ટોપ ન્યૂઝનેશનલ

શું બ્રિજભૂષણ સિંહ માટે જાટ ફેક્ટરને નજરઅંદાજ કરશે ભાજપ?

  • 4 રાજ્ય, 40 લોકસભા અને 160 વિધાનસભા બેઠકોને રિસ્કમાં નાંખશે ભાજપ?

રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) ના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ સામે કથિત જાતીય સતામણીના આરોપો પર પ્રથમ વખત વિરોધ ફાટી નીકળ્યો ત્યારે તેને હરિયાણાના કુસ્તીબાજો સાથેના મર્યાદિત મુદ્દા તરીકે જોવામાં આવ્યું હતું. મોટાભાગના પ્રદર્શનકારીઓ રાજ્યના જાટ સમુદાયના રેસલર્સ હતા. ત્યારે ભાજપ માટે ચિંતાનો વિષય નહોતો. તેઓ રાજ્યમાં બિન-જાટ મતવિસ્તાર બનાવવા માટે સફળ રહ્યાં છે. હરિયાણામાં આવતા વર્ષે જ વિધાનસભાની ચૂંટણી છે.

જોકે કુસ્તીબાજો દ્વારા બ્રિજભૂષણ પર લગાવવામાં આવેલા ગંભીર આરોપોની વિગતો સામે આવ્યા બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે. રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર પર કાર્યવાહી કરવાનું દબાણ વધી ગયું છે. આ આંદોલનનો પડઘો હવે પશ્ચિમ ઉત્તર પ્રદેશના જાટ પ્રભાવિત વિસ્તારોમાં અને ચૂંટણીગ્રસ્ત રાજ્ય રાજસ્થાનમાં સંભળાઈ રહ્યો છે. કેન્દ્રએ હવે પહેલવાનોને તાત્કાલિક પોલીસ કાર્યવાહીનું વચન આપીને તેમજ બ્રિજભૂષણ અને તેના પરિવારને WFIમાંથી હાંકી કાઢવાનું વચન આપીને આડકતરી રીતે પોતાના માટે સમય લીધો છે.

ઉત્તર પ્રદેશમાં જાટ ફેક્ટરને બીજેપી અવગણી શકે નહીં

ભાજપને ખ્યાલ છે કે તે હરિયાણામાં એક સમયે જાટ પરિબળને અવગણી શકાય છે, પરંતુ યુપીમાં તેને જાટ સમર્થન ન મળવાથી પહેલાથી જ નુકશાન થઈ રહ્યું છે. યાદવ ફેક્ટરને કાઉન્ટર કરવા માટે જાટોનો ઉપયોગ કરીને ભાજપાએ રાજ્યમાં લીડ બનાવી છે.

2022ની વિધાનસભા ચૂંટણીમાં RLD (રાષ્ટ્રીય લોકદળ) એ આઠ બેઠકો જીતી હતી. આરએલડી જાટોનો જન આધાર ધરાવતી પાર્ટી હોવાનું કહેવાય છે. RLD અને તેની સાથી સમાજવાદી પાર્ટી બંનેએ જાટના ગઢ ગણાતા જિલ્લાઓમાં નગર પંચાયત અને નગર પાલિકા પ્રમુખોના પદ માટે તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સારો દેખાવ કર્યો હતો.

તો બીજી તરફ ભાજપ તે વિસ્તારોમાં અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યું નથી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી પોતે જાટ છે. તેમના જિલ્લા મુરાદાબાદમાં પણ ભાજપે ખાસ પ્રદર્શન કર્યું નથી. બીજેપીના અન્ય નેતાઓ જેમ કે સંજીવ બાલ્યાન (મુઝફ્ફરનગર) અને સત્યપાલ સિંહ (બાગપત)ના જિલ્લાઓમાં પણ બીજેપીનું ખરાબ પ્રદર્શન યથાવત રહ્યું હતું. પાર્ટીએ જાટ પ્રભાવિત જિલ્લાઓમાં 56 મ્યુનિસિપલ ચેરપર્સન સીટોમાંથી માત્ર 20 અને 124 નગર પંચાયત ચેરપર્સન સીટોમાંથી 34 સીટ જીતી હતી.

