ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

73 વર્ષથી થઈ રહેલી પ્રક્રિયા પર હવે શા માટે સમસ્યા: SCમાં સરકારનો જવાબ

  • ચૂંટણી કમિશનરોની પસંદગી અને નિમણૂક મામલે SCએ જવાબ માંગતા કેન્દ્ર સરકારે સોગંદનામું રજૂ કર્યું

નવી દિલ્હી, 21 માર્ચ: લોકસભા ચૂંટણીના થોડા દિવસો પહેલા જ ચૂંટણી કમિશનરોના રાજીનામા બાદ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી નવા ચૂંટણી કમિશનરોની નિમણૂક પર પ્રશ્ન ઉઠાવતા કેસ અંગે સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક એફિડેવિટમાં રજૂ કર્યું હતું. કેન્દ્ર સરકારના આ એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, દેશમાં છેલ્લા 73 વર્ષથી ચૂંટણી કમિશનરોની નિમણૂક કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે, તો હવે આ નવી નિમણૂક પર કેમ વિવાદ થઈ રહ્યો છે.” આ સાથે તાજેતરમાં કરવામાં આવેલી બે ચૂંટણી કમિશનરોની નિમણૂકનો પણ બચાવ કરવામાં આવ્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, તેમની કેબિનેટના એક સહયોગી અને વિરોધ પક્ષના નેતાની બનેલી એક પેનલે 14 માર્ચે નિવૃત્ત IAS અધિકારીઓ જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સંધુને નવા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા હતા.

SCમાં દાખલ કરવામાં આવેલી એફિડેવિટમાં, કેન્દ્ર સરકારે એવી પણ દલીલ કરી હતી કે, આ અધિકારીઓની નિમણૂક પહેલાં CEC એક્ટ હેઠળ ઉચ્ચ સ્તરીય સમિતિની ચર્ચાઓ માત્ર સહયોગાત્મક રહી છે. કેન્દ્ર સરકારે વધુમાં કહ્યું કે, “ચૂંટણી કમિશનરની નિમણૂક માટેની પસંદગી સમિતિમાં ન્યાયિક સભ્યની હાજરીએ ચૂંટણી પંચની સ્વતંત્રતા માટે જરૂરી નથી. “

લોકસભા ચૂંટણી પહેલા ECની નિમણૂકનો મામલો SCમાં પહોંચ્યો

તાજેતરમાં નિમાયેલા બે કમિશનરોની પસંદગી અને નિમણૂકનો આ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચતા, કોર્ટે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો. જેના જવાબમાં કેન્દ્ર સરકારે કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવાની શરતો અને કાર્યાલયની મુદત) અધિનિયમ 2023 અમલમાં આવે તે પહેલાં પણ એટલે કે 1950થી 2023 સુધીના 73 વર્ષના સમયગાળા દરમિયાન ચૂંટણી કમિશનરોની નિમણૂક ખાસ કરીને કાર્યપાલિકા (એક્ઝિક્યુટિવ) દ્વારા કરવામાં આવી રહી હતી. સર્વોચ્ચ અદાલત સમક્ષ દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે, તાજેતરમાં નિયુક્ત કરાયેલા બે ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધુ અને જ્ઞાનેશ કુમારની લાયકાત પર ક્યારેય પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો નથી.

કાયદા અને ન્યાય મંત્રાલયે તેના સોગંદનામામાં જણાવ્યું હતું કે, “ચૂંટણી કમિશનર તરીકે સેવા આપવા માટે યાદીમાં નામ આપવામાં આવેલા કોઈપણ વ્યક્તિની લાયકાત અથવા ક્ષમતા પર કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો નથી. નિયુક્ત ચૂંટણી કમિશનરો સામે પણ કોઈ આક્ષેપ કરવામાં આવ્યો નથી, પરંતુ તેની જગ્યાએ એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેમાં અનિયંત્રિત નિવેદનોના આધારે રાજકીય વિવાદ ઉભો કરી શકાય.

ઉલ્લેખનીય છે કે, 9 માર્ચે અરુણ ગોયલના રાજીનામા બાદ ચૂંટણી પંચમાં માત્ર મુખ્ય ચૂંટણી કમિશનર જ બચ્યા હતા. તેથી, કેન્દ્ર સરકારે બે ખાલી જગ્યાઓ પર ચૂંટણી કમિશનરની નિમણૂક કરી હતી અને સરકારે કહ્યું હતું કે, ચૂંટણી કમિશનર જેવા ઉચ્ચ બંધારણીય અધિકારીઓ માટે એવું માનવું જોઈએ કે તેઓ જાહેર હિતમાં નિષ્પક્ષતાથી અને સદ્ભાવનાથી કામ કરશે.

મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક એ બંધારણીય રીતે લેવામાં આવેલો નિર્ણય

કેન્દ્ર સરકારે જવાબ આપ્યો કે, “તે એક મૂળભૂત ગેરસમજ છે કે કોઈપણ સત્તામાં સ્વતંત્રતા ફક્ત ત્યારે જ જાળવી શકાય છે જો પસંદગી સમિતિ ચોક્કસ રચના(ફોર્મયુલેશન)ની હોય.” એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે, “ન્યાયિક સભ્યો વિનાની પસંદગી સમિતિઓ હંમેશા પક્ષપાતી રહેશે તેવો મતલબ સંપૂર્ણપણે ખોટો છે.” સરકારે કહ્યું કે, મુખ્ય ચૂંટણી કમિશનરની નિમણૂક એ બંધારણની કલમ 324(2) હેઠળ લેવામાં આવેલો સંપૂર્ણ વહીવટી નિર્ણય છે.

આ પણ જુઓ: અરુણાચલ પ્રદેશ ભારતનું અભિન્ન અંગ: અમેરિકાએ ચીનના દાવાનો સખત વિરોધ કર્યો

Back to top button