ચૂંટણી પહેલા અરવિંદ કેજરીવાલની ધરપકડ કેમ? સુપ્રીમ કોર્ટે ED પાસે માંગ્યો જવાબ
નવી દિલ્હી, 30 એપ્રિલ: અરવિંદ કેજરીવાલની ધરપકડ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે EDને મોટા સવાલો કર્યા છે. જસ્ટિસ સંજીવ ખન્નાએ સામાન્ય ચૂંટણી પહેલા ધરપકડના સમય પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે સામાન્ય ચૂંટણી પહેલા ધરપકડ શા માટે? ED શુક્રવારે પ્રશ્નોના જવાબ આપશે.
સુપ્રીમ કોર્ટે EDને કર્યા સવાલો
આ કેસની સુનાવણી શુક્રવારે થવાની શક્યતા છે. મહત્ત્વનું છે કે કેજરીવાલે લિકર પોલિસી કૌભાંડ કેસ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા તેમની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. કોર્ટે EDને સવાલ કરતાં કહ્યું કે, કોર્ટે પૂછ્યું કે શું ન્યાયિક કાર્યવાહી વિના તમે અહીં જે બન્યું છે તેના સંદર્ભમાં ફોજદારી કાર્યવાહી શરૂ કરી શકો છો? આ મામલામાં અત્યાર સુધી કોઈ જોડાણની કાર્યવાહી કરવામાં આવી નથી અને જો થઈ છે તો બતાવો કે કેજરીવાલ આ મામલામાં કેવી રીતે સામેલ છે. આમ, કોર્ટે કેસના સંદર્ભમાં ED પાસેથી આ સવાલોના જવાબ માંગ્યા છે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેંચે કેજરીવાલની ધરપકડના સમયના પ્રશ્ન પર એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુ પાસેથી જવાબ માંગ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યું કે ‘જીવન અને સ્વતંત્રતા અત્યંત મહત્વપૂર્ણ છે. તમે તેને નકારી ન શકો.’
કેજરીવાલ 21 માર્ચથી તિહાર જેલમાં બંધ
ઉલ્લેખનીય છે કે 21 માર્ચે ધરપકડ થયા બાદ કેજરીવાલ હાલ ન્યાયિક કસ્ટડીમાં અહીંની તિહાર જેલમાં બંધ છે. સુપ્રીમ કોર્ટે 15 એપ્રિલે EDને નોટિસ પાઠવી હતી અને કેજરીવાલની અરજી પર જવાબ માંગ્યો હતો. કેજરીવાલ વતી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવી પોતાનો પક્ષ રજૂ કરી રહ્યા છે.
આ પણ વાંચો: CM કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમમાં થયેલી અરજીની આજે સુનાવણી