અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

શું બિપરજોયની જેમ ‘અસના’ વાવાઝોડુ ગુજરાતને અસર કરશે? જાણો ક્યાં ફંટાવાની સંભાવના છે

અમદાવાદ, 30 ઓગસ્ટ 2024, ગુજરાતમાં કચ્છ તેમજ સૌરાષ્ટ્રના મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં આજે પણ ભારે પવન સાથે વરસાદની આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવે કચ્છ પર અસના નામના વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ડીપ ડિપ્રેશન ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થયું છે. ગતરાત્રિથી વાવાઝોડું 10 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યું છે અને રાત્રે 12 વાગ્યે કચ્છના દરિયાકિનારે પ્રવેશ કરી ચૂક્યું હતું. હવે સિસ્ટમ પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. તેમજ સાંજ સુધીમાં ડીપ ડિપ્રેશન વાવાઝોડું બનશે. વાવાઝોડાનાં કારણે કચ્છ, દ્વારકામાં હળવો વરસાદ થશે. તેમજ 40 થી 60 સુધી પવન ફૂંકાઈ શકે છે.

રાત્રે વાવાઝોડુ ઓમાન તરફ ફંટાઈ જશે
સાયક્લોન અંગેની જાણકારી આપતી વેબસાઈટ વિન્ડીમાં આજે સાંજે પાંચ વાગ્યે વાવાઝોડું પાકિસ્તાનથી દૂર ખસી ઓમાન તરફ આગળ વધતું જોવા મળે છે. 7 વાગ્યા બાદ આ વાવાઝોડું અરબ સાગરથી પાકિસ્તાન તરફ લેન્ડ થતું દેખાય છે. વાવાઝોડાનો ઘેરાવો છે એ કચ્છથી નીકળી અરબ સાગરમાં જોવા મળે છે. કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો થોડા ઘણે અંશે પ્રભાવિત થાય તેવું અનુમાન છે. રાત્રે 9 વાગ્યે વાવાઝોડું પાકિસ્તાનના દરિયાકાંઠાના વિસ્તારને અથડાશે આ સમયે ગુજરાત પરથી વાવાઝોડાનો સંપૂર્ણ ખતરો ટળતો દેખાય છે. રાત્રે આ વાવાઝોડું પાકિસ્તાનથી ઓમન તરફ ફંટાતું હોવાનું દેખાય છે.

ભારે પવન સાથે અતિભારે વરસાદની પણ આગાહી
હવામાન વિભાગ દ્વારા કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં અતિભારે વરસાદનું રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદના કારણે શાળા કૉલેજો બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. અરબ સાગરમાં અસના નામના વાવાઝોડાના કારણે ચિંતા વધી છે. મોસમ વિભાગ દ્વારા આશંકા દર્શાવવામાં આવી છે કે અસના વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે લૅન્ડફોલ કરી શકે છે. કચ્છના માંડવી તાલુકામાં વાવાઝોડાની સૌથી વધુ અસર જોવા મળશે. ભારે પવન સાથે અતિભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

વાવાઝોડું દસ કલાકમાં નબળું પડીને વિખેરાઈ જશે
કચ્છમાં સામાન્ય રીતે 499 મિલિમિટર વરસાદ થાય છે પણ આ વર્ષે અત્યાર સુધીમાં 800 મિલિમિટર વરસાદ વરસી ચૂક્યો છે. 1946 બાદ પહેલીવાર ઑગસ્ટ મહિનામાં વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છમાં ત્રાટકી શકે છે. એવામાં કેન્દ્રીય હવામાન વિભાગનું માનવું છે કે અસના વાવાઝોડું વિકરાળ રૂપ ધારણ કરે તો પરિસ્થિતિ અત્યંત ભયજનક થઈ શકે છે. બીજી તરફ ગુજરાતના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી જણાવી રહ્યા છે કે, અસના વાવાઝોડુ નબળું પડી જશે અને ગુજરાત પર ગંભીર અસર થશે નહીં. વાવાઝોડું દસ કલાકમાં નબળું પડીને વિખેરાઈ જશે અને પશ્ચિમ દિશા તરફ આગળ વધી જશે.

આ પણ વાંચોઃરાજ્યના ચાર ઝોનમાં 100 ટકાથી વધુ પણ ઉત્તર ગુજરાતમાં માત્ર 87 ટકા જ વરસાદ થયો

Back to top button