શું ભાજપ આગામી લોકસભા ચૂંટણી અમેરિકાથી પણ લડશે?
- યુએસ સ્થિત સંગઠન ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીએ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં પીએમ નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત સત્તામાં લાવવા માટે એક વ્યાપક યોજના બનાવી
- લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ અમેરિકાથી પણ કરવામાં આવી રહી છે, ભાજપ માટે કરાશે 25 લાખ ફોન કોલ
અમેરિકા, 8 ફેબ્રુઆરી: ભારતમાં થોડા મહિનામાં લોકસભા ચૂંટણી 2024 યોજાવા જઈ રહી છે. ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરી દીધી છે. ભાજપે દેશભરમાં સભાઓ શરૂ કરી દીધી છે ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પણ ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહ્યા છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે લોકસભા ચૂંટણી 2024માં ભાજપ અને પીએમ મોદીની જીત સુનિશ્ચિત કરવા માટે અમેરિકામાં પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
અમેરિકામાં 25 લાખથી વધુ ફોન કોલની તૈયારી
યુએસસ્થિત સંગઠન ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીએ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સતત ત્રીજી વખત સત્તામાં લાવવા માટે એક વ્યાપક યોજના બનાવી છે. સંગઠનનો ઉદ્દેશ્ય ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં રેકોર્ડ 400 બેઠકો પર જીત અપાવવાનો છે. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપીના નેતાઓના જણાવ્યા અનુસાર ચૂંટણી દરમિયાન ભાજપને સમર્થન આપવા માટે ભારતમાં 25 લાખથી વધુ ફોન કોલ કરવામાં આવશે.
3000 લોકોને ભારત મોકલવામાં આવશે
ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ બીજેપી 2024માં થનારી લોકસભા ચૂંટણીમાં 3,000થી વધુ ભારતીય અમેરિકનોનું પ્રતિનિધિમંડળ મોકલવાની પણ યોજના બનાવી છે. આ લોકો ભારતમાં અનેક વિસ્તારોમાં જઈને પાર્ટી અને તેમના ઉમેદવારો માટે પ્રચાર કરશે. વિશિષ્ટ ફોન કરવામાં અને વિવિધ રાજ્યો અને ભાષાઓને અનુરૂપ વ્યૂહરચના વિકસાવવામાં મદદ કરવા માટે સમગ્ર યુ.એસ.માં બે ડઝનથી વધુ ટીમો પણ બનાવવામાં આવી છે.
‘ચાય પે ચર્ચા’નું પણ આયોજન
ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઑફ બીજેપીએ માહિતી આપી છે કે તેમની સંસ્થા યુએસએ મોદી સરકારની છેલ્લા પાંચ વર્ષની તેમજ 10 વર્ષની સિદ્ધિઓ રજૂ કરશે. સમગ્ર અમેરિકાના નગરો અને શહેરોમાં ‘ચાય પે ચર્ચા’નું પણ આયોજન કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે અમારી પાસે લગભગ જિલ્લા સ્તરે કોલ સેન્ટર હશે. અમે કોલ કરીશું અને અમે તેમને રાજ્યના આધારે વિભાજિત કરીશું.
આ પણ વાંચો: મોદી સરકારે રજૂ કર્યું શ્વેતપત્ર, UPAના આર્થિક ગેરવહીવટ પર કરશે ચર્ચા