વિનેશ ફોગાટને ઓલિમ્પિકમાં શા માટે અયોગ્ય ઠેરવવામાં આવી, કુસ્તીમાં વજન અંગેના નિયમો શું છે?
- વિનેશ ફોગાટનું વજન નિર્ધારિત વજન કરતાં 100 ગ્રામ વધુ આવતાં કરોડો ભારતીયોનું મેડલ જીતવાનું સપનું થયું ચકનાચૂર
પેરિસ, 7 ઓગસ્ટ: ભારતીય સ્ટાર મહિલા રેસલર વિનેશ ફોગાટને પેરિસ ઓલિમ્પિક ગેમ્સ 2024 માટે અયોગ્ય ઠેરવવામાં આવી છે. વિનેશ ફોગાટ મહિલાઓની 50 કિગ્રા કેટેગરીની ફાઇનલમાં પહોંચી હતી, પરંતુ વિનેશ ફોગાટનું વજન નિર્ધારિત વજન કરતાં 100 ગ્રામ વધુ આવ્યું હતું જેના કારણે તેનું અને કરોડો ભારતીયોનું મેડલ જીતવાનું સપનું ચકનાચૂર થઈ ગયું છે. જે રીતે વિનેશ ફોગાટે 7 ઓગસ્ટે પેરિસ ઓલિમ્પિકમાં એક પછી એક ત્રણ મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો અને ભારત માટે ઓછામાં ઓછો સિલ્વર મેડલ સુનિશ્ચિત કર્યો, તે જોઈને એવું લાગતું હતું કે, તે ગોલ્ડ સાથે જ ઘરે પરત ફરશે. વિનેશ ફોગાટે મંગળવારે મહિલાઓની 50 કિગ્રા કેટેગરીમાં પોતાની ત્રણેય મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આ દરમિયાન વિનેશે ટોક્યો ઓલિમ્પિક્સની ગોલ્ડ મેડલ વિજેતા સુસાકીને પણ હરાવી હતી, જેણે આ મેચ પહેલા તેની કારકિર્દીમાં એક પણ મેચ હાર્યો ન હતો કે એક પણ પોઈન્ટ ગુમાવ્યો ન હતો. ત્યારે આજે બુધવારે સવારે સમાચાર આવ્યા કે, વિનેશ ફોગાટને ગેરલાયક ઠેરવવામાં આવી છે. મતલબ કે તેણીને ફાઇનલ મેચ રમવા માટે અયોગ્ય જાહેર કરવામાં આવી છે.
UWW (United World Wrestling- UWW)ના નિયમો અનુસાર, જો કોઈ એથ્લિટ વજન કરવામાં ભાગ લેતો નથી અથવા નિષ્ફળ જાય છે અથવા કુસ્તીબાજ નિર્ધારિત વજનના માપદંડોને અનુરૂપ ન હોય તો તેને સ્પર્ધામાંથી બહાર કરી દેવામાં આવશે અને તેને કોઈ રેન્ક વિના છેલ્લા સ્થાને મૂકી દેવામાં આવશે. આવી સ્થિતિમાં વિનેશ ફોગાટના હાથમાં સિલ્વર મેડલ પણ નહીં આવે.
કુસ્તીમાં વજન અંગેના નિયમો શું છે?
વજનને લગતા નિયમો અનુસાર, જ્યારે પણ કુસ્તીબાજ સ્પર્ધામાં ભાગ લે છે, તે દિવસે તેનું વજન કરવામાં આવે છે. દરેક વજન કેટેગરીની મેચો બે દિવસની અંદર યોજવામાં આવે છે, તેથી જે કુસ્તીબાજો ફાઇનલમાં અથવા રિપેચેજમાં પહોંચે છે તેમનું વજન બંને દિવસે કરવામાં આવે છે. પ્રથમ વખત વજન કરતી વખતે, કુસ્તીબાજ પાસે વજન કરવા માટે 30 મિનિટ હોય છે. આ સમયગાળા દરમિયાન, તેઓ ઇચ્છે તેટલી વખત પોતાનું વજન કરી શકે છે. આ દરમિયાન એ પણ જોવા મળે છે કે, રેસલરને કોઈ ચેપી રોગ તો નથી ને! અને તેના નખ ખૂબ જ ટૂંકા કપાયેલા છે કે નહીં. જે કુસ્તીબાજોને સતત બીજા દિવસે સ્પર્ધામાં ભાગ લેવાનો હોય છે, તેમને વજન કરવા માટે 15 મિનિટનો સમય આપવામાં આવે છે. યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (UWW)ના નિયમો અનુસાર, જો કુસ્તીબાજનું વજન નિર્ધારિત વજન કરતાં વધી જાય છે, તો તેને ગેરલાયક ઠેરવવામાં આવશે.
મહત્ત્વપૂર્ણ છે કે, ફ્રી સ્ટાઇલ રેસલિંગમાં ઘણી વેઇટ કેટેગરી હોય છે. મહિલાઓમાં 50, 53, 57, 62, 68, 76 કિગ્રાની કેટેગરી હોય છે. જ્યારે પુરુષોમાં 57, 65, 74, 86, 97, 125 કિગ્રાની ફ્રી સ્ટાઇલ કેટેગરી હોય છે.
આ પણ જૂઓ: પેરિસ ઓલિમ્પિકમાં ભારતને મોટો ફટકો: વિનેશ ફોગાટ ફાઇનલમાં ડિસ્ક્વોલિફાઈ