે નક્કી કરવા માટે 23 જૂને એક ઈમરજન્સી બેઠક યોજશે. ડબ્લ્યુએચઓએ કહ્યું છે કે, તે ટૂંક સમયમાં પુષ્ટિ કરશે કે શું મંકીપોક્સ આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી’ છે. ઉલ્લેખનીય છે કે, 2020ની શરૂઆતમાં જ્યારે કોરોના વાયરસ વિશ્વમાં ફેલાઈ રહ્યો હતો ત્યારે 30 જાન્યુઆરી 2020ના રોજ WHO દ્વારા હેલ્થ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના વડા ટેડ્રોસ એડહાનોમ ઘેબ્રેયસસે કહ્યું હતુ કે, ‘મંકીપોક્સ ફાટી નીકળવો અસામાન્ય અને ચિંતાજનક છે. આ કારણોસર મેં આવતા અઠવાડિયે આંતરરાષ્ટ્રીય આરોગ્ય નિયમો હેઠળ કટોકટી સમિતિ બોલાવવાનું નક્કી કર્યું છે કે જેથી આ રોગચાળો આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય છે કે કેમ? તે નક્કી કરી શકાય.’
આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી શું છે?
આંતરરાષ્ટ્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી (PHEIC) એ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા અસાધારણ ઘટનાની ઔપચારિક ઘોષણા છે. WHO કોઈપણ ઘટના અથવા રોગને PHEIC તરીકે જાહેર કરે છે, અન્ય દેશોને ચેતવણી આપવામાં આવે છે. PHEIC ઘોષિત રોગો આંતરરાષ્ટ્રીય ફેલાવા દ્વારા અન્ય દેશોના જાહેર આરોગ્યને જોખમમાં મૂકી શકે છે અને આ પડકારને સંબોધવા માટે સમગ્ર વિશ્વના બધા જ દેશોને સાથ સહકાર જરૂરી હોય છે.
બ્રિટનમાં મંકીપોક્સના 104 વધુ કેસો નોંધાયા હતા
યુકેના આરોગ્ય અધિકારીઓએ દેશમાં મંકીપોક્સના અન્ય 104 કેસ શોધી કાઢ્યા છે અને હવે આફ્રિકાની બહાર પણ કેસ બહાર આવી રહ્યા છે. બ્રિટનની હેલ્થ પ્રોટેક્શન એજન્સીએ સોમવારે જણાવ્યું હતું કે, દેશભરમાં હવે મંકીપોક્સના 470 કેસ છે, જેમાંથી મોટાભાગના ગે અથવા બાયસેક્સ્યુઅલ પુરુષોમાં છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ મંકીપોક્સથી સંક્રમિત વ્યક્તિના શારીરિક સંપર્કમાં આવે તો તેને ચેપ લાગી શકે છે.
યુકેના ડેટા અનુસાર, અત્યાર સુધીમાં ચેપના 99 ટકા કેસ પુરુષોમાં છે અને મોટાભાગના કેસ લંડનમાં છે. ગયા અઠવાડિયે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (ડબ્લ્યુએચઓ) જણાવ્યું હતું કે, 28 દેશોમાંથી મંકીપોક્સના 1,285 કેસ નોંધાયા છે. જ્યાં મંકીપોક્સને સ્થાનિક માનવામાં આવતું નથી. આફ્રિકા બહાર કોઈ મૃત્યુ નોંધાયા નથી. બ્રિટન પછી સ્પેન, જર્મની અને કેનેડામાં સૌથી વધુ કેસ છે.