ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પતિ સામે પત્નીએ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું, ઇટાવા લોકસભા બેઠક પર દિલચસ્પ મુકાબલો

Text To Speech

ઇટાવા (ઉત્તર પ્રદેશ), 24 એપ્રિલ: ઉત્તર પ્રદેશની ઇટાવા લોકસભા સીટ પર મુકાબલો રસપ્રદ બની ગયો છે. વર્તમાન સાંસદ રામશંકર કથેરિયા પર વિશ્વાસ વ્યક્ત કરતા ભાજપે ફરી એકવાર તેમને મેદાનમાં ઉતાર્યા છે. પરંતુ હવે તેમની સામે તેમની પત્ની મૃદુલા કથીરિયા ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. તેમણે બુધવારે ઇટાવા લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી હતી. નોંધનીય છે કે 2019માં પણ મૃદુલા કથેરિયાએ તેમના પતિ વિરુદ્ધ નોમિનેશન ફાઈલ કર્યું હતું, પરંતુ પાછળથી તેમણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું.

મૃદુલા કથેરિયા અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા

આ વખતે મૃદુલા કથેરિયા અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે. નોમિનેશન બાદ મૃદુલા કથેરિયાએ કહ્યું કે દેશમાં જનતંત્ર છે, પ્રજાતંત્ર છે, લોકતંત્ર છે. અહીં દરેક વ્યક્તિ સ્વતંત્ર છે. અહીં કોઈપણ વ્યક્તિ ચૂંટણી લડી શકે છે. હું મારા પતિ સામે ઊભી છું અને તે મારી સામે ચૂંટણી લડી રહ્યા છે. આ એક ચૂંટણી છે, અહીં દરેક વ્યક્તિ ચૂંટણી લડવા માટે સ્વતંત્ર છે. જ્યારે મૃદુલા કથેરિયાને પૂછવામાં આવ્યું કે શું તે આ વખતે પોતાનું નામાંકન પાછું ખેંચશે નહીં, ત્યારે તેમણે જવાબ આપ્યો કે, ચૂંટણી લડવાની છે તો શા માટે હું મારું નામાંકન પાછું ખેચીશ.

મૃદુલા કથેરિયાના પતિ ત્રણ વાર ચૂંટણી લડ્યા

ઉલ્લેખનીય છે કે, ડૉ.રામ શંકર કઠેરિયાએ શનિવારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી છે. કઠેરિયા ઇટાવા લોકસભા બેઠક પરથી ત્રીજી વાર મેદાનમાં ઉતર્યા છે. આ ઉપરાંત, તેઓ મોદી સરકારના કાર્યકાળમાં કેન્દ્રીય મંત્રી તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. આમ, એક સીટ માટે પતિ અને પત્ની મેદાનમાં ઉતરતા રસપ્રદ મુકાબલો જામશે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના બારામતિમાં નણંદ- ભાભી વચ્ચે જંગ- અજિત પવારની પત્ની અને બહેન વચ્ચે મુકાબલો

Back to top button