15 મે, ચેન્નાઈ: હાલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે પોતાની છેલ્લી સિઝન રમી રહેલો ભારતનો પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગઈકાલે ચેન્નાઈમાં એક પ્રમોશનલ ઇવેન્ટને સંબોધન કરી રહ્યો હતો. માહી તરીકે ઓળખાતા ધોનીએ આ બાબતે પોતાના વ્યક્તિગત જીવન અંગે ઘણા ખુલાસા કર્યા હતા. માહીને કેમ અમેરિકાનું એક ખાસ શહેર તેને વેકેશન ગાળવા માટે ખૂબ પસંદ છે તે તેણે વિસ્તારે જણાવ્યું હતું.
ધોનીનું કહેવું છે કે તેને અમેરિકામાં ફરવું ખૂબ પસંદ છે. અમેરિકા પોતાની કુદરતી સમૃદ્ધિ અને સંસ્કૃતિને કારણે તેને કાયમ આકર્ષિત કરે છે. ઘણા ભારતીયો માટે અમેરિકા એ પોતાની કરિયરને જબરદસ્ત પરિવર્તન લાવવા માટેની તક છે જ્યારે માહીને અહીં પોતાના મિત્રોને મળવાની, તેમની સાથે ગોલ્ફ રમવાની તેમજ મજેદાર ભોજન કરવાની તક મળે છે.
ચેન્નાઈ સુપર કિંગ્સ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ધોનીએ કહ્યું હતું કે તે કાયમ ન્યૂ જર્સીમાં પોતાના મિત્રને ઘરે જાય છે અને પછી બંને કલાકો સુધી ગોલ્ફ રમે છે. ત્યારબાદ મજેદાર ભોજન પણ કરતા હોય છે. ધોનીએ કહ્યું હતું કે, ‘એવું નથી કે હું ત્યાં જઈને બહુ કામ કરું છું. હું ન્યૂ જર્સી જઈને ગોલ્ફ રમું છું. હું મારા દોસ્તને ઘેર જાઉં છું અને ત્યાંથી ગોલ્ફ કોર્સ લગભગ અઢી મિનીટના અંતરે છે.’ જો કે ધોનીએ પોતાના એ દોસ્તનું નામ જણાવવાથી ઇનકાર કર્યો હતો.
ધોનીએ સ્વીકાર્યું હતું કે તે વેકેશન દરમ્યાન કશું કરતો નથી ફક્ત ગોલ્ફ રમે છે અને મજેદાર ભોજન આરોગે છે. તે પોતાના મિત્ર સાથે સાડા ચાર કલાક ગોલ્ફ રમે છે અને પછી ભોજન લે છે અને પછી સતત 15-20 દિવસ આ જ પ્રવૃત્તિ દરરોજ કરે છે. ત્યાંની કલબના મેમ્બર્સ વચ્ચે ટુર્નામેન્ટ હોય તો તેમાં તે ભાગ લે છે. ધોની કહે છે કે આખા વર્ષમાં આ 15-20 દિવસ તેના જીવનના શ્રેષ્ઠ દિવસો હોય છે.
ધોનીના અમેરિકા પ્રેમ વિશે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માને પણ સવાલ કરવામાં આવ્યો હતો. આ સવાલના જવાબમાં રોહિતે મજાકના અંદાજમાં કહ્યું હતું કે તેની ટીમ આ વર્ષે અમેરિકામાં જ T20 World Cup રમવા જવાની છે તો તે ધોનીને પણ તેમાં રમવા માટે કહેશે. પરંતુ બાદમાં રોહિતે ઉમેર્યું હતું કે એ ‘યુવા વિકેટ કીપરને’ રમવા માટે રાજી કરવો એટલું સહેલું નહીં હોય.