ગામના લોકોને ટોઈલેટ બનાવી આપવા જમીન વેચી હતી, પત્નીનું મંગલસૂત્ર ગીરવે રાખ્યું હતું


નવી દિલ્હી, તા. 28 ફેબ્રુઆરી, 2025: સ્વચ્છતા પ્રત્યે સમર્પિત રાષ્ટ્રસંત ગાડગેબાબાનું નામ તમામ જાણે છે. તેમના નામ પરથી ગ્રામ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. પરંતુ તેમ છતાં અનેક ગામમાં મહિલાઓએ ખુલ્લામાં શૌચ જવું પડે છે.આ સમસ્યાને જોતાં જલના જિલ્લાના એક આધુનિક સ્વચ્છતા દૂતે પોતાના ખર્ચે ગામમાં 205 શૌચાલય બનાવ્યા છે. તેમણે તેમની જમીન વેચી,પત્નીનું મંગળસૂત્ર ગિરવે રાખ્યું અને 205 શૌચાલયનું નિર્માણ કરાવ્યું છે.
બાલાસાહેબ શેલકે જણાવ્યું કે, ગામમાં શૌચાલયની સુવિધા ન હોવાના કારણે ગર્ભવતી મહિલાઓ, નાના બાળકો અને વડીલોને પરેશાની થતી હતી. ચોમાસામાં કીચડ ખૂંદીને બહાર શૌચ માટે જવું પડતું હતું. આ સમસ્યાને જોતાં 2009-10માં તેમની પત્નીની મદદથી ગામડામાં પોતાના ખર્ચે શૌચાલય બનાવવાનું કામ શરૂ કર્યું.
હવે આખા ગામના દરેક ઘરમાં શૌચાલય છે. બાળકો, વૃદ્ધો અને ગર્ભવતી સ્ત્રીઓ ખુલ્લામાં શૌચ કરવાને બદલે શૌચાલયનો ઉપયોગ કરે છે. આના કારણે ગામમાં રોગો ઓછા ફેલાય છે અને સ્વાસ્થ્ય સારું રહે છે. આ સાથે, ગામમાં વનરાઈ પ્રોજેક્ટ પણ શરૂ કર્યો છે, જેમાં અમે 8500 વૃક્ષોની સંભાળ રાખી રહ્યા છીએ. આ કાર્યમાં પત્ની સવિતા શેલકે અને અમારા બાળકો પણ તેમને સાથ આપી રહ્યા છે.
શેલકે દંપતીના આ કાર્યને ધ્યાનમાં રાખીને, તેમને વિવિધ જિલ્લા અને રાજ્ય સ્તરના પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. ગ્રામીણ વિસ્તારમાં સ્વચ્છતા પ્રત્યે આટલી જાગૃતિ જોવા મળે તે આશ્ચર્યજનક છે, પરંતુ શેલકે દંપતી તેમના સંકલ્પ પર અડગ છે અને ભવિષ્યમાં પણ સ્વચ્છતાનું આ કાર્ય ચાલુ રાખવાનું વચન આપે છે. આ દંપતી, જેમણે પોતાના ખર્ચે ગામ માટે શૌચાલય બનાવ્યા, તે ખરેખર પ્રશંસાને પાત્ર છે અને રાજ્યના નવા સ્વચ્છતા રાજદૂત તરીકે ઓળખાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ પાકિસ્તાનમાં આતંકી સરદાર આતંકી હુમલામાં જ માર્યો ગયો, આત્મઘાતી હુમલામાં બીજા અનેકે જીવ ગુમાવ્યા