ભગવાન દ્વારકાધીશને 52 ગજની જ ધ્વજા કેમ ચડે ? શું છે તેનો ઇતિહાસ ?
આજે જન્માષ્ટમીનો પાવન પર્વ છે. ભગવાન શ્રી કૃષ્ણના જન્મને વધાવવા સૌ કોઈ લોકો આતુર છે. કૃષ્ણને સૌ પોતાના માને છે અને તેને મનભરીને માણે પણ છે. તેની દરેક વાતો જાણવા અને તેની પાછળના તાત્પર્યને સમજવાની કોશિષ કરતા હોય છે. પરંતુ શું તમે જાણો છો શા માટે દ્વારકાના જગતમંદિર ઉપર 52 ગજની જ ધ્વજા ચડે છે ? શું છે તેનો ઇતિહાસ ?
દરરોજ પાંચ ધ્વજા ચડે, માત્ર અબોટી બ્રાહ્મણ ધ્વજા રોહણ કરી શકે
દ્વારકાધીશ મંદિરે ભારતભરના લોકો દર્શનાર્થે આવતા હોય છે અને તમામ લોકોની મનોકામના હોય છે કે, તેઓ એક વખત દ્વારકાધીશના મંદિર પર ધજા ચડાવે. અહીં અબોટી બ્રાહ્મણ દ્વારા ધ્વજાનું બુકિંગ કરવામાં આવે છે. ધજાનું બુકિંગ કરનાર અગ્રણી જણાવી રહ્યા છે કે, દ્વારકાધીશની મંગળા આરતી સવારે 7:30 વાગ્યે, શ્રુંગાર આરતી સવારે સાડા દસ વાગ્યે, ત્યારબાદ સવારે 11:30 વાગ્યે તથા સાંજની આરતી 7 :45 વાગ્યે થાય છે. આ સમય દરમિયાન ધજા ચડાવવામાં આવે છે અને મંદિરની પૂજા, આરતી બ્રાહ્મણ કરાવે છે. આ પૂજા બાદ અબોટી બ્રાહ્મણ ધજા ચડાવે છે. ધજા બદલવા માટેનો એક મોટો કાર્યક્રમ યોજાય છે, જે પરિવાર ધજા સ્પોન્સર કરે છે તેઓ ત્યાં આવે છે તેમના હાથમાં ધજાઓ છે તે ભગવાનને સમર્પિત કરવામાં આવે છે, ત્યાંથી અબોટી બ્રાહ્મણ તેને લઈ ઉપર જાય છે અને ધજા બદલે છે.
બાવન ગજની ધજાનો અનોખો ઇતિહાસ
દ્વારકાધીશ મંદિર પર કરવામાં આવતી ધજાને એક કિલોમીટર દૂરથી જોઈ શકાય છે, કારણ કે આ ધજા બાવનગજની હોય છે .બાવન ગજની ધજા પાછળ અનેક લોક માન્યતા છે. કેટલાક લોકોનું માનવું છે કે, દ્વારકા નગરી પર 56 પ્રકારના યાદોનું શાસન હતું. તે સમયે પોતાના મહેલ હતા અને દરેક પર પોતાના અલગ-અલગ ધ્વજ લગાવાતા હતા. મુખ્ય ભગવાન કૃષ્ણ બલરામ અને ઋતુ અને પ્રદ્યુમન આચાર ભગવાનના મંદિર હજુ પણ બનેલા છે, જ્યારે અન્ય પ્રકારના યાદવના પ્રતીક સ્વરૂપ ભગવાન દ્વારકાધીશના મંદિર પર બાવનગજની ઘ્વજા ફરકાવવામાં આવે છે.
મંદિરની ધજા ખાસ દરજી દ્વારા તૈયાર કરવામાં આવે છે
બીજી એક એવી માન્યતા છે કે. બાર રાશિ 27 નક્ષત્ર દસ દિશા, સૂર્ય ચંદ્ર અને શ્રી દ્વારકાધીશ સહિત 52 થાય છે ત્રીજી માન્યતા પ્રમાણે દ્વારકામાં એક સમયે ૫૨ દ્વાર હતા તે પણ પ્રતિક છે. મંદિરની ધજા ખાસ દરજી દ્વારા તૈયાર કરવામાં આવે છે, જ્યારે ધજા બદલવાની પ્રક્રિયા થાય તે સમયે તેને જોવા પર પ્રતિબંધ હોય છે.
દ્વારકાધીશની ધજા પર ચંદ્ર અને સૂર્યનું પ્રતીક
દ્વારકાધીશ મંદિરની ઉપર ફરકાવવામાં આવેલી ધજામાં સૂર્ય અને ચંદ્રનુ પ્રતિક છે. માન્યતા છે કે, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી દ્વારકાધીશનું નામ રહેશે દ્વારકાધીશ હિન્દુઓના મુખ્ય ધાર્મિક સ્થળો પૈકી એક છે. દ્વારકા હિન્દુ ધર્મના ચાર ધામની તીર્થ યાત્રા પૈકી એક છે. હજારો વર્ષ અગાઉ દ્વાપરયુગમાં ભગવાન કૃષ્ણની રાજધાની હતી. આ મંદિરમાં ધજા પૂજનનું વિશેષ મહત્વ છે. ધજાની વિશેષતા એ છે કે, હવાની દિશા કોઈ પણ હોય ધજા હંમેશા પશ્ચિમથી પૂર્વ તરફ લહેરાઈ છે.