કોવિડ વેક્સિન સર્ટિફિકેટમાંથી PM મોદીનો ફોટો કેમ હટાવી દેવામાં આવ્યો?
નવી દિલ્હી, 02 મે 2024: ભારત સરકારના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ-19 વેક્સિન સર્ટિફિકેટમાં મોટા બદલાવો કર્યા છે. સરકારે કોવિન સર્ટિફિકેટમાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો હટાવી દીધો છે. આ પહેલા તેમની તસવીરને સર્ટિફિકેટમાં જગ્યા આપવામાં આવી હતી અને લખવામાં આવ્યું હતું – ‘સાથે મળીને ભારત કોરોનાને હરાવી દેશે.’ એક રીતે, સરકારે રસીકરણનો શ્રેય પીએમ મોદીને આપ્યો હતો. કેટલાક લોકોનો દાવો છે કે વેક્સિન બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકાએ યુકેની કોર્ટમાં તેની આડઅસરોનો સ્વીકાર કર્યા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. કોવિશિલ્ડ રસીની આડઅસર તરીકે થ્રોમ્બોસિસ સાથે થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) નોંધાયા પછી લોકો CoWin એપ્લિકેશન પર તેમની રસીકરણની સ્થિતિ તપાસી રહ્યા છે.
આ અંગે સ્વાસ્થય મંત્રાલયે કરી સ્પષ્ટતા
હવે સર્ટિફિકેટમાં પણ પીએમ મોદીને ફોટો હટાવી દેવાયો છે અને હવે ત્યાં QR કોડ છે. સોશિયલ મીડિયા પર પણ લોકો આ વિશે વિવિધ બાબતોની ચર્ચા કરી રહ્યા છે આ મામલે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનું નિવેદન સામે આવ્યું છે. વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે ચાલી રહેલી લોકસભા ચૂંટણી માટે જારી કરાયેલી આદર્શ આચારસંહિતાના અમલને કારણે વેક્સિન સર્ટિફિકેટમાંથી વડાપ્રધાન મોદીનો ફોટો હટાવી દીધો છે. નોંધનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે કોવિડ રસીકરણ પ્રમાણપત્રમાંથી પીએમ મોદીનો ફોટો હટાવવામાં આવ્યો હોય. આ પહેલા વર્ષ 2022માં ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, મણિપુર અને ગોવામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ તેમની તસવીર હટાવી દેવામાં આવી હતી. ચૂંટણી પંચના આદેશ પર આ પગલું લેવામાં આવ્યું છે
PM મોદીના ફોટોને લઈને વિવાદ થયો હતો
2021માં વેક્સિન સર્ટિફિકેટ પર પીએમ મોદીનો ફોટો છાપવાને લઈને વિવાદ થયો હતો. આ મામલો કેરળ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. તેના વિરોધમાં કહેવામાં આવ્યું હતું કે પીએમનો ફોટો અન્ય દેશોમાં છપાયો નથી. તેના જવાબમાં જસ્ટિસ પીવી કુન્હીક્રિષ્નને કહ્યું હતું કે, “તેઓ તેમના વડાપ્રધાન પર ગર્વ નહીં કરતા હોય, આપણને આપણા દેશના વડાપ્રધાન પર ગર્વ છે.”
ગુજરાત કોંગ્રેસે વળતરની માંગ કરી હતી
ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, કેન્દ્રની ભાજપ સરકારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની ગાઈડલાઈનનું પાલન કર્યું નથી. કોંગ્રેસે માંગણી કરી છે કે કોવિશિલ્ડ વેક્સિન લીધા બાદ જે લોકો હાર્ટ એટેકનો ભોગ બન્યા હોય અથવા અન્ય કોઈ કારણોસર મૃત્યુ પામ્યા હોય તેમના પરિવારજનોએ તેનું પરીક્ષણ કરાવવું જોઈએ. તેમજ વળતરની માંગ કરી હતી.
આ પણ વાંચો: કોવિશિલ્ડ રસીની આડ અસરનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, વળતરની કરાઈ માંગ