વિરાટ કેમ અન્યોથી અલગ છે જણાવે છે યુવરાજ સિંઘ
9 મે, ચંડીગઢ: ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે વિરાટ કોહલીના વખાણ કરતાં તેને આ પેઢીનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન ગણાવ્યો છે. યુવરાજે એ બાબતે પણ ખુલાસો કર્યો હતો કે વિરાટ કેમ અન્યોથી અલગ છે. યુવરાજના કહેવા અનુસાર અન્ય કોઇપણ ખેલાડી કરતાં વિરાટ કોહલી જ વર્લ્ડ કપ જીતવા માટે સહુથી વધુ હકદાર છે.
અહીં એ નોંધપાત્ર છે કે વિરાટ કોહલી છઠ્ઠી વખત T20 વર્લ્ડ કપમાં રમવા ઉતરશે. તેણે પહેલી વખત 2012માં T20 World Cupમાં ભાગ લીધો હતો. પરંતુ પચાસ ઓવરના વર્લ્ડ કપની જેમ વિરાટ આ ફોર્મેટમાં એક પણ વર્લ્ડ કપ જીતી શક્યો નથી.
યુવરાજ સિંહે ICC સાથે ચર્ચા કરતાં જણાવ્યું હતું કે, ‘વિરાટને એક વર્લ્ડ કપ મેડલની ખાસ જરૂર છે. વિરાટે આ યુગમાં તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા છે. તે આ પેઢીનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે. તમામ ફોર્મેટની વાત કરું તો મને લાગે છે કે વિરાટ કોહલી એકમાત્ર એવો ખેલાડી છે જેને વર્લ્ડ કપ મેડલની સહુથી વધુ જરૂર છે. તેને એક વર્લ્ડ કપ મેડલ તો મળી ચૂક્યો છે પણ મને વિશ્વાસ છે કે તે તેનાથી સંતુષ્ટ નહીં હોય.’
યુવરાજે આગળ કહ્યું હતું કે, ‘વિરાટ કોહલી પોતાની રમતને બહુ સારી રીતે સમજે છે. તે જાણે છે કે જો તે ક્રીઝ ઉપર ઉભો છે તો છેવટે તે ભારતને જીતાડશે જ અને ઘણી વખત તે આવું કરી પણ ચૂક્યો છે. જેમકે મોહાલીમાં ઓસ્ટ્રેલિયા સામે. એક વખત તેને લક્ષ્યનો પીછો કરવામાં વિશ્વાસ આવી જાય તો તે પરિસ્થિતિ અનુસાર કેવી રીતે બેટિંગ કરવી તે જાણે છે. કયા બોલરને ટાર્ગેટ કરવાનો છે અને કયા બોલરને સન્માન આપવનું છે તે બહુ સારી રીતે જાણે છે. તે કાયમ પોતાની રમત બદલીને રમતો હોય છે.
વિરાટ કેમ અન્યોથી અલગ છે તે અંગે પ્રકાશ પાડતા યુવરાજ સિંઘે કહ્યું કે ‘નેટ્સમાં જ્યારે પણ કોહલી બેટિંગ કરતો હોય છે ત્યારે એવું લાગતું હોય છે કે તે મેચમાં રમી રહ્યો છે. તે ફક્ત નેટ્સમાં જઈને ફટકાબાજી જ નથી કરતો. તે સતત બોલને તેના મેરીટ ઉપર રમે છે. મેં મોટાભાગના ખેલાડીઓમાં આ ગુણ નથી જોયો અને કદાચ આ બાબત જ તેની સફળતાનો મૂળ મંત્ર છે.