જાટ સમુદાયનો પ્રભાવ

જ્યારે ભાજપ 2024ની લોકસભા ચૂંટણી પહેલા મહત્તમ બેઠકો મેળવવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે રાજ્યમાંથી આવી રહેલા આ સમાચાર ચિંતાજનક છે. જાટ સમુદાયનું કેન્દ્ર યુપીના પશ્ચિમી જિલ્લાઓમાં છે. તેઓ મુખ્યત્વે શેરડીની ખેતી કરે છે અને રાજ્યનો સૌથી ધનિક ખેડૂત સમુદાય છે. એક ડઝન લોકસભા અને લગભગ 40 વિધાનસભા બેઠકો પર જાટનો સીધો અને નોંધપાત્ર પ્રભાવ છે.

એકંદરે રાજકીય રીતે શક્તિશાળી જાટ સમુદાય લગભગ 40 લોકસભા બેઠકો અને 160 વિધાનસભા બેઠકોના પરિણામોને પ્રભાવિત કરવાની ક્ષમતા ધરાવે છે. આ બેઠકો યુપી, હરિયાણા, રાજસ્થાન અને દિલ્હીમાં ફેલાયેલી છે.

2014 પહેલા યાદવ અને કુર્મી જેવા અન્ય ખેત સમુદાયોના ઉદય સાથે જાટોનું વર્ચસ્વ ઘટતું જણાતું હતું. અલગ-અલગ પક્ષો પર નિર્ભર આરએલડીએ જાટોને બહુ ઓછું રાજકીય પ્રતિનિધિત્વ આપ્યું હતું.

પશ્ચિમ યુપીમાં 2013ના મુઝફ્ફરનગર રમખાણો પછી ચિત્ર બદલાઈ ગયું હતું. આ રમખાણોમાં મોટાભાગે જાટ અને મુસ્લિમો સામેલ હતા. RLD નેતાઓ અજીત સિંહ અને જયંત ચૌધરીની પિતા-પુત્રની જોડી 2014ની લોકસભા ચૂંટણીમાં અને ફરીથી 2019માં ભાજપના ઉમેદવારો સામે હારી ગઈ હતી.

2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 15 જાટ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જેમાંથી 14 જીત્યા હતા. આરએલડીના જૂના સ્થાપિત જાટ નેતાઓનો મુકાબલો કરવા માટે ભાજપે સંજીવ બાલ્યાન અને સત્યપાલ સિંહ (નિવૃત્ત IPS અધિકારી) જેવા નવા લોકોને લાવી અને તે સફળ રહી હતી.

જોકે, 2022ની વિધાનસભા ચૂંટણી સુધીમાં જાટોનું સમર્થન અલગ-અલગ પક્ષો વચ્ચે વહેંચાઈ ગયું છે. ભાજપ પાસે હાલમાં 10 જાટ ધારાસભ્યો છે, આરએલડી પાસે ચાર અને સપા પાસે ત્રણ છે.

જાટ સમુદાયનો રાજકીય ઇતિહાસ

ઐતિહાસિક રીતે ઉત્તર ભારતના રાજકારણમાં જાટોનો પ્રભાવ રહ્યો છે. દેવીલાલ અને રણબીર સિંઘ હુડ્ડા (હરિયાણાના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડાના પિતા) 1950 અને 60ના દાયકામાં પંજાબ (અવિભાજિત)માં અગ્રણી જાટ નેતાઓ હતા. રાજસ્થાનમાં નથુરામ મિર્ધા અને યુપીમાં ચૌધરી ચરણ સિંહ (અજિત સિંહના પિતા) હતા.

