વડોદરા: શેરખા પોસ્ટ ઓફિસના કર્મચારીઓનું નઘરોળપણું; વિધવા મહિલા પેન્શનરો ધરણા કરવા મજબૂર
- શેરખીની પોસ્ટ ઓફિસ અનિયમિત ખુલતા વિધવા સહાય અટવાઈ.
- મહિલાઓે ઓફિસ બહાર ધરણા પર બઠી, પેન્શન આપો… પેન્શન આપોના સૂત્રોચાર કર્યા.
વડોદરા: સરકાર લોકોને કંઈ તકલીફના ન પડે તે માટે અનેક પ્રજા લક્ષી નિર્ણયો લેતી હોય છે, અને અનેક નિયમો પ્રજાના હિતમાં બનાવતી હોય છે. એવામાં સરકારનો નિયમ છે કે, જો કોઈ મહિલા પેન્શન લેવા પોસ્ટ ઓફિસ ખાતે ન આવે તો તેને ઘર બેઠા પહોંચાડવું જોઈએ. આ તમામ નિયમોથી વિપરીત શેરખી ખાતેની પોસ્ટ ઓફિસ બંધ રહેતા અહીંથી પેન્શન મેળવતી અનેક વિધવા મહિલાઓની મુશ્કેલી વધી ગઈ હતી. આ તમામ વિધવા મહિલાઓ એવી હોય છે, કે તેમના જીવનનિવાહમાં પેન્શનની મોટી ભૂમિકા રહેલી હોય છે. તેવામાં પોસ્ટ ઓફિસના કર્મચારીઓની નફ્ફટાઇના કારણે વિધવા મહિલાઓની મુશ્કેલી એટલી હદ્દે વધી ગઇ કે તેઓ ધરણા આપવા માટે મજબૂર બની ગઇ હતી.
આ પણ વાંચો: ગુજરાત-ગેસે વપરાશ વિના બિલ મોકલતા ગ્રાહકે ગેસ કનેક્શન બંધ કરવાની કરી માંગ
ઉલ્લેખનિય છે કે, ઘણી વિધવા ખુબ જ મોટી ઉંમરના એટલે કે વૃદ્ધ છે અને તેઓ ખુબ દૂરથી પેન્શન લેવા માટે આવતી હોય છે પરંતુ પોસ્ટ ઓફિસ અનિયમિત ખુલતા તેઓને પેન્શન લેવામાં ખુબ જ મુશ્કેલી પડતી હોય છે. ચાલું મહિને પણ એ જ પરિસ્થિતિ રહેતા આખરે કંટાળેલી વિધવા મહિલાઓએ શેરખી પોસ્ટ ઓફિસની બહાર ધરણા કરવા મજબુર બની હતી. ધરણાની સાથે સાથે “પેન્શન આપો… પેન્શન આપો”ના સૂત્રોચાર કર્યા હતા. શેરખી ખાતે આવેલી પોસ્ટ ઓફિસની કામગીરીમાં જે નિષ્કાળજી દાખવે છે તે મીડિયા સમક્ષ છતી કરી હતી.
ધરણા કરતી વિધવા મહિલાઓ દ્વારા સરકાર પાસે માંગ કરવામાં આવી છે કે તેમની આ સમસ્યા પર ધ્યાન દોરે અને શેરખી ખાતે આવેલી પોસ્ટ ઓફિસની ખરાબ કામગીરીને બાબતે નોટિસ ફટકારવામાં આવે. ઉલ્લેખનિય છે કે, વિધવા વૃદ્ધા મહિલાઓ માટે ચાલવું અશક્ય બાબત હોય છે, તેમની આર્થિક સ્થિતિ એટલી સારી હોતી નથી કે કોઈ સ્પેશ્યલ વાહન કરીને પેન્શન લેવા માટે આવે, તેવામાં શેરખા પોસ્ટ ઓફિસની અનિયમિતતાને કારણે તેમના જીવનમાં અનેક મુશ્કેલીઓ સર્જાઇ રહી છે. આ બાબતને સરકારે ધ્યાને લઇને વૃદ્ધા મહિલાઓની સમસ્યાને દૂર કરવી રહી.
આ પણ વાંચો: હાર્ટ એટેકે લીધો વધુ એક ભોગ, કોલેજ કેમ્પસમાં અચાનક ઢળી પડ્યો 28 વર્ષનો વિદ્યાર્થી