ગુજરાતચૂંટણી 2022

‘બાપુ’ પણ આ વખતે ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવશે ? જાણો શું આપ્યા સંકેત

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ રાજકારણમાં પણ ગરમાવો આવતો જાય છે. અત્યારસુધી ભાજપ કોંગ્રસ વચ્ચે સીધો જંગ હતો પણ આ વખતે તેમાં આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવ્યું છે ત્યારે ગુજરાતમાં ત્રીપાંખીઓ જંગ ખેલાવાનો છે તે નિશ્ચિત છે. તેવામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા બાપુએ પણ આ વખતે ચૂંટણીમાં ઝંપલાવવાના સંકેત સોશિયલ મીડિયામાં આપ્યા છે.

પ્રજા શક્તિ પાર્ટીના બેનર હેઠળ પાંચ વાયદાઓ જાહેર કર્યા

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યા બાદ અલગ રીતે રાજકારણમાં સક્રિય થવાના એંધાણ રજૂ કર્યા છે. તેવામાં તેમણે ઘણા સમય અગાઉ પ્રજા શક્તિ પાર્ટીનું બેનર રજૂ કરી નવુ સંગઠન જાહેર કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી પરંતુ તે બાબત ઘોંચમાં પડી ગઈ હતી. દરમિયાન તેમણે આજે તે જ પ્રજા શક્તિ પાર્ટીના બેનર હેઠળ પાંચ પ્રકલ્પો જાહેર કરી રાજકારણમાં સક્રિય થવાના તેમજ ચૂંટણીઓ લડવાના એંધાણ આપ્યા છે.

બાપુએ જાહેર કરેલા પ્રકલ્પો શું છે ?

પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ આજે પ્રજા શક્તિ પાર્ટીના બેનર હેઠળ પાંચ પ્રકલ્પો જાહેર કર્યા છે. જેમાં (૧) વર્ષે 12 લાખ સુધીની આવક ધરાવતા પરિવાર ને વાર્ષિક 12 લાખનું આરોગ્ય કવચ (૨) વાર્ષિક 12 લાખ સુધીની આવક ધરાવતા પરિવારના બાળકોને પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી વિના મુલ્યે શિક્ષણ (૩) ગુજરાતના બેરોજગાર યુવાનોને રોજગાર તેમજ બેરોજગારી ભથ્થુ (૪) વોટર ટેક્સ નાબૂદ તેમજ 100 યુનિટ સુધી ફ્રી વીજળી, ખેડૂતોને દેવા અને વીજ બિલમાં રાહત (૫) ભ્રષ્ટ દારૂબંધી હટાવીને તજજ્ઞોના અભિપ્રાય સાથે નવી સાઇન્ટીફિક લિકર પોલિસીનો સમાવેશ થાય છે.

અગાઉ કોંગ્રેસ સાથે જોડવાનો પણ સંકેત આપ્યો હતો

બાપુ શંકરસિંહ વાઘેલા રાજકારણમાં સક્રિય થવાનો પ્રયાસ કરી રહ્યા છે. આજે તેમણે પોતાની પ્રજા શક્તિ પાર્ટીનું બેનર જાહેર કર્યું છે. અગાઉ તેમણે ગુજરાતમાં જ્યારે દારૂનો મુદ્દો છવાયો હતો ત્યારે પણ જો કોંગ્રેસ દારૂબંધી નાબૂદ કરવામાં સમર્થન આપે તો તેઓ પક્ષ સાથે ફરી સક્રિય થવા તૈયાર છે તેવું નિવેદન આપ્યું હતું.

 

Back to top button