1966માં હરિયાણાની રચનામાં બંસીલાલ જેવા નેતાઓનો ઉદય થયો, જેમાં નવા રાજ્યમાં જાટોની વસ્તી 25% થી વધુ હતી. યુપીમાં મે 1987માં તેમના મૃત્યુ સુધી ચરણ સિંહ સમુદાયના સૌથી ઊંચા નેતા રહ્યા હતા. જેમાં તમામ જાતિઓ તેમજ મુસ્લિમો તેમના સમર્થકો હતા. તેઓ બે વખત યુપીના મુખ્યમંત્રી બન્યા હતા.એક વખત જનસંઘ સહિતના બહુ-પક્ષીય ગઠબંધનના ભાગરૂપે અને એક વખત ઈન્દિરા ગાંધીની આગેવાની હેઠળના કોંગ્રેસના જૂથ સાથે જોડાણમાં તેમને રાજ્યની ખુરશી સોંપવામાં આવી. તેમણે નાયબ વડા પ્રધાન તરીકે પણ સેવા આપી હતી અને 1979-80માં છ મહિના કરતાં ઓછા સમય માટે વડા પ્રધાન બન્યા હતા.

ખેડૂત સમુદાય, ચરણ સિંહના પ્રભાવ હેઠળ, કોંગ્રેસ અને ભાજપ (અગાઉના જનસંઘ) બંનેથી દૂર થઈ ગયો. જોકે ચરણ સિંહ પછી યુપીમાં જાટો સમુદાયના નેતાને ક્યારેય સીએમ પદ મળ્યો નથી. ચરણ સિંહ પછી 1989માં વી.પી. સિંહના નેતૃત્વવાળી સરકારમાં જાટોને સૌથી મોટી સફળતા મળી. તેમને દેવીલાલની આગેવાની હેઠળના જાટ સમુદાયનું સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત હતું, જેઓ પાછળથી વડા પ્રધાન વી.પી. સિંઘના ડેપ્યુટી બની ગયા. અજીત સિંહ તેમના મંત્રિમંડળ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યાં હતા. ઉપપ્રમુખ જગદીપ ધનખર અને ભાજપના બળવાખોર સત્યપાલ મલિક જેવા વર્તમાન જાટ ચહેરાઓ પણ વીપી સિંહ સાથે હતા.

જોકે, પાછળથી દેવીલાલ અને વી.પી. સિંહ વચ્ચે મતભેદો સર્જાયા અને તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાંથી હાકી કાઢવામાં આવ્યા. વીપી સિંહે મંડલ કમિશનની ભલામણો લાગુ કરીને ઓબીસી માટે અનામતનો માર્ગ મોકળો કર્યો. જાટ કેન્દ્રીય ઓબીસી યાદીમાં ન હતા. જેમ જેમ તે વિરોધમાં ઉતર્યા તેમ તેમ અન્ય ઓબીસીથી તેનું અંતર વધ્યું. સામાજિક રીતે જાટોને યુપી, રાજસ્થાન, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં ઓબીસી તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે પરંતુ કેન્દ્રીય સૂચિમાં નથી. રાજસ્થાનના બે જિલ્લા ભરતપુર અને ધૌલપુર અપવાદ છે, જ્યાં જાટ ઓબીસીની કેન્દ્રીય યાદીમાં છે.

દેવીલાલનો વારસો આજે પણ હરિયાણામાં INLDના રૂપમાં હાજર છે. પાર્ટી હવે પરિવારના બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. જ્યારે INLD પોતે છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું, ત્યારે અન્ય એક પાર્ટી જનનાયક જનતા પાર્ટીએ ભાજપ સાથે ચૂંટણી પછીનું જોડાણ બનાવ્યું હતું અને હરિયાણામાં સત્તામાં છે.

આ દરમિયાન યુપીમાં મંડલ પછીના હિંદુત્વ રાજકારણના આગમનથી રાજકીય નકશો બદલાઈ ગયો અને જાટો હાંસિયામાં ધકેલાઈ ગયા. તે પછી લાંબા સમય સુધી રાજ્યમાં જાટોએ તે સમયના શાસક પક્ષનો સાથ આપ્યો. ચરણ સિંહ દ્વારા બનાવવામાં આવેલ રાજકીય આધારનો ઉપયોગ સૌપ્રથમ સપા સુપ્રીમો મુલાયમ સિંહ યાદવે અને મુઝફ્ફરનગર રમખાણો પછી ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો. જાટ પર આર્ય સમાજના પરંપરાગત પ્રભાવે પણ આ પરિવર્તનમાં મદદ કરી.

Back to top button