

યુરોપનો મોટોભાગ ભયંકર હીટવેવની પકડમાં છે. ફ્રાન્સ, બ્રિટન, પોર્ટુગલ, સ્પેન સહિત ઘણા યુરોપિયન દેશો સતત વધી રહેલા તાપમાનથી પરેશાન છે. હીટવેવના કારણે આગ લાગવાના બનાવો ઝડપથી વધી રહ્યા છે.
પોર્ટુગલ ગરમીને લીધે સૌથી ખરાબ સ્થિતિમાં છે. અહીંના આરોગ્ય વિભાગે જણાવ્યું કે ગરમીના કારણે છેલ્લા સાત દિવસમાં 659 લોકોના મોત થયા છે. તેમાંના મોટા ભાગના વૃદ્ધ હતા. જેમાંથી 440ના મોત તો મંગળવારના રોજ થયા હતા. જ્યારે તાપમાન 40 (કેટલાક વિસ્તારોમાં 47) ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું.
સોમવારે પશ્ચિમ ફ્રાન્સમાં ગરમીના લહેર ટોચ પર રહેવાની ધારણા છે. જ્યાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ (104 ફેરનહીટ)થી ઉપર જશે. ઇન્સ્ટિટ્યૂટ ઑફ હેલ્થના ડેટા અનુસાર લગભગ એક અઠવાડિયા સુધી ચાલેલી હીટવેવને કારણે 360 લોકોના મોત થયા છે.
શનિવારે દક્ષિણ-પશ્ચિમ ફ્રાન્સ અને સ્પેનના જંગલમાં આગ ફાટી નીકળી હતી. જેના કારણે હજારો લોકોને સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. પ્રાદેશિક અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે શનિવાર બપોર સુધીમાં ફ્રાન્સના ગિરોન્ડે ક્ષેત્રમાંથી લગભગ 14,000 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
યુકેમાં ઈમરજન્સી જેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. લોકોને ગરમીથી બચવા માટે પણ ચેતવણી આપવામાં આવી છે. 25 જુલાઈ 2019ના રોજ કેમ્બ્રિજમાં બ્રિટનમાં સૌથી વધુ તાપમાન 38.7 °C નોંધાયું હતું. જો કે આ રેકોર્ડ તૂટી ગયો છે. તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે.
યુરોપનો મોટો હિસ્સો હાલમાં ગરમીથી ત્રસ્ત છે. ઉનાળાની રજાઓમાં દુનિયાભરમાંથી પ્રવાસીઓ અહીં આવે છે. પરંતુ આ વખતે યુરોપના દેશો ગરમીથી પરેશાન છે. ઘણા દેશોએ ગરમીને રાષ્ટ્રીય સંકટ જાહેર કર્યું છે.
સ્પેનમાં જંગલમાં લાગેલી આગ પર હેલિકોપ્ટર પાણીનો છંટકાવ કરી રહ્યા છે. પરંતુ પર્વતીય વિસ્તારોને કારણે અવરોધ આવી રહ્યો છે. રાષ્ટ્રીય હવામાન એજન્સી AEMETએ તાપમાન 42 ડિગ્રીથી ઉપર રહેવાની આગાહી કરી હતી. લગભગ એક અઠવાડિયાથી સ્પેનમાં તાપમાન 45.7 ડિગ્રી સેલ્સિયસ છે.