ગુજરાતમાં રિ-સર્વેની કામગીરીમાં વ્યાપાક ભ્રષ્ટાચાર: અધિકારીઓની રહેમથી સરકારની જ જમીન થઈ ગઈ ઓછી
ગાંધીનગર: જ્યારથી ગુજરાતમાં ઓનલાઈન રિ-સર્વેની કામગીરી શરૂ થઇ છે, ત્યારથી અત્યાર સુધીમાં ખેડૂતો હેરાન-પરેશાન થઈ ગયા છે. રિ-સર્વેની નવી સિસ્ટમે તો ભ્રષ્ટાચારને પાંગળવા માટે મોટી ભૂમિકા ભજવી છે. રિ-સર્વેની ખરાબ કામગીરીના કારણે ખેડૂતોને મોટા પાયે નુકશાન ભોગવવું પડી રહ્યું છે અને વારંવાર સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યાં છે. ખેડૂતો પૈસા-સમયની બર્બાદી કરતાં હોવા છતાં રિ-સર્વેની ખરાબ કામગીરીના કારણે પ્રતિદિવસ તેમની મુશ્કેલીઓ વધી રહી છે. તો બીજી તરફ રિ-સર્વેની ખરાબ કામગીરી ખેડૂતોમાં પણ અંદરોદર ઝગડાનું મૂળ બની ગઇ છે.
ગુજરાતમાં રિ-સર્વેની કામગીરીમાં વ્યાપાક ભ્રષ્ટાચાર આચવામાં આવી રહ્યો છે. એટલુ જ નહીં, અધિકારી, પોલીસ અને રાજનેતાઓ સાથે જોડાયેલા મળતિયાઓ સુવ્યવસ્થિત રીતે કૌભાંડ આચરીને સરકારી જમીનો હડપી રહ્યાં છે. આ કારણોસર રાજ્યમાં ગૌચજ જ નહીં, સરકારી પડતર જમીનો પણ ઓછી થઈ ગઈ છે. આજે અમદાવાદ, રાજકોટ સહિત આખાય ગુજરાતમાં કુલ મળીને પાંચ કરોડ ચો.મી ગૌચરની જમીનો પર દબાણ છે. મહેસુલ વિભાગ તો ભ્રષ્ટાચારમાં અવ્વલ નંબરે છે. આ આક્ષેપ કરીને કોંગ્રેસે જમીન માપણી મુદ્દે રાજ્ય સરકાર રિપોર્ટ જાહેર કરે તેવી માંગ કરી હતી.
ગુજરાતમાં રિ-સર્વેની કામગીરી વર્ષ 2010-11થી શરૂ કરાઈ છે. જમીન માપણીમાં અનેક ભૂલો-ગેરરીતિ હોવા છતાંયા રાજકીય નેતાઓના હિત સચવાયેલા હોવાથી એજન્સીઓ સામે પગલા લેવાની જગ્યાએ મોટી રકમ ચૂકવી બખ્ખા કરાવી દેવાયાં છે.
વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ પત્રકાર પરિષદમાં સરકાર સામે આક્ષેપ કર્યા કે, ખોટી માપણીને કારણે ખેડૂતોને નુકશાન થયું છે તેમ છતાંય સરકારના પેટનું પાણી હાલતુ નથી. જમીન માપણી કચેરીમાં વ્યાપક ગેરરીતી થઇ છે અને ભાજપના મળતિયા-માથાભારે તત્વોએ સરકારી જમીનો પર કબજો કરી લીધો છે. રિ-સર્વેના નામે ખાનગી વ્યક્તિઓ જમીનો પર કબજો મેળવી રહ્યાં છે.
રાજ્યમાં ગૌચર-સરકારી પડતરની જમીનો ઓછી થઈ રહી છે. 18 હજાર ગામડાઓ પૈકી 3 હજાર ગામો એવા છે, જ્યાં ગૌચજ જ નથી. ગૌચરજની જમીનો પર મળતિયાઓએ કબજો કર્યો હોવાથી દબાણ દૂર કરાતુ નથી. રાજકોટમાં સૌથી વધુ 1.75 ચો.મી જમીન પર દબાણો છે. અમદાવાદમાં 13.35 લાખ ચો.મી, સુરતમાં 1.52 લાખ ચોમી, ભાવનગરમાં 49.96 લાખ ચોમી ગૌચરની જમીનો પર ગેરકાયદેસર રીતે દબાણો થયા છે. આવી પરિસ્થિતિનું નિર્માણ તે માટે જ થયું છે કેમ કે ભૂમિફિયાઓને સરકારમાં બેઠેલા રાજકારણી, પોલીસ અને અધિકારીઓનું જ રક્ષણ છે.
આજે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા શહેરની કિમતી જમીનો અધિકારી, પોલીસ અને ભાજપના મળતિયાઓ ગણોતિયાના હક્કો ડૂબાડીને હડપી લીધી છે. અધિકારી-પોલીસ નોકરી નહીં પણ જમીનના વહીવટ કરે છે. ગુજરાતમાં સરકારી જમીન જ નહીં, ગરીબો પાસેથી જમીન હડપ કરવાનું સુવ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે.
કોંગ્રેસે ચિમકી ઉચ્ચીરી છે કે, જો સરકાર જમીન માપણી અંગે એકાદ અઠવાડિયામાં રિપોર્ટ જાહેર કરશે નહીં તો પાટનગરમાં જનમંચ કાર્યક્રમ યોજી આખીય વાતને ઉજાગર કરશે.
આ પણ વાંચો-Breaking News :ભાજપે રાજ્યસભાના બે ઉમેદવારના નામ કર્યા જાહેર, જાણો કોના નામ પર લાગી મહોર