નવી દિલ્હી, 21 માર્ચ : કેન્દ્રીય તપાસ એજન્સી ED દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે. ગુરુવારે મોડી સાંજે EDની ટીમ ભારે બંદોબસ્ત સાથે કેજરીવાલના ઘરે પહોંચી હતી. અહીં પૂછપરછ બાદ તપાસ એજન્સીએ કેજરીવાલની ધરપકડ કરી હતી. આ પ્રકારનો પહેલો કિસ્સો છે જ્યારે મુખ્યપ્રધાન પદ સંભાળતી વખતે કોઈની ધરપકડ કરવામાં આવી હોય. આવી સ્થિતિમાં સવાલ એ ઉઠે છે કે હવે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારનું શું થશે? એટલે કે સરકાર કોણ ચલાવશે. આ અંગે આમ આદમી પાર્ટીનું સ્પષ્ટ વલણ છે કે અરવિંદ કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે. એટલે કે તેઓ પદ પરથી રાજીનામું નહીં આપે.
ધરપકડ અટકાવવા HC માંથી રાહત ન મળી
મળતી માહિતી મુજબ, ગત તા. 2 નવેમ્બરથી 21 માર્ચની વચ્ચે EDએ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે 9 સમન્સ મોકલ્યા હતા. પરંતુ કેજરીવાલ કોઈને કોઈ બહાનું બનાવીને ઈડી સમક્ષ હાજર થતા ન હતા. જ્યારે તેને 9મીએ સમન્સ મળ્યો ત્યારે તેણે તેની સામે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો. તેણે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને માંગણી કરી હતી કે જો તે પૂછપરછ માટે ઈડી સમક્ષ હાજર થાય તો તેને ધરપકડથી રક્ષણ આપવામાં આવે. જો કે કેજરીવાલને હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. હવે આ ધરપકડ સામે આમ આદમી પાર્ટી સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે.
કોંગ્રેસ સહીત તમામ વિપક્ષોનું કેજરીવાલને સમર્થન
મહત્વનું છે કે, લિકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ED દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા તેની ધરપકડનો વિરોધ થઇ રહ્યો છે. તેવામાં અરવિંદ કેજરીવાલને કોંગ્રેસ સહીત તમામ વિપક્ષીઓનું સમર્થન મળી રહ્યું છે અને તેઓ ધરપકડનો વિરોધ કરી રહ્યા છે. ત્યારે આ કાર્યવાહી બાદ કોંગ્રેસના તમામ મોટા નેતા અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચ્યા છે અને આગળની રણનીતિ જાણીને તેમાં સહભાગી થવા ઉપર ચર્ચ કરવામાં આવી રહી છે.
સરકાર ચલાવવા અંગે શું કહે છે કાયદો ?
હવે સવાલ એ આવે છે કે શું અરવિંદ કેજરીવાલ ધરપકડ બાદ જેલમાંથી સરકાર ચલાવી શકશે? અને શું તેઓ હજુ પણ મુખ્યમંત્રી રહી શકશે? દેશમાં એવો કોઈ કાયદો નથી, જે કોઈપણ પક્ષ કે મુખ્યમંત્રીને જેલમાંથી સરકાર ચલાવતા અટકાવે. ભારતના બંધારણમાં પણ આ અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી નથી. કાયદામાં કહેવામાં આવ્યું છે કે દોષિત સાબિત થયા પહેલા કોઈપણ નેતા જેલમાં રહીને મુખ્યમંત્રી, મંત્રી, સાંસદ અને ધારાસભ્ય રહી શકે છે અને જેલમાંથી જ સરકાર ચલાવી શકે છે અને તે મુજબ અરવિંદ કેજરીવાલને જેલમાંથી દિલ્હીની સરકાર ચલાવવામાં કોઈ કાનૂની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં.
કેજરીવાલ જેલમાંથી સરકાર ચલાવશે
આમ આદમી પાર્ટી સ્પષ્ટ કહે છે કે કેજરીવાલ જેલમાંથી જ દિલ્હી સરકાર ચલાવશે. AAP નેતા અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે એક ન્યૂઝ એજન્સીને કેજરીવાલના નેતૃત્વવાળી પાર્ટીની યોજનાઓ વિશે જણાવ્યું હતું. તેમણે કહ્યું, ‘આનો નિર્ણય પાર્ટીના વરિષ્ઠ નેતાઓ કરશે. પરંતુ જો આખો પક્ષ જેલમાં હશે તો સરકાર અને પક્ષ જેલમાંથી જ ચાલશે. અને આ ભાજપ ઈચ્છે છે કે બધા જેલમાં જાય. તેઓ ઇચ્છે છે કે મફત શિક્ષણ, મફત વીજળી, મફત પાણી, મફત તીર્થયાત્રા, હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સ બંધ કરવામાં આવે પરંતુ અરવિંદ કેજરીવાલ એવું થવા દેશે નહીં.
કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશેઃ અધ્યક્ષ
આ સમગ્ર ઘટના વાત કરતા દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામનિવાસ ગોયલે કહ્યું કે પાર્ટીએ ધારાસભ્યોની સલાહ લીધી છે કે જો કેજરીવાલની ધરપકડ થશે તો તેઓ જેલમાંથી સરકાર ચલાવશે. સામાન્ય લોકોથી લઈને ધારાસભ્યો, કાઉન્સિલરો અને રાજ્યસભાના સાંસદોએ પણ આ જ નિર્ણય લીધો હતો. કેજરીવાલ જેલમાંથી જ સરકાર ચલાવશે. વિરોધ કરવો એ અમારો અધિકાર છે. જો તમે ઈચ્છો તો અમારી ધરપકડ કરો. આ ક્યાં સુધી ચાલશે?