ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

PM મોદીને રશિયામાં આવકારતા આનંદ થશે: પ્રમુખ પુતિન

  • ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર રશિયાની પાંચ દિવસની મુલાકાતે
  • ડો. એસ. જયશંકરે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે કરી બેઠક
  • રશિયાના પ્રમુખ પુતિને PM મોદીને રશિયા આવવાનું આપ્યું આમંત્રણ

નવી દિલ્હી, 28 ડિસેમ્બર : ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર રશિયાના પાંચ દિવસના પ્રવાસે છે. અહીં તેઓએ રશિયાના પ્રમુખ પુતિનને મળીને બેઠક કરી હતી. આ દરમિયાન પ્રમુખ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવતા વર્ષે રશિયાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું અને કહ્યું હતું કે, “PM મોદીને રશિયામાં આવકારતા આનંદ થશે.”ભારત અને રશિયાના સંબંધો ઘણા જૂના અને ઊંડા છે. 2014થી, આ સંબંધો વધુ મજબૂત બન્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની મિત્રતાની વારંવાર ચર્ચા થતી રહે છે. જો કે રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ એવું કહેવામાં આવ્યું હતું કે, ભારત તેના સૌથી જૂના મિત્રની વિરુદ્ધ જઈ શકે છે, પરંતુ ભારતે તેમ કર્યું નથી. તેમણે બંને દેશોને શાંતિ અને યુદ્ધ બંધ કરવાની અપીલ કરી હતી. સંયુક્ત રાષ્ટ્ર જેવા મંચ પર પણ ભારત આ મુદ્દાથી દૂર રહ્યું હતું.

 

 

ડો. એસ. જયશંકર પાંચ દિવસના રશિયાના પ્રવાસે

 

હવે ભારત અને રશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા માટે ભારતીય વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર રશિયાના પાંચ દિવસના પ્રવાસ પર છે. અહીં તેઓ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવતા વર્ષે રશિયાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું. પ્રમુખ પુતિને ડો. એસ. જયશંકરને કહ્યું કે, “અમને અમારા મિત્ર વડા પ્રધાન મોદીને રશિયામાં જોઈને આનંદ થશે.” રશિયાની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે આવેલા ડો. એસ. જયશંકર અગાઉ તેમના વિદેશ પ્રધાન સર્ગેઈ લવરોવને મળ્યા હતા. લવરોવ સાથેની વાતચીત બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતા ડો. એસ. જયશંકરે કહ્યું હતું કે, “તેમને વિશ્વાસ છે કે વડાપ્રધાન મોદી અને પ્રમુખ પુતિન આવતા વર્ષે વાર્ષિક સમિટમાં મળશે.”

બંને નેતાઓ સતત સંપર્કમાં છે : ડો. એસ. જયશંકર

 

અગાઉ તેમની શરૂઆતની ટિપ્પણીમાં ડો. એસ. જયશંકરે કહ્યું હતું કે, “બંને નેતાઓ સતત સંપર્કમાં છે.” ડો. જયશંકરે ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે, “આજે સાંજે પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વતી તેમને અભિનંદન પાઠવ્યા અને વ્યક્તિગત સંદેશ આપ્યો. નાયબ વડાપ્રધાન ડેનિસ માન્તુરોવ અને વિદેશપ્રધાન સર્ગેઈ લવરોવ સાથેની મારી ચર્ચાઓ વિશે પ્રમુખ પુતિનને જાણ કરી. બંને દેશો વચ્ચેના સંબંધોને આગળ લઈ જવા અંગેના તેમના માર્ગદર્શનની પ્રશંસા કરી.” ભારતના વડાપ્રધાન અને રશિયાના પ્રમુખ વચ્ચેની સમિટ એ બંને પક્ષો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીમાં સર્વોચ્ચ સંસ્થાકીય સંવાદ પદ્ધતિ છે.

અત્યાર સુધીમાં 21 વાર્ષિક સમિટ યોજાઈ ચૂકી છે

અત્યાર સુધીમાં ભારત અને રશિયા વચ્ચે એકાંતરે 21 વાર્ષિક સમિટ યોજાઈ ચૂકી છે. છેલ્લી સમિટ ડિસેમ્બર 2021માં નવી દિલ્હીમાં યોજાઈ હતી. પુતિને એમ પણ કહ્યું હતું કે, રશિયા અને ભારત વચ્ચે વેપાર વધી રહ્યો છે, ખાસ કરીને ક્રૂડ ઓઈલ અને ઉચ્ચ ટેકનોલોજી ક્ષેત્રોમાં. અમારો વ્યવસાય સતત બીજા વર્ષે સ્થિર ગતિએ વધી રહ્યો છે. આ વર્ષે વિકાસ દર ગત વર્ષ કરતા પણ વધુ છે.

આ પણ જુઓ :રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વિદેશ મંત્રી એસ જયશંકરે મુલાકાત કરી, PM મોદીનો આપ્યો ખાસ સંદેશ

Back to top button